વડોદરા પૂર બાદ અંદાજે 10 હજારથી વધુ વાહનોનું રિપેરીંગ કામ માથાનો દુખાવો બન્યું

વડોદરામાં ખાબકેલા 20 ઇંચ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને આ વરસાદી પાણીમાં હજારોની સંખ્યામાં વાહનો પણ ગરકાવ થયા હતા, હવે જ્યારે વરસાદી પાણી ઓસરી રહ્યા છે ત્યારે એક અંદાજ પ્રમાણે શહેરમાં ઠેરઠેર વાહનો બગડેલા જોવા મળે છે. 

વડોદરા પૂર બાદ અંદાજે 10 હજારથી વધુ વાહનોનું રિપેરીંગ કામ માથાનો દુખાવો બન્યું

તૃષાર પટેલ/વડોદરા :વડોદરામાં ખાબકેલા 20 ઇંચ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને આ વરસાદી પાણીમાં હજારોની સંખ્યામાં વાહનો પણ ગરકાવ થયા હતા, હવે જ્યારે વરસાદી પાણી ઓસરી રહ્યા છે ત્યારે એક અંદાજ પ્રમાણે શહેરમાં ઠેરઠેર વાહનો બગડેલા જોવા મળે છે. શહેરમાં 10 હજારથી વધારે ફોરવ્હીલર ગાડીઓ રીપેરીંગ માટે સર્વિસ સ્ટેશન કે ઓટો ગેરેજમાં ખડકાયેલી જોવા મળી રહી છે. અત્યારે તો એ હાલ છે કે પાણીમાં ગરકાવ થયેલા વાહનો રીપેર થઈને વાહનચાલકોને ફરી મળે તે માટે વાહન ચાલકોને પંદર દિવસથી લઈને એક મહિના સુધી રાહ જોવી પડશે.

વડોદરામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં ઠેરઠેર પાણી ભરાતા લોકોના ઘરોમાં ભારે નુકસાન થયું છે. તેની સાથે સાથે વાહનોને પણ મોટાપાયે નુકસાન થયું છે. વાહનચાલકોના મોંઘા કહી શકાય તેવા વાહનોમાં પાણી ભરાઈ જવાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. એક અંદાજ અનુસાર ફોર વ્હીલરના માલિકો દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીમાં 8000થી વધારે ક્લેમ કરવામાં આવ્યા છે. શહેરના વિવિધ ઓટોમોબાઇલ્સના શો રૂમ ઉપર મોટી સંખ્યામાં વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. પાણીમાં ડૂબેલા વાહનોના માલિક દ્વારા જે-તે ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ અને સર્વેયરને પોતાના વાહનની નુકશાની અંગેની માહિતી આપવામાં આવી રહી છે. તો સર્વેયર દ્વારા વાહનોનો સરવે પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. સર્વેયરની પૂર્ણ તપાસ બાદ પાણીના કારણે નુકસાન થયેલ વાહનને વર્કશોપ ખાતે ખાનગી ગેરેજમાં ખસેડવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ શો રૂમના વર્કશોપના કારીગરો દ્વારા આ તમામ પાણીમાં ડૂબેલી ગાડીઓનું રીપેરીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શહેરના ઓટોમોબાઇલ્સના શોરૂમ ધરાવતા સંચાલકો પાસે પૂરતી જગ્યા ન હોવાને કારણે શોરૂમના સંચાલકો દ્વારા કેટલીક જગ્યાઓ ભારે પણ લેવામાં આવી છે, જ્યાં સેટ બનાવીને કારીગરો વાહન રિપેર કરી રહ્યા છે.

https://lh3.googleusercontent.com/-VahIb5uegeU/XUvo4TrG0FI/AAAAAAAAIgI/Kd4rkEDAgwsY6WFi7KAeqKCXyY-_ZnaWQCK8BGAs/s0/Vadodara_vehicles_flood.JPG

મહત્વનું છે કે, પાણીમાં ગરકાવ થયેલા વાહનો માટે A, B અને C એમ ત્રણ કેટેગરી બનાવવામાં આવી છે. આ કેટેગરી પ્રમાણે વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીના સર્વેયર દ્વારા વાહનને કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી રહ્યા છે. પૂરના પાણીથી નુકસાન થયેલ કારને વિવિધ કેટેગરી પ્રમાણે રિપેર કરવામાં આવશે. આ કેટેગરી મુજબ પાંચ હજારથી લઈને વીસ હજાર, 30 હજારથી લઈને એક લાખ અને પચાસ હજારથી લઈને ત્રણ લાખ સુધીનો ખર્ચનો ક્લેમ વાહન ચલાકને મળશે.

વડોદરામાં ખાબકેલા વરસાદના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેમાં અસંખ્ય વાહનોમાં પાણી ભરાઈ ગયા હતા. વાહનો માં પાણી ભરાવાને કારણે વાહનનું વાયરીંગ, એન્જિન, ગાડીની સીટો સહિતનો સામાન પાણીમાં પડીને બગડી ગયો છે. આ વાહનોના નુકસાનનો આંકડો પણ ઘણો મોટો છે. તો બીજી તરફ, જેઓએ પોતાની ગાડીનો ઈન્સ્યોરન્સ નથી કઢાવ્યો, તેઓને તો આખેઆખુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ, સૌથી કપરી હાલત ઇન્સ્યોરન્સ કંપનીના સર્વેયર છે. તેઓ દિવસના 17-17 કલાક આ સર્વે કરે છે અને વાહનમાં કેટલું નુકસાન થયું છે તેનું સર્વે કર્યા બાદ વાહનને રીપેરીંગ માટે મોકલવાની તજવીજ હાથ ધરે છે. અલબત્ત જિલ્લા કલેકટર દ્વારા જેટલી પણ મોટી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેના અધિકારીઓ સાથે એક બેઠક કરવામાં આવી હતી અને વાહનચાલકોને જેમ બને તેમ જલ્દીથી ક્લેમ પાસ કરી દેવાની સૂચના પણ આપી હતી. પરંતુ જે રીતે વાહનોની અંદર નુકસાન થયું છે અને નુકસાન થયેલા વાહનોની સંખ્યા પણ વધુ પ્રમાણમાં હોવાથી હજી શહેરના અનેક વાહનચાલકોને પોતાના વાહનો આવનારા પંદર દિવસથી લઈને એક મહિના દરમિયાન મળશે તેવું લાગી રહ્યું છે તેવુ એક ખાનગી વીમા કંપનાના સર્વેયર ચંદ્રકાંતભાઈએ જણાવ્યું હતું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news