વિધાનસભાની વાતઃ સુરત પશ્ચિમ બેઠકની આ વખતે શું છે સ્થિતિ? જાણો શું કહે છે રાજકીય ગણિત

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. અત્યાર સુધી સુરત શહેર ભાજપનો ગઢ ગણાતો હતો. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમીના પગપેસેરા બાદ હવે સ્થિતિ બદલાઈ છે. શું આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ સુરતમાં જોવા મળશે કઈ નવાજૂની?

વિધાનસભાની વાતઃ સુરત પશ્ચિમ બેઠકની આ વખતે શું છે સ્થિતિ? જાણો શું કહે છે રાજકીય ગણિત

ઝી બ્યૂરો, અમદાવાદઃ સાત ટર્મથી સુરત પશ્વિમ બેઠક ભાજપનો ગઢ છે. કોંગ્રેસ અહીં 30 વર્ષથી ફાવી શકી નથી. જો કે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી નવા સમીકરણો રચાઈ શકે છે. સુરતની 16 વિધાનસભા બેઠકોમાંથી સુરત પશ્વિમ વિધાનસભા બેઠક આ વખતે વધુ ચર્ચામાં છે...આમ તો છેલ્લી સાત ટર્મથી એટલે કે 1990થી સતત આ બેઠક પર ભાજપનો દબદબો છે. જે દેખાડે છે કે ભાજપ એક રીતે આ બેઠક પર અજેય છે. ગુજરાતની સાથે સુરત પશ્વિમ બેઠક પર પણ 90ના દાયકામાં ભાજપનો ઉદય થયો. જો કે આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી નવા સમીકરણો રચાઈ શકે છે.

પેટાચૂંટણીથી પૂર્ણેશ મોદીની એન્ટ્રી-
2012માં સુરત પશ્વિમ બેઠક પરથી બીજી વખત ચૂંટાયેલા કિશોર વાંકાવાલાનું અવસાન થતા 2013માં પેટાચૂંટણી યોજાઈ. જેમાં ભાજપનાં ઉમેદવાર પૂર્ણેશ મોદી જીત્યા. 2017માં ફરી પૂર્ણેશ મોદીની જીત થઈ, તેમણે કોંગ્રેસનાં ઈકબાલ પટેલને 33,733 મતોથી હરાવ્યા હતા.

પૂર્ણેશ મોદીનું પર્ફોમન્સ-
પૂર્ણેશ મોદી સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા અને સુરત શહેર ભાજપ પ્રમુખનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. 2017માં જીત બાદ તેમની નિમણૂંક વિધાનસભામાં સંસદીય સચિવ તરીકે પણ કરાઈ હતી. 2021માં પૂર્ણેશ મોદીને રાજ્ય સરકારનાં મંત્રી મંડળમાં પણ સ્થાન મળ્યું...તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળ્યો. જો કે એક વર્ષની અંદર જ તેમની પાસેથી માર્ગ મકાન વિભાગ જેવું મહત્વનું ખાતું પરત લઈ લેવાયું. આ માટે તેમની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા. હાલ તેમની પાસે ટ્રાન્સપોર્ટ, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ વિભાગની જવાબદારી છે.

વિધાનસભા ચૂંટણીઓમાં સુરત પશ્ચિમ બેઠકનો હિસાબઃ
વર્ષ         વિજેતા                                 પક્ષ
2017    પુર્ણેશ મોદી                           ભાજપ
2013     પુર્ણેશ મોદી    (પેટા ચૂંટણી)    ભાજપ
2012    કિશોરભાઇ વાંકાવાલા             ભાજપ
2007    કિશોરભાઇ વાંકાવાલા             ભાજપ
2002    ભાવનાબેન ચાપતવાલા            ભાજપ
1998    હેમંતભાઇ ચાપતવાલા              ભાજપ
1995    હેમંતભાઇ ચાપતવાલા              ભાજપ
1990    હેમંતભાઇ ચાપતવાલા              ભાજપ
1985    બાબુભાઇ સોપારીવાલા            કોંગ્રેસ
1980    મેહમદભાઇ સુરતી                   કોંગ્રેસ (આઇ)
1975    પોપટલાલ વ્યાસ                     એનસીઓ
1972    જશવંતસિંહ ચૌહાણ                કોંગ્રેસ
1967    M.H.A.S. ગોલંદાઝ                કોંગ્રેસ
1962    ઉર્મિલાબેન પ્રેમશંકર ભટ્ટ          કોંગ્રેસ
 

તાજેતરમાં જ્યારે બેટદ્વારકાનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા મેગા ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે પૂર્ણેશ મોદીએ આ અંગ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે બેટદ્વારકાનાં સ્થાનિકોનાં પાકિસ્તાન સાથેનાં જોડાણનો ઉલ્લેખ કર્યો હતો. જો કે આ ટ્વિટને તેમણે તુરંત ડિલીટ કરી દીધું હતું. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 2019માં લોકસભાની ચૂંટણી વખતે પ્રચાર દરમિયાન મોદી અટક અંગે વ્યાંગાત્મક ટિપ્પણી કરી હતી. જેના આધારે પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. આ કેસમાં રાહુલ ગાંધીએ સુરતની કોર્ટમાં હાજર પણ રહેવું પડ્યું હતું...

સુરત પશ્ચિમ બેઠકના રાજકીય સમીકરણ-
2019ના આંકડા પ્રમાણે આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2.55 લાખ જેટલી છે. જેમાંથી 1.29 લાખ પુરુષ મતદારો અને 1.25 લાખ મહિલા મતદારો છે. સુરત પશ્વિમ બેઠક પર મોઢવણિક, જૈન, મુસ્લિમ અને ગુર્જર ક્ષત્રિય સમાજ નિર્ણાયક છે... ભાજપ પૂર્ણેશ મોદી પર ત્રીજી વખત પસંદગી ઉતારે છે કે કેમ તે આ વખતે જોવું રહેશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર પણ ઘણો ખરો આધાર રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news