IND vs WI: વિશ્વકપ પહેલા મધ્યમક્રમની દુવિધાને દૂર કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા

મેચની પૂર્વ સંધ્યાએ પત્રકાર પરિષદમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, મધ્યમક્રમમાં ચોથા નંબર માટે અંબાતી રાયડૂ પાસે સારી તક છે. 
 

IND vs WI: વિશ્વકપ પહેલા મધ્યમક્રમની દુવિધાને દૂર કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા

ગુવાહાટીઃ બેટ્સમેનથી લઈને બોલિંગ સુધી ભારતીય ટીમ મજબૂત દેખાઈ રહી છે પરંતુ તેમછતાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રવિવારથી શરૂ થઈ રહેલી પાંચ એકદિવસીય મેચોની શ્રેણીમાં તે આગામી વર્ષે યોજાનારા વિશ્વકપ પહેલા મધ્યમક્રમનો કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરશે. 

મધ્યમક્રમની ચિંતા
ઈંગ્લેન્ડમાં આઠ મહિનાથી ઓછા સમયમાં વિશ્વકપ શરૂ થશે અને ભારતની પાસે પોતાના મધ્યમક્રમને વ્યવસ્થિત કરવા માટે માત્ર 18 મેચ બચ્યા છે. તેમાં પણ ચાર નંબરનું સ્થાન વિશેષ છે જેમાં અત્યાર સુધી ઘણા બેટ્સમેનોને તક મળી છે પરંતુ કોઈ અપેક્ષા પૂરી કરી શક્યું નથી. આ શ્રેણીમાં કેપ્ટન વિરાટ કોહલી પણ સીમિત ઓવરના ક્રિકેટમાં વાપસી કરશે. તેને એશિયા કપમાં આરામ આપવામાં આવ્યો હતો. 

પંતને મળશે તક
ભારતીય ટીમે આજે અંતિમ 12 ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે અને રિષભ પંત પર્દાપણ કરવા માટે તૈયાર છે. તેણે ટેસ્ટ મેચોમાં પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા તથા ઓવલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સદી ફટકારી હતી. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 92 રનની બે ઈનિંગ રમી હતી. પંતને દિનેશ કાર્તિકના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે પ્રથમ વનડે માટે પસંદ કરાયેલા 12 ખેલાડીઓમાં સામેલ છે પરંતુ તેના પર સારૂ પ્રદર્શન કરવાનું  દબાણ રહેશે. 

ધોની પર નજર
મહેન્દ્ર સિંહ ધોની પર ફરીથી તમામની નજર રહશે જે હાલના દિવસોમાં બેટથી અપેક્ષા અનુસાર પ્રદર્શન કરી શક્યો નથી. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે સ્પષ્ટ કહ્યું કે વિશ્વકપ સુધી ધોની પ્રથમ પસંદનો વિકેટકીપર બન્યો રહેશે. ધોની એશિયા કપમાં પણ ફોર્મમાં ન હતો. તેણે ચાર ઈનિંગમાં 19.25ની એવરેજથી 77 રન બનાવ્યા હતા. આ વર્ષે તેણે અત્યાર સુધી 15 મેચોમાં જે 10 ઈનિંગ રમી છે તેમાં 28.12ની એવરેજ અને 67.36ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. 

ટોપ ઓર્ડર નક્કી
ટોપના ત્રણ બેટ્સમેનોની જગ્યા નક્કી છે તેવામાં અંબાતી રાયડૂને નંબર ચાર પર ઉતારવામાં આવી શકે છે જેની  પાસે એશિયા કપનું ફોર્મ યથાવત રાખવાની આશા છે. તેણે એશિયા કપની છ ઈનિંગમાં 175 રન બનાવ્યા હતા. મનીષ પાંડે માટે સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે કારણ કે તે ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં અસફળ રહ્યો છે. 

પંડ્યાના સ્થાને જાડેજા, સ્પિન જોડી પાસે આશા
ભારતે ઈજાગ્રસ્ત પંડ્યાની ગેરહાજરીમાં નિચલા ક્રમમાં ઓલરાઉન્ડર જાડેજાનો સમાવેશ કર્યો છે. તેણે એશિયા કપમાં એક વર્ષ બાદ વનડેમાં વાપસી કરી અને પછી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ પ્રથમ બે વનડેમાં રમશે નહીં અને શમી તથા ઉમેશ હોવાથી ભારતનું આક્રમણ મજબૂત રહેશે. કુલદીપ અને ચહલની સ્પિન જોડી મહત્વની ભૂમિકા નિભાવસે. એશિયા કપમાં બે મેચોમાં પ્રભાવશાળી પ્રદર્શન કરનાર ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહમદ પણ તકનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. 

વેસ્ટ ઈન્ડિઝની સામે પડકાર
ટેસ્ટથી વિપરીત વનડેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ વધુ પ્રતિસ્પર્ધી જોવા મળે છે. ટીમમાં ક્રિસ ગેલ અને રસેલની કમી નળશે. ઇવિન લુઈસ પણ અંગત કારણોને લીધે ટીમમાંથી હટતા ઝટકો લાગ્યો છે. એટલું જ નહીં કોચ સ્ટુઅર્ટ લો આઈસીસી આચાર સંહિતાના ઉલ્લંઘનને કારણે પ્રથમ બે વનડેમાં ડ્રેસિંગ રૂમમાં જઈ શકશે નહીં જ્યાં ખેલાડીઓને તેની જરૂર પડશે. 

વનડેમાં છે થોડો અનુભવ
વેસ્ટ ઈન્ડિઝની પાસે અનુભવી મર્લોન સૈમુઅલ્સ, કેપ્ટન અને ઓલરાઉન્ડર જેસન હોલ્ડર અને ફાસ્ટ બોલર કેમાર રોચ છએ. બારસપારા સ્ટેડિયમમાં આ બીજો આંતરરાષ્ટ્રીય મેચ હશે. ગત વર્ષે અહીં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 મેચ રમાઇ હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બસ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા જેના કારણે આ મેચ ચર્ચામાં રહ્યો હતો. 

ટીમ આ પ્રકારે છે
ભારત (અંતિમ 12 ખેલાડી): વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, રિષભ પંત, ધોની, જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને ખલીલ અહમદ. 

વેસ્ટ ઈન્ડિઝઃ જેસન હોલ્ડર (કેપ્ટન), ફૈબિયન એલેન, સુનીલ એમ્બ્રિસ, દેવેન્દ્ર બિશૂ, ચંદરપોલ હેમરાજ, શિમોન હેટમેયર, શાઈ હોપ, અલજારી જોસેફ, કીરેન પોવેલ, એશલે નર્સ, કીમો પોલ, રોમવૈન પોવેલ, કેમાર રોચ, મર્લન સૈમુઅલ્સ, ઓશૈન થોમસ અને ઓબેડ મૈકકોય. 

મેચ ભારતીય સમયાનુસાર બપોરે 1.30 કલાકે શરૂ થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news