જયંતી ભાનુશાળી હત્યાઃ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી મુખ્ય કાવતરાખોર

માત્ર 24 દિવસમાં સીઆઈડી ક્રાઈમે ઉકેલી નાખ્યો, પોલીસે બે હત્યારાની ધરપકડ કરી છે, જોકે છબીલ પટેલ વિદેશ ભાગી છુટ્યા છે અને મનીષા ગોસ્વામી પણ હજુ પોલિસની પકડથી દૂર છે

જયંતી ભાનુશાળી હત્યાઃ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી મુખ્ય કાવતરાખોર

અમદાવાદઃ થોડા દિવસ અગાઉ જયંતી ભાનુશાળીની સયાજી એક્સપ્રેસમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ભાનુશાળીની હત્યા બાદ પરિજનોએ ભાજપના જ વરિષ્ઠ નેતા છબીલ પટેલ અને એક મહિલા મનીષા ગોસ્વામી સામે આરોપ લગાવ્યા હતા અને ફરિયાદ પણ નોંધાવી હતી. એડીજીપી અજય તોમરે ભાનુશાળીની હત્યા અંગે પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યોહતો. 

પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીનું નામ બહાર આવ્યું છે. મનીષા ગોસ્વામી વિરુદ્ધ નરોડા પોલિસ સ્ટેશનમાં સુનીલ ભાનુશાળીને ભત્રીજાએ ફરિયાદ નોંધાવી હતી. મનીષા ગોસ્વામીના ભત્રીજાની ફરિયાદના આધારે મનીષા ગોસ્વામીને થોડા દિવસ પોલીસ કસ્ટડીમાં પણ રાખવામાં આવી હતી. 

જયંતી ભાનુશાળીને કચ્છમાં છબીલ પટેલસાથે પણ રાજકીય મનદુખ હતું. જયંતી ભાનુશાળીની હત્યા માટે બહારથી હત્યારા બોલાવવામાં આવ્યા હતા. હત્યાર આવ્યા ત્યારે મનીષા ગોસ્વામી તેમની વ્યવસ્થા કરવા માટે કચ્છમાં જ રોકાઈ હતી, જ્યારે છબીલ પટેલ ભારત છોડીને વિદેશ ભાગી ગયા હતા. 

પોલિસે જણાવ્યું કે, જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ ભેગા મળીને રચ્યું હતું. આ બંને ભાનુશાળીની હત્યાના મુખ્ય આરોપી છે, પરંતુ અત્યારે બંને પોલીસની પકડથી દૂર છે. છબીલ પટેલને વિદેશથી પકડી લાવવા માટે પોલિસ ઈન્ટરપોલની મદદ પણ લઈ શકે છે. 

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ નીતિન પટેલ અને રાહુલ પટેલ નામના બે આરોપીની ધરપકડ કરાઈ છે. આ બંને આરોપીએ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં હત્યારા એવા શશિકાંત અને શેખ અશરફની રહેવાની વ્યવસ્થા કરી હતી. સાથે જ તેમણે ભાનુશાળીની હત્યા કરવા માટે આ બંને આરોપીએ હત્યારાઓને સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતીથી વાકેફ કર્યા હતા.

છબીલ પટેલની હત્યા કરનારા બે વ્યક્તિ
1. શશિકાંત ઉર્ફે ભીટીયા દાદા કામલે, જય જવાહરનગર, યેરવડા (યેરવડા પોલિસ સ્ટેશનમાં 15 ગુના નોંધાયેલા છે)
2. શેખ અશરફ અનવર, યેરવડા (યેરવડા પોલિસ સ્ટેશનમાં ગંભીર ગુના નોંધાયેલા છે)  

ભાનુશાળીની હત્યા અંગે પોલિસે જણાવ્યું કે, અમારા દ્વારા કરાયેલી તપાસમાં આ બંને હત્યારા ભચાઉથી ટ્રેનમાં બેઢા હતા. ટ્રેનના કર્મચારીએ તેમની શંકાસ્પદ હિલચાલ વિશે પુછતાં હત્યારાઓએ જણાવ્યું કે અમારી પાસે ટ્રેનની કન્ફર્મ ટિકિટ છે. ત્યાર બાદ આ બંનેએ ભાનુશાળી જે કોચમાં બેઠા હતા તેનો દરવાજો ખટખટાવ્યો હતો. ભાનુશાળીએ જેવો દરવાજો ખોલ્યો, બંને હત્યારા બળજબરીપૂર્વક કોચમાં ઘુસી ગયા હતા. ભાનુશાળી અને હત્યારા વચ્ચે થોડી મારામારી થઈ હતી અને ત્યાર બાદ હત્યારાઓએ ભાનુશાળીને ગોળીથી ઠાર માર્યા હતા. 

પોલિસે જણાવ્યું કે, હત્યારા ભાનુશાળીની હત્યા કર્યા બાદ સામખિયાળી સ્ટેશને ઉતરી ગયા હતા. અહીંથી તેઓ ચાલતા-ચાલતા બહાર નિકળ્યા હતા અને પછી સડકમાર્ગે રાધનપુર થઈને પોતાના સાગરિતોની મદદથી મહારાષ્ટ્ર ભાગી છુટ્યા હતા. આ બંને હત્યારાના ફૂટેજ સામખિયાળી ટોલનાકાના સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળ્યા હતા, જેના પુરાવા પોલિસે એક્ઠા કરી લીધા છે. 

ઉલ્લેખનીય છે કે, જયંતી ભાનુશાળી અને મનીષા ગોસ્વામી વચ્ચે અંતરંગ સંબંધો હતા. આ બંનેએ ભેગામળીને અનેક નેતાઓને સેક્સકાંડમાં ફસાવ્યા હતા. તેમની સેક્સ સીડી બનાવીને બ્લેકમેલ કર્યા હતા. આ સેક્સકાંડ બહુ ગાજ્યું હતું. ત્યાર બાદ ભાનુશાળી અને મનીષા ગોસ્વામી વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે અણબનાવ બન્યો હતો. જેના સંદર્ભે મનીષા સામે ભાનુશાળીના ભત્રીજાએ નરોડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ મનીષાને થોડો સમય પોલિસ કસ્ટડીમાં પણ વિતાવવો પડ્યો હતો. આ કારણે મનીષા ભાનુશાળીથી નારાજ થઈ ગઈ હતી. 

બીજી તરફ છબીલ પટેલને પણ જયંતી ભાનુશાળી સાથે રાજકીય વેર-ઝેર હતું. તેઓ કચ્છના રાજકારણમાં પ્રભુત્વ મેળવવા માગતા હતા. ભાનુશાળીની હત્યા પહેલા છબીલ પટેલનો એક વીડિયો પણ બહાર આવ્યો હતો, જેમાં તેઓ બે આંગળીના ઈશારા દ્વારા દુશ્મનોને ઠેકાણે પાડી દેવાની વાત જણાવતા હતા. આ વીડિયો બહાર આવ્યા બાદ પણ રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચાએ જોર પકડ્યું હતું. 

આમ, દુશ્મનોના દુશ્મન દોસ્ત એ રીતી મુજબ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી ભેગા થયા હતા અને બંનેએ ભેગા મળીને જયંતી ભાનુશાળીની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. 

મનીષા ગોસ્વામી અને તેનો પતિ હાલ ભૂગર્ભમાં છે. મીડિયાએ જ્યારે સવાલ કર્યો ત્યારે પોલિસે જણાવ્યું કે, મનીષા ગોસ્વામી હાલ પોલિસની પહોંચથી દૂર છે. પોલિસ કાવતરાખોરોની અત્યંત નજીક પહોંચી ગઈ છે અને હત્યારાઓને પણ ટૂંક સમયમાં જ દબોચી લેવાશે એવી ખાતરી આપી હતી. હવે, એ જોવાનું રહે છે કે, દેશ છોડીને ભાગી છુટેલા છબીલ પટેલને પોલિસ કેવી રીતે દેશમાં પકડીને લાવે છે અને ભૂગર્ભમાં રહેલી મનીષા ગોસ્વામીને ક્યાંથી શોધી કાઢે છે. 

ક્યાં રચાયું કાવતરું 
જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું પુણેમાં રચવામાં આવ્યું હતું. છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ પુણેમાં હત્યારાઓ સાથે મીટિંગ કરી હતી અને ભાનુશાળીની હત્યા માટે શાર્પ શૂટર શશિકાંત અને અનવર શેખને સોપારી આપવામાં આવી હતી. પ્લાન મુજબ હત્યારાઓને છબીલ પટેલના ભૂજ ખાતે આવેલા નારાયણી ફાર્મમાં રોકાવા માટે બોલાવાયા હતા. 

કેવી રીતે આપ્યો અંજામ 
સોપારી આપ્યા બાદ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી ગુજરાત પાછા ફર્યા હતા. ભાનુશાળીની હત્યાના થોડા દિવસ પહેલા છબીલ પટેલ મસ્કત ભાગી છુટ્યા હતા. મનીષા ગોસ્વામી કચ્છમાં રોકાઈ હતી. હત્યારા છબીલ પટેલના નારાયણી ફાર્મમાં આવ્યા હતા. અહીં આ હત્યારાઓની મદદ માટે છબીલ પટેલ દ્વારા નીતિન પટેલ અને રાહુલ પટેલ નામના બે વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવી હતી. હત્યારા આવી પહોંચ્યા બાદ આ બંને શખ્સોએ તેમના રહેવાની વ્યવસ્થા કરી આપી હતી અને સાથે જ જયંતી ભાનુશાળીની હત્યાની રેકી કરવામાં પણ મદદ કરી હતી. 

ભાનુશાળીની હત્યા 
હત્યારાઓને રેકી કરવામાં મનીષા ગોસ્વામી પણ મદદ કરતી હતી. તે જયંતી ભાનુશાળીની દરેક ગતિવિધી પર નજર રાખતી હતી અને રજેરજ વિગતો હત્યારાઓને આપી રહી હતી. આખરે જ્યારે તેમને ખબર પડી કે જયંતી ભાનુશાળી સાયાજી એક્સપ્રેસમાં અમદાવાદ જવા નિકળી રહ્યા છે ત્યારે ટ્રેનમાં જ તેમની હત્યા કરી દેવાનો આખરી પ્લાન ઘડાયો હતો. જે અનુસાર બંને હત્યારાની ટિકિટ પણ ખરીદવામાં આવી હતી. હત્યારાઓ ટિકિટ સાથે જ ગાંધીધામથી ટ્રેનમાં બેઠા હતા. ત્યાર બાદ તેમણે ગાંધીધામથી સામખિયાળી વચ્ચે ભાનુશાળીના કોચમાં ઘુસીને તેમની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ સામખિયાળીથી થોડા પહેલા ટ્રેનની ચેઈન ખેંચી હતી. ટ્રેઈન ધીમી પડતાં તેઓ તેમાંથી કૂદીને ભાગી છુટ્યા હતા. તેમના સાગરિતો તેમની સાથે જ હતા. તેઓ સાગરિતોની મદદથી રાધનપુર હાઈવે થઈને મહારાષ્ટ્રમાં પહોંચી ગયા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news