ટ્રેનનું એક બિસ્કીટ તમને પડી શકે છે લાખોમાં, વાંચશો તો ચોંકી ઉઠશો
Trending Photos
અમદાવાદ : બસ કે ટ્રેનમાં લાંબી મુસાફરીની સાથે સારા અને ખરાબ અનુભવો તો જોડાયેલા જ રહે છે. અત્યારના સમયમાં સાયબર ફ્રોડ જ નહીં પણ મુસાફરોના કિંમતી માલસામાનની ટેકનીક પણ ભેજાબાજોએ ચાલુ જ રાખી છે. આવી જ ટેકનીક અપનાવતા એક ભેજાબાજનો ખેલ ખુલ્લો પડી ગયો છે. લાંબા અંતરની ટ્રેનમાં લોકોને છેતરી આ ભેજાબાજ કરી ગયો છે લાખોનો ખેલ પણ તેની એક સરખી મોડસ ઓપરેન્ડી પડી ગઈ છે તેને ભારે.
ટ્રેનમાં કે બસમાં લાંબી મુસાફરી કરવી આમ તો જોખમી બિલકુલ નથી પણ જો તમે થોડી પણ સતર્કતા છોડી તો દુર્ઘટના ઘટી ગઈ એમ માનજો. વડોદરા રેલવે સ્ટેશને લાંબા અંતરની આંતરરાજ્ય ટ્રેન અને ટ્રાવેલ્સની બસમાં મુસાફરોના કિંમતી સામાનની ચોરી થવાની ઘટના અવારનવાર પ્રકાશમાં આવી છે. ભેજાબાજોએ સમય જતા મોડસ ઓપરેન્ડી પણ બદલી છે. પહેલાના સમયમાં જે રીતે કેફી પદાર્થ નાખી ખાદ્ય પદાર્થ ખવડાવી લૂંટારા લૂંટી જતા હતા તેવી જ રીતે હવે તો કોલ્ડડ્રીંકમાં કેફી પદાર્થ નાખી પીવડાવી દેનારા આરોપી વિશે બાતમી મળી હતી બસ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા કમર કસી લીધી.
રાજસ્થાનના પાલીની એક હોટલમાંથી પોલીસે એક ભેજાબાજને ઝડપી લીધો અને આ સાથે જ ટ્રેનમાં થઈ ચોરીનો ભેદ પણ ઉકેલાઈ ગયો. પકડાયેલો આરોપી ખોટા નામ સાથે રાજસ્થાનથી આવતી જતી ટ્રેન અને બસમાં મૂસાફરી કરતો હતો. મુસાફરો સાથે વાતચીત કરી મિત્રતા કેળવતો અને બાદમાં પોતાના ઘરે દીકરીનો જન્મ થયો હોવાનું જણાવી કોલ્ડડ્રીંકની ઓફર કરી ઘેનની દવાવાળી કોલ્ડડ્રીંક પીવડાતો હતો. લોકો પણ તેની વાતમાં આવી આ કોલ્ડડ્રીંક પી લેતા અને જ્યારે ભાનમાં આવતા ત્યારે ના સામાન હોતો અને ના આ મુસાફર...આ એક સરખી મોડસ ઓપરેન્ડીના કારણે પોલીસને તેને ઝડપી 11 જેટલા ગુનાનો ભેદ પણ ઉકેલી ચોરીનો અનેક મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રેલવે તંત્ર દ્વારા ફેલાવાય છે જનજાગૃતિ
આ તો થઈ વડોદરાના એક કિસ્સાની વાત પણ અવારનવાર બનતા આવા કિસ્સા અટકાવવા રેલવે તંત્ર દ્વારા જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામા આવે છે. ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરોને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પાસેથી ખાદ્ય પદાર્થને ન લેવાની અપીલ પણ કરવામાં આવે છે. કારણ કે ટ્રેનમાં આવા જ ભેજાબાજ મુસાફરોના ભોળપણનો લાભ લઈને તેમને દગો આપવામાં પાછી પાની કરતા નથી. ભારતીય રેલવે વિભાગના આવા અનેક સ્લોગનો પણ સોશિયલ સાઈટ કે રેલવેની સાઈટ પર તમને જોવા મળી જશે જે તમને સતર્ક કરતા રહેશે. તેથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર લગાવાયેલા તમામ ચેતવણીના બોર્ડ અચૂક વાચવાની આદત પાડવી પણ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે