બ્રહ્મલીન થયા હરિચરણદાસ મહારાજ, નર્મદા કાંઠે કરાઈ અંતિમ વિધિ, ચેતેશ્વર પૂજારા પણ ભાવુક થયો
Trending Photos
- પૂજ્ય હરિચરણદાસ મહારાજ ગઈકાલે ગોંડલ ખાતે બ્રહ્મલીન થયા હતા
- ગોરા આશ્રમ ખાતે આજે 150 કિલો ચંદનના લાકડા સાથે પંચમહાભૂતમાં વિલીન થયા
જયેશ ભોજાણી/ગોંડલ :ગોંડલના પરમપૂજ્ય 1008 હરિચરણદાસ મહારાજ ગઈકાલે ગોંડલ ખાતે બ્રહ્મલીન થયા હતા. જેઓને ગોરા આશ્રમ ખાતે આજે 150 કિલો ચંદનના લાકડા સાથે પંચમહાભૂતમાં વિલીન કરાયા હતા. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા પણ ગોરા આશ્રમ ખાતે અંતિમ દર્શનમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત દેશભરમાં વસતા તેમના શ્રદ્ધાળુઓ પણ અંતિમ દર્શન માટે આવી પહોચ્યા હતા.
ગોંડલ રામજી મંદિરના હરિચરણદાસ મહારાજનું ગઈકાલે 100 વર્ષની ઉંમરે નિધન થયું હતું. મહારાજ હરિચરણ દાસનો નર્મદા જિલ્લા સાથે અનેરનો નાતો હતો. નર્મદાના કેવડિયા નજીક આવેલ ગોરા ગામ ખાતે હરિદાસ આશ્રમ આવેલો છે. જે હરિચરણદાસ મહારાજે લગભગ 30 વર્ષ પહેલા બનાવ્યો હતો. સ્વામીજીનો ઉદ્દેશ હતો કે, આજુબાજુના ગામોમાં રહેતા આદિવાસી લોકોના ઉત્થાન માટે કામ કરવું. અહીં બનેલા આશ્રમમાં નર્મદા પરિક્રમા માટે આવતા લોકોને જમવાની અને રહેવાની સગવડ પૂરી પાડવામાં આવતી હતી. લોકડાઉન દરમ્યાન આજુબાજુના 20 ગામના લોકોને ભોજનની વ્યવસ્થા પણ હરિદાસ આશ્રમ ગોરા દ્વારા કરવામાં આવતી હતી.
ઈચ્છા મુજબ નર્મદા કાંઠે કરાઈ અંતિમ વિધિ
તેમના પ્રયાસોથી આદિવાસીના દીકરા દીકરીઓ માટે શાળાનું પણ ગોરા ગામ ખાતે નિર્માણ કરાયુ છે. હરિચરણદાસ મહારાજની અંતિમ ઈચ્છા હતી કે નર્મદા કિનારે એમની અંતિમ વિધિ થવી જોઈએ. તેથી એટલે ગુરુ ભક્તિ અને ગુરુ ભાઈઓ દ્વારા નર્મદા જિલ્લાના ગોરા ગામ ખાતે 150 કિલો ચંદનની કાસ્ટ સાથે 11 વેદ પાઠી બ્રહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચાર સાથે આજે તેમને વિદાય અપાઈ હતી. ગોરા આશ્રમ ખાતે એક સ્મૃતિ મંદિર પણ બનાવવામાં આવશે.
ક્રિકેટર ચેતેશ્વર પૂજારા અંતિમ વિધિમાં પહોંચ્યા
ગુરુ હરિચરણદાસ મહારાજના નિધનથી ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા પણ શોકમાં આવી ગયા હતા. ચેતેશ્વર પુજારા બાળપણથી જ હરિચરણદાસજી સ્વામીના ભક્ત રહ્યાં છે. ગમે તે ટુર્નામેન્ટ કે મેચ રમવા જવાની હોઈ પણ ગુરુ હરિચરણદાસજીના આશીર્વાદ લઈને જ બહાર જતા હતા. ચેતેશ્વર પૂજારા કહેતા કે, હરિચરણદાસ મહારાજે જે માનવ કલ્યાણના કાર્યો કર્યા છે. તેનાથી મને પ્રેરણા મળી છે. છેલ્લીવાર ચેતેશ્વર પૂજારા તેમના જન્મદિવસ નિમિત્તે મહારાજ હરિચરણદાસને મળ્યા હતા અને આશીર્વાદ લીધા હતા.
નિધનના સમાચાર સાંભળતા જ ભક્તો ઉમટી પડ્યા
ગઈકાલે રાજકોટ જિલ્લાના ગોંડલ સ્થિત પ્રસિદ્ધ રામજી મંદિરના સંત 1008 મહામંડલેશ્વર પૂ. હરિચરણદાસજી મહારાજના દેવલોક પામ્યાના સમાચાર મળતા હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જેને લઇને મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. હરિચરણદાસજીએ સોમવારે સવારે 4 વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા. સવારે 8 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને ગોરા આશ્રમ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
બિહારના પંજરવામાં થયો હતો બાપુનો જન્મ
હરિચરણદાસજી બાપુનું મૂળ નામ હરિશ્ચંદ્ર મિસરા હતું. તેમનો જન્મ 1921 માં ચૈત્ર સુદ 6 ના દિવસે બિહારના પંજરવામાં થયો હતો. હરિચરણદાસજી 1955 માં એટલે કે છેલ્લા 70 વર્ષથી પૂ. ગુરુદેવ રણછોડદાસજી મહારાજની આજ્ઞાથી ગોંડલ આશ્રમનું સંચાલન કરતા હતા. લગભગ તેમણે 34 વર્ષની ઉંમરે આશ્રમનું સંચાલન સંભાળ્યું હતું. સરિયો નદીના કિનારે ભજન કરતા પૂ. સદગુરુ દેવ રણછોડદાસજી મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું. હરિચરણદાસજી બાપુ સેવાકીય કાર્યો માટે પ્રખ્યાત હાત. ગોંડલ રામજી મંદિર, ગોંડલ ખાતે શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ, પાંડુકેસવેર, ઋષિકેશ, ઇન્દોર, કરણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન, ભજન અને માનવસેવાની જ્યોત જાળવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે