આવું ને આવું જો સુરતમાં ચાલશે તો ડાયમંડ અને સિલ્ક સીટી નામ ભૂંસાઈ જશે! ફરી આ ભૂત ધૂણ્યું

સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં 150થી પણ વધુ ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે. આ માર્કેટની અંદર ભૂતકાળમાં અનેક લેભાગુ ટોળકીઓ સક્રિય થઈ હતી. જે ટોળકીઓ દ્વારા અનેક વેપારીઓને વિશ્વાસ અને ભરોસામાં દીધા બાદ કરોડોનો માલ લઈ છેતરપિંડી આચરવામાં આવતી હતી.

આવું ને આવું જો સુરતમાં ચાલશે તો ડાયમંડ અને સિલ્ક સીટી નામ ભૂંસાઈ જશે! ફરી આ ભૂત ધૂણ્યું

ઝી બ્યુરો/સુરત: સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ઉઠમણાનું ભૂત ફરી ધૂણીયું છે. જ્યાં રીંગ રોડ ખાતે આવેલી ટેક્સટાઇલ માર્કેટના ત્રણ જેટલા ઠગબાજોએ અલગ અલગ વેપારીઓ પાસેથી કરોડોનો કાપડનો માલ ઉધાર પેટે ખરીદી ઉઠમણું કરી જતા વેપારીઓને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. 

ચીટર ટોળકી સામે કાર્યવાહીની માંગ
સ્થાનિક પોલીસ અને પોલીસ કમિશનરમાં લેખિતમાં આ મામલે ફરિયાદ કરી હોવા છતાં ટોળકીની હજી સુધી ધરપકડ થઈ નથી. જે સંદર્ભે આજ રોજ ભોગ બનેલા વેપારીઓએ ફેડરેશન ઓફ ગુજરાત એસોસિયેશન ની આગેવાની હેઠળ સુરત ઇન્ચાર્જ પોલીસ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ચીટર ટોળકી સામે કાર્યવાહીની માંગ કરી છે.

અનેક વેપારીઓને વિશ્વાસમાં લઈ કરોડોની છેતરપિંડી
સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં 150થી પણ વધુ ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે. આ માર્કેટની અંદર ભૂતકાળમાં અનેક લેભાગુ ટોળકીઓ સક્રિય થઈ હતી. જે ટોળકીઓ દ્વારા અનેક વેપારીઓને વિશ્વાસ અને ભરોસામાં દીધા બાદ કરોડોનો માલ લઈ છેતરપિંડી આચરવામાં આવતી હતી. પરંતુ આ ચીટર ટોળકી સામે કડક કાર્યવાહીના આદેશ જે તે સમયે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા શહેર પોલીસને આપવામાં આવ્યા હતા. જે બાદ સુરત શહેર પોલીસ દ્વારા આવી ટોળકીઓ સામેં કડક હાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 

જ્યાં શહેર પોલીસ ચોપડે નોંધાયેલા છેતરપિંડીના કિસ્સાઓમાં રાજ્ય બહાર પણ જઈ ભાગી છૂટેલી ચીટર ટોળકીઓને પોલીસ દ્વારા ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવી હતી. હમણાં સુધી તો ટેક્સટાઇલ માર્કેટમાં આ પ્રકારના બનાવો થોડા સમય માટે થંભી ગયા હતા. પરંતુ જાણે ફરી એક વખત આ પ્રકારની ચીટર ટોળકીઓ સક્રિય થઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે.

વેપારીઓએ સુરત પોલીસ કમિશનરના દ્વાર ખખડાવ્યા
વાત કંઈક એમ છે કે સુરતના રીંગરોડ ખાતે આવેલી રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટની મહિલા સહિત ત્રણ વેપારીઓની ટોળકીઓ દ્વારા અલગ અલગ વેપારીઓ પાસેથી કરોડોની કિંમતનો કાપડનો માલ ઉધાર પેટે લઈ ઉઠામણું કરી ગઈ છે. જે આક્ષેપ સાથે છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ ન્યાયની માંગ સાથે સુરત પોલીસ કમિશનરના દ્વાર ખખડાવ્યા છે. આજરોજ ફેડરેશન ઓફ ગુજરાત એસોસિયેશનના નેજા હેઠળ ભોગ બનેલા વેપારીઓએ સુરત ઇન્ચાર્જ પોલીસ કમિશનરની રૂબરૂ મુલાકાત કરી હતી. જે મુલાકાત દરમિયાન લેખિતમાં આવેદનપત્ર પાઠવી ચીટર ટોળકી વિરુદ્ધ રજૂઆત કરી હતી. જે બાબતે ઇન્ચાર્જ પોલીસ કમિશનરે પણ આવી ચીટર ટોળકી વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહીની ખાતરી વેપારીઓને આપી હતી.

લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત
આ મામલે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોશિયનના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, 15 થી 17 કરોડ રૂપિયાનો કાપડનો માલ અલગ અલગ વેપારીઓ પાસેથી લઈ ઠગબાજો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સ્થાનિક પોલીસ સ્ટેશન અને પોલીસ કમીશ્નર કચેરીમાં વેપારીઓએ લેખિતમાં અરજી કરી હોવા છતાં હજી ઠગ ટોળકી ફરાર છે. આરોપીઓની ધરપકડ અને માલના રૂપિયાની રિકવરી કરવાની માંગ સાથે "ફોગવા"(ફ્રેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિયેશન) દ્વારા ઇન્ચાર્જ પોલીસ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુવાત કરી છે.

સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા દ્વારા ઉઠમણું કરાયું
રઘુકુળ માર્કેટના સ્નેહા ક્રિએશન ના નામે મોટું ઉઠમણું કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષથી વેપાર કરી ઉઠમણું કરવામાં આવ્યું છે. ઉઠમણામાં મોટા માથાઓનો સમાવેશ થાય છે. સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા દ્વારા ઉઠમણું કરાયું છે.ઉથમણામાં નામચીન લોકો પણ સામેલ છે.પોલીસે આવા લોકો વિરુદ્ધ કડક હાથે કામ લઈ કાર્યવાહી કરવી જોઈએ. આવુંને આવું જો સુરતમાં જ ચાલશે તો ડાયમંડ અને સિલ્ક સીટી નામ ભૂંસાઈ જશે. ઇકો સેલને તપાસ સોંપવા અંગેની ખાતરી ઇન્ચાર્જ પોલીસ કમિશનરે આપી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news