હવે સરકાર દરેક નાગરિકનાં સંપુર્ણ બોડીનું સ્ક્રિનિંગ કરશે, વિદેશ જેવી સગવડ ઘરે બેઠા મળશે
જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. નિરામય ગુજરાતની આરોગ્યલક્ષી નવતર પહેલ નાગરિકોને નિરામય બનાવાશે તેવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું.
Trending Photos
અમદાવાદ : જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. નિરામય ગુજરાતની આરોગ્યલક્ષી નવતર પહેલ નાગરિકોને નિરામય બનાવાશે તેવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું. રાજ્યના નાગરિકોને કવચ સમાન કોરોના રસીના બંને ડોઝ લઇ સુરક્ષિત બનાવવા માટે આરોગ્ય મંત્રીએ અપીલ કરી હતી. દર શુક્રવારે નિરામય અભિયાન અંતર્ગત બિનચેપી રોગોથી લઇ ગંભીર પ્રકારના વિવિધ રોગ માટે સ્ક્રીનીંગ કરવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ સ્થિત સિંગરવા ગામથી જિલ્લા કક્ષાના નિરામય ગુજરાત કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
આરોગ્ય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, પ્રવર્તમાન દિવસોમાં ઝડપી અને બદલાતી જતી જીવનશૈલીના કારણે લોકોમાં જીવનધોરણ અને જીવનશૈલી આધારિત થતાં બિનચેપી રોગો જેવા કે લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, મોઢા, સ્તન અને ગર્ભાશયના કેન્સર, કિડનીની બિમારી જેવા ગંભીર રોગોનુ સત્વરે નિદાન કરીને સચોટ સારવાર આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નિરામય ગુજરાતની નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યના 30 વર્ષથી વધુ વયના નાગરિકોના નિરામય ગુજરાત અંતર્ગત બિનચેપી રોગ સહિત વિવિધ ગંભીર રોગોના નિદાન, સ્ક્રીનીંગ અને સ્તવરે સારવાર કરાવી ખરા અર્થમાં નાગરિકો નિરામય બને તેવો ભાવ આરોગ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
નિરામય ગુજરાત અભિયાન વિશે જણાવતા તેઓએ કહ્યું કે, આ અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દર શુક્રવારે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ ગંભીર પ્રકારના 8 જેટલા રોગોનું નિદાન કરીને સ્થાનિક સ્તરે અથવા જરૂર જણાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી દર્દીઓને ઝડપથી રોગમૂક્ત બનાવવાના સધન પ્રયાસો હાથ ધરવામાં આવશે. દર્દીઓને આપવામાં આવતા નિરામય કાર્ડ અંતર્ગત સ્ક્રીનીંગ થી લઇ સર્જરી સુધીની તમામ સારવાર અને સ્વાસ્થય સેવાઓ દર્દીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવનાર હોવાનું ઉમેર્યુ હતુ. તેઓએ આ પ્રસંગે એમ પણ કહ્યું કે, રાજ્ય સરકારે જન્મથી લઇ મરણ સુધીની વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ દ્વારા નાગરિકોના વાલી બનીને તેમની દરકાર કરી છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે સરકારની સંપૂર્ણપણે પ્રતિબધ્ધતા હોવાનું જણાવીને કોરોના સામે કવચ સમી કોરોનાની રસી જ અમોધ શસ્ત્ર હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતુ. તેઓએ નાગરિકોને કોરોનાની રસીના બંને ડોઝ લઇ કોરોના સામે સુરક્ષિત બનવા અનુરોધ પણ કર્યો હતો. નિરામય ગુજરાત કાર્યક્રમના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નલ સે જલ યોજના અંતર્ગત સીંગરવા ગામને 25 કરોડની સહાય અર્પણ કરીને ઘરે-ઘરે નળથી પાણી પહોંચાડવાની મંજૂરી મળવા બદલ રાજ્ય સરકારનો અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલની નિર્ણાયકતા બદલ આભારભાવ પ્રગટ કર્યો હતો.
તેઓએ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને ડામવા માટેની કરવામાં આવી રહેલી કોરોના રસીકરણ કામગીરીને પણ આ પ્રસંગે બિરદાવીને નાગરિકોને રસીકરણ કરાવવા અનુરોધ કર્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટોકન સ્વરૂપે પાંચ લાભાર્થીઓને નિરામય કાર્ડ, બે લાભાર્થીઓને ડિજિટલ હેલ્થ આઇ.ડી, તેમજ ત્રણ લાભાર્થીઓને PMJAY-MA કાર્ડના લાભથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. સિંગરવા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના મેગા હેલ્થ કેમ્પમાં જિલ્લાના 1000થી વધુ દર્દીઓ દિવસ દરમિયાન સ્ક્રીનીંગ કરાવીની આરોગ્ય તપાસ કરાવવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ મેગા કેમ્પમાં લાભાર્થીઓને આરોગ્ય સંબંધિત નિરામય કાર્ડ પણ કાઢી આપવામાં આવનાર હોવાનું ઉમેર્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે