ટાઉન પ્લાનીંગ ઇતિહાસમાં પ્રથમવાર ઐતિહાસીક રીતે ઝીરો પેન્ડન્સીનું લક્ષ્યાંક પૂર્ણ
Trending Photos
* મહેસાણાના નગરજનોને દિપાવલી ભેટનું નવું નજરાણું
* ટી.પી સ્કીમ ત્વરાએ પૂરી કરવાના પ્રગતિશીલ ભાવથી વધુ એક નિર્ણય
* ચીફ ટાઉન પ્લાનર અને કોર્પોરેશન સત્તામંડળ હવે બે ને બદલે એક જ પરામર્શ કરશે
* સમગ્ર નગરપાલિકા વિસ્તારમાંથી ખેતી ઝોન રદ કરી રહેણાંક ઝોન સૂચવતા મુખ્યમંત્રી
* મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સુઆયોજિત શહેરી વિકાસ ક્ષેત્રે ત્વરિત નિર્ણાયકતા
* ઉત્તર ગુજરાતના આર્થિક-વ્યાપારિક ગતિવિધિના મહત્વપૂર્ણ શહેર મહેસાણાનો
* ડેવલપમેન્ટ પ્લાન એક જ દિવસમાં મંજૂર કરતા વિજયભાઇ રૂપાણી
* ૩ર.૧૦ ચો.કિ.મી. વિસ્તારનો નગરપાલિકા વિસ્તારમાં અદ્વિતીય પુનરાવર્તિત વિકાસ નકશો
* રાજ્યની સવાસો ઉપરાંત ઓથોરિટી પૈકી એક પણ ઓથોરિટીના વિકાસ નકશા સરકાર પાસે મંજૂરી માટે બાકી ન રહ્યા
અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉત્તર ગુજરાતના આર્થિક-વ્યાપારિક ગતિવિધિઓના મહત્વના શહેર મહેસાણાનો ડેવલપમેન્ટ પ્લાન એક જ દિવસમાં મંજૂર કરીને ત્વરિત કાર્યવાહી કરી છે. મહેસાણા શહેરના આ પ્લાનની મંજૂરી સાથે જ ડી.પી મંજૂરીમાં ઝિરો પેન્ડન્સીનો લક્ષ્યાંક પૂર્ણ થઇ ગયો છે. રાજ્યના ટાઉન પ્લાનીંગના સમગ્ર ઇતિહાસમાં મંજૂરી માટે એક પણ ડી.પી બાકી ન હોવાની સિદ્ધિ સાથે ઝીરો પેન્ડન્સી સાકાર થયું છે. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણના આ કપરા કાળમાં પણ વિકાસ કામોની ગતિ અટકવા દીધી નથી, તેવી સંવેદનશીલતા દાખવતાં કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતીમાં પણ ૧૦ ડેવલપમેન્ટ પ્લાન અત્યાર સુધીમાં મંજૂર કર્યા છે. વિજયભાઇ રૂપાણીએ સુરત-સુડાના ડી.પી.ની આખરી મંજૂરી બાદ હવે મહેસાણા શહેરના આ ડી.પી.ને અગિયારમાં ડી.પી તરીકે મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ મહેસાણા શહેરનો આ ડેવલપમેન્ટ પ્લાનની મંજૂરી આપીને નાગરિકોને દિપાવલી ભેટ આપી છે. મુખ્યમંત્રીની ત્વરિત નિર્ણાયકતાને પરિણામે ૧રપ ઉપરાંતની ઓથોરિટીના ડી.પી. પૈકી એક પણ ઓથોરિટીના નકશા હવે મંજૂરીમાં બાકી રહ્યા નથી. મહેસાણા શહેરમાં રહેણાંક, વાણિજ્યીક, ઔદ્યોગિક અને અન્ય ઉપયોગ માટે વધુ જમીનો ઉપલબ્ધ થાય તેમજ પ્રગતિ વિકસે તે માટે નગરપાલિકા વિસ્તારમાં શહેરીકરણને અનુરૂપ તમામ ઝોનીંગ કરાયું છે. મુખ્યમંત્રીએ મહેસાણા શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખતાં ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝના સુવ્યવસ્થિત આયોજન માટે પહોળા રસ્તાઓ પણ આ ડી.પી માં મંજૂર કર્યા છે. તદઅનુસાર રીંગ રોડ સહિત ૩૦ મીટર, ર૪ મીટર અને ૧૮ મીટર પહોળાઇના માર્ગોનું સુઆયોજિત નેટવર્ક સુચિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ દૂધ સાગર ડેરીના કારણે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત મહેસાણા શહેર માટે અંદાજે ૩ર.૧૦ ચો.કિ.મી. વિસ્તારના નગરપાલિકા વિસ્તારનો અદ્વિતીય પૂનરાવર્તીત નકશો મંજૂર કર્યો છે.
આ અગાઉ ૧૯૯૩થી મંજૂર થયેલા ડી.પી પછી પાછલા બે દાયકામાં મહેસાણા શહેરના તીવ્ર ગતિએ થયેલા વિકાસને લક્ષમાં લઇને સમગ્ર નગરપાલિકા વિસ્તારમાંથી ખેતી ઝોન રદ કરીને રહેણાંક ઝોન મુખ્યમંત્રીએ આ ડી.પી.માં સૂચવ્યો છે. રાજ્યભરમાં સૌ પ્રથમવાર આટલા મોટા વિસ્તારમાં રહેણાંક હેતુથી જમીનો ઉપલબ્ધ કરાવીને લોકોને સસ્તા દરે મકાન તેમજ વાણિજ્યીક અન્ય ઉપયોગો માટે વિપૂલ જમીન મળી રહે અને જમીનના ભાવો નિયંત્રણમાં રહે તેવી દીર્ઘદ્રષ્ટિ મુખ્યમંત્રીએ દાખવી છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મહેસાણાના ડી.પી.માં હયાત જમીન વપરાશ અને ભવિષ્યની જરૂરીયાત ધ્યાને રાખતાં કુલ ૩ર૧૦ હેકટર્સમાંથી આશરે ૩૦૦૦ હેકટર્સ જેટલો વિસ્તાર શહેરીકરણ માટે સુચિત કરી, બાકીનો વિસ્તાર જળપ્રવાહ / કેનાલ વિગેરે માટે સુચિત કરેલ છે. આ સુચિત જમીન વપરાશમાં ગામતળ, રહેણાંક, વાણિજ્યીક અને ઔદ્યોગિક વિસ્તાર માટે નિયત વિસ્તાર ઉપરાંત ખાસ કરી જાહેર હેતુ માટે આશરે ૧૪ર હેકટર્સ, જાહેર ઉપયોગીતા માટે આશરે ૪ર હેકટર્સ તથા રેલ્વે, રસ્તા, નાળિયા માટે આશરે ૩પ૮ હેકટર્સ તેમજ બાગ-બગીચા માટે આશરે ૧૦ હેકટર્સ જેટલી જમીન સુચિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નગરો-મહાનગરોના સુઆયોજિત વિકાસને વધુ વેગવંતો બનાવવા એક અન્ય મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય પણ કર્યો છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર ટાઉન પ્લાનીંગ સ્કીમ ફાયનલ કરવામાં ટાઉન પ્લાનીંગ ઓફિસર-ટી.પી.ઓ કક્ષાએ લેવાતા વધુ સમયના નિવારણ રૂપે હવે એવો નિર્ણય કર્યો છે કે હાલ જે ટી.પી સ્કીમ માટે ખાસ કરીને મુખ્ય નગરનિયોજક તથા શહેરી વિકાસ સત્તામંડળો, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેળવવામાં આવતો બે વખતનો પરામર્શ માત્ર એક જ વાર મેળવવામાં આવશે. વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર ચીફ ટાઉન પ્લાનર અને સત્તામંડળ કક્ષાએથી ત્વરિત પરામર્શ આપવામાં આવે તેવી સ્પષ્ટ સૂચનાઓ પણ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે