50 વર્ષમાં ના જોઈ હોય એવી મંદીના ભરડામાં આવ્યો ગુજરાતનો આ ઉદ્યોગ! કારીગરોની હાલત કફોડી

ભાવનગરમાં 1250 થી વધુ નાના મોટા પ્લાસ્ટિકના કારખાના આવેલા છે, પરંતુ મંદીના કારણે મોટાભાગના કારખાનેદારોએ 50 ટકા જેટલું ઉત્પાદન ઘટાડી નાખ્યું છે. અમુક કારખાનેદારોએ તો સપ્તાહમાં 3 દિવસ કામકાજ બંધ રાખવાનું શરૂ કરતાં તેના પર નભતા મજૂરોની માઠી દશા શરૂ થઈ છે. 

50 વર્ષમાં ના જોઈ હોય એવી મંદીના ભરડામાં આવ્યો ગુજરાતનો આ ઉદ્યોગ! કારીગરોની હાલત કફોડી

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર જિલ્લાના મોટા ઉદ્યોગો પૈકીનો ત્રીજા નંબર નો પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીના માહોલ માથી પસાર થઈ રહ્યો છે, 25 હજારથી વધુ લોકોને રોજગારી આપતા ઉદ્યોગને ટકાવી રાખવા માટે ચાઇના અને કોરિયાથી આવતા માલ પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવે તો આ ઉદ્યોગને બળ મળી શકે એમ છે. ભાવનગરમાં 1250 થી વધુ નાના મોટા પ્લાસ્ટિકના કારખાના આવેલા છે, પરંતુ મંદીના કારણે મોટાભાગના કારખાનેદારોએ 50 ટકા જેટલું ઉત્પાદન ઘટાડી નાખ્યું છે. અમુક કારખાનેદારોએ તો સપ્તાહમાં 3 દિવસ કામકાજ બંધ રાખવાનું શરૂ કરતાં તેના પર નભતા મજૂરોની માઠી દશા શરૂ થઈ છે. 

ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે અલંગ, હીરા અને પ્લાસ્ટિક એમ ત્રણ મોટા ઉદ્યોગો આવેલાં છે, જિલ્લામાં 1250 થી વધુ નાના મોટા પ્લાસ્ટિકના કારખાના આવેલા છે, તેમજ પ્લાસ્ટિક ઉદ્યોગને લગતી મશીનરી બનાવવા માટેના 15 જેટલા યુનિટો આવેલા છે, જે મશીનરીની વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે છે, આ પ્લાસ્ટિક ઉદ્યોગમાં મુખ્યત્વે મોનો ફિલાયાર્ન, દોરી, દોરડા, ટ્વાન, ફિશીંગ નેટ, પાટી અને કાપડ સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે, જેના કારણે આ ઉદ્યોગ પર જિલ્લામાં 25000 કરતા વધારે પરિવારનું ગુજરાન ચાલે છે, પરંતુ હાલ ઉત્પાદન સામે ડિમાન્ડ ઘટવાના કારણે ત્રણ મુખ્ય ઉદ્યોગો પૈકીનો એક એવો પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીના માહોલ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે, કોરિયા, ચાઇના માથી આવતા સસ્તા માલ સામે અહી કાચા માલની કિંમતો પણ વધારે હોય આ ઉદ્યોગને ટકવું મુશ્કેલ બન્યું છે. 

1968 માં ભાવનગર ખાતે પ્લાસ્ટિક ઉદ્યોગની શરૂઆત થઈ હતી, પહેલા હાથશાળથી વસ્તુઓ બનાવવામાં આવતી હતી, ત્યાર બાદ મશીનો આવ્યા, મશીનો પણ ભાવનગરમાં જ બન્યા જેની વિદેશો માં નિકાસ કરવામાં આવે છે, મશીનો આવતા પ્લાસ્ટિક બનાવવાના કામમાં પણ ઝડપ આવી, પ્લાસ્ટીક માથી વસ્તુઓ બનાવવા માટેના કારીગરો પણ ભાવનગર માજ તૈયાર થયા હતા, છેલ્લા 50 વર્ષથી ધમધમતા આ પ્લાસ્ટિક ઉદ્યોગને હવે ટકી રહેવા માટે ખૂબ ઝઝૂમવું પડે એવી સ્થિત સર્જાઈ છે, અન્ય જિલ્લામાં પણ પ્લાસ્ટિક ઉદ્યોગ શરૂ થયો છે, જ્યારે ચાઇના અને કોરિયા જેવા દેશો માથી સસ્તો માલ આવે છે, જેની સામે અહીં કાચોમાલ પણ મોંઘો પડે છે. 

બીજીબાજુ ઉત્પાદન સામે ડિમાન્ડ પણ ઘટી રહી છે, હાલ પ્લાસ્ટિકના દોરડા, પ્લાસ્ટિકના કાપડ સહિત વિદેશો માથી આયાત વધી છે, તેમજ પાટી અને ફિશીંગ નેટના નિકાસમાં ઓટ આવી છે, વિદેશી માલ મોંઘો થશે તોજ સ્વદેશી માલ વેચાતા ઉદ્યોગ અને રોજગારી ટકી રહેશે. હાલ 25 હજારથી વધુ લોકોને રોજગારી આપતા પ્લાસ્ટિક ઉદ્યોગમાં મંદી ના કારણે અનેક કારખાના બંધ થઈ ગયા છે. ઉત્પાદનમાં પણ 25 થી 50 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. 

તેમજ ઉત્પાદકોએ સપ્તાહમાં 2 થી 3 દિવસ રજા રાખવાની શરૂઆત કરી દીધી છે, ઉત્પાદન ઓછું કરવાના કારણે કારીગર ની માંગ પણ ઘટી છે, જેની સૌથી વધુ અસર કારીગરો પર થઈ છે, પ્લાસ્ટિકના કારખાનામાં વર્ષોથી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા કારીગરોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે, જેના કારણે વર્ષોથી એક જ પ્રકારનું કામ કરવા ટેવાયેલા કારીગરો હવે અન્યત્ર જગ્યાઓ પર કામ મેળવવા દોડાદોડી કરી રહ્યા છે. 

પ્લાસ્ટિક ઉદ્યોગને ટકાવી રાખવા કારખાનેદારો પણ અસ્તિત્વનો જંગ લડતા જોવા મળી રહ્યા છે, મંદીના કારણે ઉત્પાદનમાં ઘટાડો થતાં કારખાનામાં કારીગરો નો પણ ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ વર્ષથી સાથે કામ કરતા કારીગરોના પરિવારનું ગુજરાન ચાલે અને રોજગારી મળી રહે એ માટે નહિ નફો, નહિ નુકશાન ના ધોરણે ઓછા ઉત્પાદન સાથે પણ કારખાના ચાલુ રાખી રહ્યા હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news