સરકાર સામે પડ્યા મંત્રી પુરુષોત્તમ સોલંકી, કહ્યું-ભાજપમાં માછીમારોને કશું આપવામાં આવતું નથી
Trending Photos
- ભાજપના જ મંત્રીએ સરકાર પર આક્ષેપો કર્યાં, સરકાર બધી વાતો જ કરે છે. જેટલુ પહોચવુ જોઈએ તેટલુ પહોંચ્યુ નથી
- રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપમાં માછીમારોને વધારે કશું આપવામાં આવતું નથી
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના માછીમારોની સમસ્યા અને તેમને સહાય મુદ્દે ગુજરાત સરકાર (gujarat government) ના જ મંત્રીએ સરકારની કામગીરી પર સવાલો કર્યા છે. કોળી સમાજના આગેવાન અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી (purshottam solanki) એ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપમાં માછીમારોને વધારે કશું આપવામાં આવતું નથી. માછીમારોની તકલીફ કોઇ જોતું નથી. પેકેજ આપ્યું છે પણ અમલવારી ક્યાં કરવામાં આવતી નથી. નેતાઓ માછીમારોની ચિંતા અને દર્દ નથી સમજતા.
સરકાર માત્ર વાતો કરે છે, પણ માછીમારોને સહાય કરતી નથી
ભાજપના જ મંત્રીએ સરકાર પર આક્ષેપો કર્યાં છે. રાજુલા સહિતના દરિયાઈ વિસ્તારોના લોકોની મુશ્કેલીઓ અને માછીમારોની સમસ્યાઓ સંદર્ભે તેમણે કહ્યું કે, સરકાર માછીમારોના સવાલમાં કોઈને જવાબ નથી દેતા. માછીમારી કરવા દરિયાકાંઠાના વિસ્તારમાં માણસોને મુશ્કેલી પડી રહી છે. કાંઠા વિસ્તારોમાં જઈને પૂછો તમને હકીકત
ખબર પડશે. ગરીબોની દશા જુઓ. ખાવાના ય વાંધા છે. સરકાર બધી વાતો જ કરે છે. જેટલુ પહોચવુ જોઈએ તેટલુ પહોંચ્યુ નથી. સરકારે માછીમારો માટે લિમિટેડ રૂપિયા જ જાહેર કર્યાં છે. સરકાર જે જોરથી કરવુ જોઈએ તે થતુ નથી. દરિયા કાઁઠે અધિકારીઓને મોકલીને સરવે કરાવીને પ્રયત્ન કરવા જોઈએ.
જવાહર ચાવડા પણ લાચાર છે - પરસોત્તમ સોલંકી
તેમણે વધુમાં કહ્યું કે, મંત્રી જવાહર ચાવડા બિચારા મારું બધુ માને છે. તેઓ પોતે પણ લાચાર છે. પણ બધુ સરકાર પર નિર્ભર છે. મુખ્યમંત્રી હવે શુ કરે એ જોવાનું છે. મુખ્યમંત્રી પોતે કહે છે કે તમારો સમાજ ગરીબ છે એ હુ સમજુ છું. અનેક નેતાઓને દરિયાકાંઠાની સમજણ નથી. માછીમારો દરિયામાં બાર-પંદર દિવસ જાય છે, પણ વિલાયેલા મોઢે પાછા ફરે છે. આ પરિસ્થિતિ જેણે જોઈ છે તેને ખબર છે. હું પોતે આ બધામાંથી પસાર થઈ ચૂક્યો છું. વાપીથી લઈને પોરબંદર સુધીના દરિયા કાંઠે કોળી, ખારવા અને મુસ્લિમ સમાજ વધુ છે. કોળી સમાજ થકી હું આગળ આવ્યો છું, તે સમાજના થકી હું મંત્રી બન્યો છું.
કોળી સમાજની મુશ્કેલીઓ દૂર નથી થઈ રહી તે મુદ્દે તેમણે કહ્યું કે, કુંવરજીભાઈ કોળી સમાજના હોવા છતા તેમને દરિયાકાંઠાનો બહુ અનુભવ નથી. તેમણે એ જીવન જોઈ નથી. તેઓ રાજકોટની બાજુના રહેવાસી છે. તેથી તેઓ પણ બનતા પ્રયાસ કરે છે. સરકારને ખબર છે કે માછીમારોને શેની જરૂર છે, એ તેમને આપે.
પાટીદારોની જેમ સરકાર સામે પડવા મુદ્દે તેમણે કહ્યું કે, મારે પાટીદારોની જેમ સરકાર સામે નથી પડવુ. કોળી સમાજ પટેલ સમાજ કરતા મોટો છે. પટેલ સમાજે જે કર્યું તે હું કરવા માંગતો નથી. હું મારાથી બનતા પ્રયાસ કરીને મારા સમાજને આગળ ધપાવીશ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે