વર્લ્ડ કપ 2019: વિજય સાથે શરૂઆત કરવા ટીમ ઈન્ડિયા તૈયાર, કાલે આફ્રિકા સામે મુકાબલો

ભારતની આ પહેલી મેચ છે પરંતુ આફ્રિકા બે મેચ રમી ચુક્યું છે. પ્રથમ મેચમાં યજમાન ઈંગ્લેન્ડ તો બીજી મેચમાં બાંગ્લાદેશે તેને પરાજય આપ્યો હતો. 

વર્લ્ડ કપ 2019: વિજય સાથે શરૂઆત કરવા ટીમ ઈન્ડિયા તૈયાર, કાલે આફ્રિકા સામે મુકાબલો

સાઉથમ્પ્ટનઃ ટાઇટલના સૌથી મજબૂત દાવેદારોમાં સામેલ થઈને ઈંગ્લેન્ડ પહોંચેલી વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ બુધવારે આઈસીસી વિશ્વકપ-2019માં પોતાની પ્રથમ મેચ ચોકર્સના નામથી જાણીતી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમશે. ભારતની ભલે આ પહેલી મેચ હોય પરંતુ આફ્રિકા બે મેચ રમી ચુક્યું છે. પ્રથમ મેચમાં તેને યજમાન ઈંગ્લેન્ડ તો બીજી મેચમાં બાંગ્લાદેશે પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાના વિશ્વકપના ઈતિહાસને જોતા તેને ચોકર્સ કહેવામાં આવે છે અને આ વિશ્વકપમાં પણ ટીમ શરૂઆતી બે મેચ હારી ચુકી છે. 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર તો સમજી શકાય પરંતુ બાંગ્લાદેશ વિરુદ્ધ પરાજય તેની ખ્યાતીની વિરુદ્ધ છે. તેની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ઈજાને કારણે ફાસ્ટ બોલર ડેલ સ્ટેન વિશ્વકપમાંથી આઉટ થઈ ગયો છે તો લુંગી એનગિડી 10 દિવસ માટે બહાર છે. 

તો ભારતની દ્રષ્ટિએ જોઈએ તો તેના માટે સારા સમાચાર છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં સ્વિંગની સામે ભારતીય બેટ્સમેનો વિખેરાઇ ગયા હતા. તેવામાં દક્ષિણ આફ્રિકાના બે મુખ્ય બોલરોનું ન હોવું ભારતીય બેટ્સમેનો માટે રાહતના સમાચાર હશે. હવે તેની સામે રબાડાનો પડકાર હશે.

ભારતીય બેટિંગની લય ટોપ-3ના પ્રદર્શન પર વધુ નિર્ભર રહે છે. આ ત્રણમાંથી એક લાંબી ઈનિંગ રમે તો ભારતનો સ્કોર સારો થાય છે. છેલ્લા બે વર્ષમાં જોવા મળ્યું છે કે, શરૂના ત્રણ બેટ્સમેન ફ્લોપ રહે છે ભારતીય ટીમની વાપસી મુશ્કેલ થઈ જાય છે. 

તેવામાં રોહિત શર્મા- શિધર ધવનની ઓપનિંગ જોડી પર સારૂ શરૂઆતનો દારોમદાર છે તો વિરાટ કોહલી પર ટીમને સંભાળવાની જવાબદારી. 

વિશ્વ કપમાં જતા પહેલા નંબર-4ને લઈને ઘણી ચર્ચાં રહી હતી. બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં લોકેશ રાહુલે ચોથા ક્રમે બેટિંગ કરતા સદી ફટકારી હતી. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે, કોહલી રાહુલને ચોથા ક્રમે તક આપશે. બાકી કેદાર જાધવ પણ આ સ્થાન માટે વિકલ્પ છે. રાહુલ જો નંબર ચાર પર આવે તો જાધવ પાંચ અને ધોની નંબર-6 પર આવી શકે છે. 

બોલિંગમાં કોહલી ક્યા બે ફાસ્ટ બોલરોની સાથે ઉતરશે તે જોવાનું રહેશે. હાલના ફોર્મને જોતા કેપ્ટન કોહલી મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ સાથે ઉતરી શકે છે. ત્રીજા બોલરના રૂપમાં ભારતની પાસે હાર્દિક પંડ્યા છે. વિસ્ફોટક બેટિંગને કારણે પંડ્યા ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. 

તો જોવાનું રહેશે કે કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ અને ચાઇનામેન કુલદીપ યાદવની જોડીને સાથે ઉતરે છે કે અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને તક આપે છે. 

દક્ષિણ આફ્રિકાની બોલિંગને લઈને ચિંતા નવી છે પરંતુ તેની જૂની ચિંતા તેની બેટિંગ છે. ટીમની બેટિંગ નબળી છે અને ડી કોક તથા કેપ્ટન ફાફ સિવાય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમવાની સ્થિતિમાં નથી. અનુભવી ડેવિડ મિલર અને ડ્યુમિની શરૂઆત સારી કરી રહ્યાં છે પરંતુ તેને અંજામ સુધી પહોંચાડી શકતા નથી. હાશિમ અમલા પણ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. 

યુવા એડિન માર્કરમ અને રાસી વાન ડેર ડુસેનમાં ઘણી પ્રતિભા છે. ડુસેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ અડધી સદી ફટકારી હતી તો માર્કરમે બાંગ્લાદેશ વિરુદ્ધ સરી ઈનિંગ રમી પરંતુ તે પાંચ રને અડધી સદી ચુકી ગયો હતો. તો બોલિંગમાં આફ્રિકા રબાડા અને તાહિર પર વધુ નિર્ભર રહેશે. 

ટીમ સંભવિત
ભારતઃ વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, શિખર ધવન, એમએસ ધોની, જાડેજા, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, મોહમ્મદ નબી, વિજય શંકર, રોહિત શર્મા, કુલદીપ યાદવ. 

દક્ષિણ આફ્રિકાઃ ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ મિલર, એડન માર્કરમ, હાશિમ અમલા, રાસી વેન ડેર ડુસેન, ડી કોક, કગિસો રબાડા, લુંગી એનગિડી, ઇમરાન તાહિર, તબરેજ શમ્સી, જેપી ડ્યુમિની, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વયાન પ્રીટોરિયસ, ક્રિસ મોરિસ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news