Tata Sons IPO: હવે ટાટા ગ્રુપ લાવશે એવો આઈપીઓ કે તૂટી જશે બજારના તમામ રેકોર્ડ, જાણો વિગત

India's Biggest IPO: ટાટા સમૂહ ભારતનું સૌથી જૂનુ અને વિશાળ કારોબારી ગ્રુપ છે. સમૂહની પાસે એક બાદ એક અનેક શાનદાર સિદ્ધિઓ છે અને હવે તેના નામે નવો રેકોર્ડ થવાનો છે. 

Tata Sons IPO: હવે ટાટા ગ્રુપ લાવશે એવો આઈપીઓ કે તૂટી જશે બજારના તમામ રેકોર્ડ, જાણો વિગત

નવી દિલ્હીઃ ટાટા ભારતની એક એવી બ્રાન્ડ છે, જે દાયકાઓથી દરેક માટે જાણીતી છે. ટાટા ગ્રુપનું કારોબારી સામ્રાજ્ય એ રીતે ફેલાયેલું છે કે ભાગ્યે જ કોઈ એવું મળે જેણે જીવનમાં કોઈને કોઈ રીતે ટાટાની પ્રોડક્ટનો ઉપયોગ ન કર્યો હોય. દરરોજ ખાવામાં ઉપયોગમાં લેવાતા મીઠાંથી લઈને મોટા કામ કરતા સોફ્ટવેર સુધી, ટાટાના ખજાનામાં બધુ છે. 100 વર્ષથી પણ વધુના ઈતિહાસમાં ટાટાએ અનેક સિદ્ધિઓ હાસિલ કરી છે અને હવે શેર બજારમાં એક એવો રેકોર્ડ બનાવશે, જે અત્યાર સુધી ક્યારેય થયું નથી.  

IPO 19 વર્ષ પહેલા આવ્યો હતો
અમે IPO વિશે વાત કરી રહ્યા છીએ. ટાટાના ઘણા શેર પહેલાથી જ શેરબજારમાં લિસ્ટેડ છે. ટાટા ગ્રૂપનો છેલ્લો IPO લગભગ બે દાયકા પહેલા આવ્યો હતો, જ્યારે ગ્રૂપની IT કંપની TCSએ માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. તે પછી હવે ટાટા ગ્રુપનમાંથી નવા IPO આવવા જઈ રહ્યો છે. હાલમાં ટાટા ટેક્નોલોજીસના નામ પર મહિનાઓથી ટાટાના આઈપીઓની ચર્ચા થઈ રહી છે. દરમિયાન તાજેતરના નિયમનકારી ફેરફારે ટાટા ગ્રુપના બીજા IPO માટે માર્ગ મોકળો કર્યો છે.

રિઝર્વ બેન્કને કારણે પડી જરૂર
હવે ટાટા ગ્રુપ જે નવો આઈપીઓ લાવી શકે છે, તે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સનો હોઈ શકે છે. રિઝર્વ બેન્કે રેગુલેશન્સમાં ફેરફાર કર્યાં છે. ફેરફાર હેઠળ રિઝર્વ બેન્કે ટાટા સન્સને અપર-લેયર એનબીએફસી કેટેગરીમાં સામેલ કર્યું છે. ટાટા સન્સ આ કેટેગરાઇઝેશનથી બચવાના વિકલ્પો પર નજર કરી રહી છે. આ મામલામાં જે સૌથી સરળ વિકલ્પ છે, તે છે બજારમાં લિસ્ટ થવાનો. જો ટાટા સન્સ બજારમાં લિસ્ટ થવાનો વિકલ્પ પસંદ કરે તો તે માટે આઈપીઓ લાવવાની જરૂર પડશે. 

આટલી મોટી હોઈ શકે છે સાઇઝ
વર્તમાન નિયમો અનુસાર ટાટા સન્સની પાસે બજારમાં લિસ્ટ થવા માટે 2 વર્ષનો સમય છે. એટલે કે ટાટા સન્સે સપ્ટેમ્બર 2025 પહેલા આઈપીઓ લાવવો પડશે. વર્તમાનમાં ટાટા સન્સની વેલ્યૂ આશરે 11 લાખ કરોડ આંકવામાં આવી છે. જો આઈપીઓ આવે છે તો ટાટા ટ્રસ્ટ સહિત ટાટા સન્સના વિવિધ શેરહોલ્ડર્સની ભાગીદારી 5 ટકા સુધી ઘટાડવી પડશે. ટાટા સન્સમાં અત્યારે સૌથી વધુ 66 ટકા ભાગીદારી ટાટા ટ્રસ્ટની પાસે છે. આ પ્રમાણે ગણતરી કરો તો 5 ટકા હોલ્ડિંગવાળા આઈપીઓની વેલ્યૂ આશરે 55 હજાર કરોડ રૂપિયા થઈ જાય છે. 

એલઆઈસીના નામે છે રેકોર્ડ
અત્યાર સુધી ભારતીય બજારમાં આટલી મોટી સાઇઝનો આઈપીઓ આવ્યો નથી. ભારતીય બજારના ઈતિહાસમાં સૌથી મોટા આઈપીઓનો રેકોર્ડ હાલ સરકારી વીમા કંપની એલઆઈસી પાસે છે. એલઆઈસીએ પાછલા વર્ષે 21 હજાર કરોડ રૂપિયાનો આઈપીઓ લોન્ચ કર્યો હતો, જે ભારતીય ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ હતો. તેની પહેલા આ રેકોર્ડ પેટીએમના નામે હતો. 

ભારતીય બજારના 5 સૌથી મોટા આઈપીઓ
એલઆઈસીઃ 2022: 21 હજાર કરોડ રૂપિયા
પેટીએમ (One97 Communications):2021: 18,300 કરોડ રૂપિયા
કોલ ઈન્ડિયાઃ 2010: 15,200 કરોડ રૂપિયા
રિલાયન્સ પાવરઃ 2008: 11,700 કરોડ રૂપિયા
જીઆઈસીઃ 2017: 11,257 કરોડ રૂપિયા

તે પહેલા ટાટા ગ્રૂપ ટાટા ટેક્નોલોજીસનો IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ડ્રાફ્ટ સેબીને સબમિટ કરવામાં આવ્યો છે અને DRHPને માર્કેટ રેગ્યુલેટર પાસેથી મંજૂરી પણ મળી ગઈ છે. આ IPO સંપૂર્ણપણે OFS એટલે કે ઓફર ફોર સેલ હશે, જેનો અર્થ છે કે ઇશ્યુમાં હાજર શેરધારકો તેમના હોલ્ડિંગને વેચવાની ઓફર કરશે. આ IPOની તારીખ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ આશા છે કે આ IPO આગામી દોઢ મહિનામાં લોન્ચ કરવામાં આવશે.

ટાટા ગ્રુપના 17 શેર
ટાટા ગ્રુપ ભારતીય શેર બજારમાં મજબૂત હાજરી ધરાવે છે. દેશની બીજી સૌથી મોટી લિસ્ટિડ કંપની ટીસીએસ સિવાય ટાટાની ઘણી કંપનીઓ બજારમાં લિસ્ટેડ છે. તેમાં ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ જેવી કંપનીઓ પણ છે, તો ટાઇટન અને ટાટા એલેક્સી જેવા જાણીતા મલ્ટીબેગર શેર પણ છે. ટાટા ગ્રુપની સત્તાવાર વેબસાઇટ અનુસાર વર્તમાનમાં સમૂહના 17 શેર બજારમાં ટ્રેડ થઈ રહ્યાં છે. 

ટાટા ગ્રુપના વર્તમાન લિસ્ટેડ કંપનીઓ
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ
ટાટા સ્ટીલ લિમિટેડ
ટાટા મોટર્સ લિમિટેડ
ટાઇટન (ટાઇટન કંપની લિમિટેડ)
ટાટા કેમિકલ્સ લિમિટેડ
ટાટા પાવર (ધ ટાટા પાવર કંપની લિમિટેડ)
ધ ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ
ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ
ટાટા કોમ્યુનિકેશન્સ (ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડ)
વોલ્ટાસ લિમિટેડ
ટ્રેન્ટ (ટ્રેન્ટ લિમિટેડ)
ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ લિમિટેડ
ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ
ટાટા મેટલિક્સ લિમિટેડ
ટાટા એલ્ક્સસી લિમિટેડ
નેલ્કો લિમિટેડ
ટાટા કોફી લિમિટેડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news