નરોડા પાટિયા કેસ: હાઈકોર્ટના ચુકાદા બાદ જિતુ વાઘાણીએ કર્યાં કોંગ્રેસ પર આકરા પ્રહારો
Trending Photos
અમદાવાદ: વર્ષ 2002ના નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. માયા કોડનાનીને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે બાબુ બજરંગીની મુશ્કેલીઓ વધી છે. કારણ કે હાઈકોર્ટે બાબુ બજરંગીને દોષિત ગણ્યો છે. જો કે સજામાં થોડો ઘટાડો કર્યો છે. પહેલા મૃત્યુ સુધી આજીવન કારાવાસની સજા અપાઈ હતી પરંતુ હવે તેમાં ઘટાડો કરીને આ સજાને 21 વર્ષ સુધી કરવામાં આવી છે. બજરંગીએ 21 વર્ષ કારાવાસ ભોગવવો પડશે. બાબુ બજરંગી સહિત 3 લોકોને કોર્ટે ષડયંત્રકારી ગણાવ્યાં હતાં. મુકેશ ઉર્ફે વકીલ, હીરાજી મારવાડી સહિત 17 લોકોને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. 31 માંથી 14 દોષિત 17 નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે એકનું મોત થઈ ચૂક્યું છે. જસ્ટિસ હર્ષા દેવાણી અને ન્યાયમૂર્તિ એ એસ સુપેહિયાની પેનલે આ મામલે સુનાવણી પૂરી થયા બાદ ગત વર્ષ ઓગસ્ટમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં સ્પેશિયલ કોર્ટે ભાજપના ધારાસભ્ય માયા કોડનાની અને બાબુ બજરંગી સહિત 32 લોકોને દોષિત ઠેરવતા ઉમરકેદની સજા સંભળાવી હતી.
ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદા બાદ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'આજનો માયાબેન કોડનાનીનો ચુકાદો વિશે હું માનુ છું કે ન્યાયતંત્રએ કોંગ્રેસના કાવાદાવા, ષડયંત્રો, પ્રપંચો પર એક મહોર મારી દીધી હોય એ પ્રકારનો ચુકાદો આજે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીને હંમેશા ન્યાયતંત્ર પર વિશ્વાસ રહ્યો છે. મને દુ:ખ થાય છે કે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ કાળો દિવસ મનાવ્યો. આ પ્રકારની તેમની માનસિકતા છે.'
બીજી બાજુ ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદા પર પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે સવાલ ઉઠાવ્યાં છે. ઝી ન્યૂઝ સાથે એક ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે કોડનાનીને નિર્દોષ છોડી મૂકવા એક મોટો સવાલ છે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે જો બાબુ બજરંગીની સજા યથાવત રાખી તો માયા કોડનાની નિર્દોષ કેવી રીતે? હાર્દિકે કહ્યું કે ન્યાયપાલિકા પર ભરોસો કરવો જ પડે છે. આમ કોડનાનીના નિર્દોષ છૂટકારા બાદ રાજ્યમાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.અત્રે જણાવવાનું કે આજે આવેલા ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે માયા કોડનાનીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે