ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સરદાર સિંઘે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

બુધવારે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા સરદાર સિંઘે જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષથી રમ્યા બાદ હવે કારકિર્દીને વિરામ આપવાનો સમય આવી ગયો છે 

webmaster A | Updated: Sep 12, 2018, 06:09 PM IST
ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સરદાર સિંઘે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
ફાઈલ ફોટો

નવી દિલ્હીઃ ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સરદાર સિંઘે બુધવારે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તે છેલ્લા 12 વર્ષથી ભારતીય હોકી ટીમ તરફથી રમતો હતો. સરદાર સિંઘે જણાવ્યું કે, એશિયન ગેમ્સમાં ટીમના નબળા પ્રદર્શન બાદ બ્રોન્ઝ મેડલ મળવાથી નિરાશા કારણે તેણે આ નિર્ણય લીધો છે. 

વધતી ઉંમર અને ઘડતી ઝડપને કારણે એશિયન ગેમ્સમાં સરદાર સિંઘનું પ્રદર્શન પણ કોઈ ખાસ રહ્યું ન હતું. પીટીઆઈને સરદાર સિંઘે જણાવ્યું કે, "હા, મેં આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. મેં ઘણી લાંબી કારકિર્દી રમી છે. 12 વર્ષ એ ઘણો લાંબો સમય કહેવાય. હવે નવી પેઢીને આગળ આવવાની તક મળવી જોઈએ. મેં ચંડીગઢમાં રહેતા મારા પરિવાર, મિત્રો અને હોકી ઈન્ડિયા સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. મને લાગે છે કે હવે હોકી સિવાયની જિંદગી તરફ નજર નાખવાનો સમય પાકી ગયો છે." 

જોકે, રસપ્રદ બાબત એ છે કે, જકાર્તા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ દરમિયાન સરદાર સિંઘે જણાવ્યું હતું કે, તેના અંદર હોકી હજુ જીવંત છે અને તે ટોકિયોમાં રમાનારી ઓલિમ્પિક્સ 2020 ગેમ્સમાં રમવા માગે છે. જોકે, હોકી ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જ નેશનલ કેમ્પ માટે જે 25 ખેલાડીઓની યાદી બહાર પડાઈ હતી તેમાં સરદાર સિંઘનું નામ પડતું મુકાયું હતું. કદાચ આ કારણે જ સરદારે નિવૃત્તિનો નિર્ણય લીધો હશે. 

આ કેમ્પમાંથી પડતા મુકાયા અંગે સરદારે જણાવ્યું હતું કે, અગાઉ તે શુક્રવારે નવી દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરવાનો હતો. 

સરદારે ભારતીય ટીમમાં વર્ષ 2006માં પાકિસ્તાન સામેની મેચમાં પદાર્પણ કર્યું હતું અને ત્યારથી તે ભારતીય ટીમનો મીડફિલ્ડનો ખેલાડી રહ્યો છે. 32 વર્ષના સરદાર સિંઘે ભારત તરફથી 350 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને વર્ષ 2008થી 2015 સુધી ભારતીય ટીમનું નેતૃત્વ પણ કર્યું છે. વર્ષ 2016માં પી.આર. શ્રીજેશને ભારતીય હોકી ટીમનો કેપ્ટન બનાવાયો હતો. 

સરદાર સિંઘ ભારતીય ટીમનો કેપ્ટન બનનારો સૌથી યુવાન ખેલાડી હતો, જ્યારે તેણે સુલતાન અઝલાન શાહ કપમાં 2008માં ટીમની કેપ્ટનશીપ કરી હતી. સરદાર સિંઘને 2012માં પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ અને 2015માં પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરાયો છે. સરદારે બે ઓલિમ્પિક્સમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું છે. 

હોકીમાં સરદારનું યોગદાન હંમેશાં યાદ રહેશે. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ માટેની ટીમમાં પડતા મુકાયા બાદ સરદારે જોરદાર કમબેક કર્યું હતું અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમને સિલ્વર મેડલ અપાવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ઉંમરની સાથે સરદારની ઝડપ ભલે ધીમી પડી હોય, પરંતુ તે ભારતીય હોકી ટીમના સૌથી ફિટ ખેલાડીઓમાંનો એક હતો. 

સરદાર સિંઘે જણાવ્યું કે, "નિવૃત્તિ અંગેના નિર્ણય માટે ફિટનેસ જવાબદાર નથી. હું હજુ બીજા કેટલાક વર્ષ હોકી રમી શકું એમ છું. જીવનમાં દરેક બાબતનો એક સમય હોય છે અને મને લાગે છે કે હવે નવી જિંદગી શરૂ કરવાનો સમય આવી ગયો છે." સરદાર સિંઘે જણાવ્યું કે, તેણે તેના મુખ્ય કોચ હરેનદ્ર સિંઘને આ નિર્ણયની જાણ કરી હતી અને ઘરેલુ હોકી રમવાનું ચાલી રાખશે. 

હરિયાણાના સિરસાના રહેવાસી એવા સરદારની કારકિર્દીમાં ક્યારેય કોઈ વિવાદ જોવા મળ્યો ન હતો. ભારતીય મૂળની એક બ્રિટિશ મહિલાઓ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, જેનો તેણે દૃઢતાપૂર્વક ઈનકાર કર્યો હતો અને લુધિયાણા પોલીસની તપાસમાં પણ સરદારને ક્લીન ચીટ આપવામાં આવી હતી.