ઈડરના ભાણપુરની અનોખી હોળી - પુરુષોનું ટોળુ સામસામે સળગતા લાકડાના ડુંગા ફેંકે છે
ઇડરના ભાણપુરમાં અનોખી રીતે હોળી રમાય છે. પટેલ સમાજના પુરુષો શુભ મુહર્તમા હોળી પ્રગટાવ્યા બાદ સળગતા લાકડાથી હોળી રમે છે
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :જ્યાં બાર ગાઉએ બોલી બદલાય, ત્યાં પરંપરા અને પ્રથા પણ બદલાઈ જાય છે. હોળીનો તહેવાર એક છે, પણ દરેક સમાજ અને ગામ, શહેરની તેને ઉજવવાની પ્રથા અલગ અલગ છે. આવામાં ઈડરના ભાણપુરની હોળી અનોખી છે. આપણે અત્યાર સુધી સળગતા અંગારા પર ચાલવાની પ્રથા જોઈ, પણ ભાણપુરના લોકો એકબીજા સામે સળગતા લાકડાના ડુંગા ફેંકે છે.
લાકડા કોઈને વાગતા નથી તેવી માન્યતા
ઇડરના ભાણપુરમાં અનોખી રીતે હોળી રમાય છે. પટેલ સમાજના પુરુષો શુભ મુહર્તમા હોળી પ્રગટાવ્યા બાદ સળગતા લાકડાથી હોળી રમે છે. હોળી પ્રગટાવ્યા બાદ સમ સામે સળગતા લાકડાના ડુંગા એકબીજા પર ફેંકે છે. સળગતા લાકડા હાથમાં બંને તરફ અલગ અલગ ટોળું સામ સામે લઈને એકબીજા પર ફેંકે છે. એકબીજા પર લાકડા ફેંકવાની પ્રથા પૌરાણિક છે. કોઈને લાકડા વાગે તો પણ કોઈને ઇજા પહોંચતી નથી એ ભગવાનના આશીર્વાદ કહેવાય છે તેવી સ્થાનિક લોકવાયકા છે.
મજરામાં અંગારા પર ચાલવાની 500 વર્ષ જૂની પ્રથા
પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા ૫૦૦ વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ઘરે ઘરે જઇ લાંકડા છાણાં ઉગરાવી હોળીની રાત્રે બે અલગ-અલગ હોળી પ્રગટાવવામાં આવે છે. ગામના યુવાનો અંગારા પર ચાલતા જોવા મળે છે જે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજના યુગમાં પણ યથાવત છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવે છે. જેમાં એક હોળીમાં લાકડાં મૂકવામાં આવે છે અને બીજી હોળીમાં છાણાં મૂકવામાં આવે છે. લાકડાના અંગારા પડયા હોય તેનાં પરથી બાળકોથી માંડીને યુવાનો, વૃદ્ધો સળગતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલે છે. છતાં હજુ સુધી કોઇપણ ગામમાં દાઝ્યુ હોય તેવો કોઇ બનાવ બન્યો નથી. ત્યારે દાદા ભૈરવનાથના દર્શન તથા મજરાની હોલિકા દહન જોવા માટે શ્રધ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગર વગેરે જગ્યાએ અહી આવે છે અને પોતાની માનતા-બાધા પુર્ણ કરે છે. તો વર્ષોથી અંહી અંગારામાં ચાલવાની પરંપરા પ્રચલિત થઇ છે, તેને ગામજનો ભૈરવનાથની કૃપા માને છે અને હોળીના દિવસે જો કોઈ કુટુંબમાં પુત્ર હોય તો જેમ નિમિત્તે બાળકને પહેલી હોળીના દર્શન કરાવે છે અને નવા પરણેલા દંપતી હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે. ત્યારે ખેડૂતો અગ્નિની જયોતિમાં પૂળા લઇને પ્રગટાવી તેને ઘાસ પોતાના ઘરે પશુઓને ખવડાવે છે. બાદમાં મજરા ખાતે આવીને દાદાભૈરવના દર્શન કરી હોળીના દર્શન કરી ધાણી ખજૂર શ્રીફળ શેરડી કેરી ચડાવીને પૂજા કરી ધન્યતા અનુભવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે