નવું સીમકાર્ડ ખરીદતા પહેલા ચેતી જજો! સુરતમાં સૌથી મોટા પ્રિ-એક્ટિવેટેડ સીમકાર્ડના રેકેટનો પર્દાફાશ
Surat News: પીસીબી પોલીસે બાતમીના આધારે શહેરમાં ડમી સીમકાર્ડ વેચનાર આરોપીને 84 સીમકાર્ડ સાથે પકડી પાડયો છે. આ સાથે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરતમાં સીમકાર્ડના રેકોર્ડનો પર્દાફાશ થયો હતો. પીસીબી પોલીસે બાતમીના આધારે શહેરમાં ડમી સીમકાર્ડ વેચનાર આરોપીને 84 સીમકાર્ડ સાથે પકડી પાડયો છે. આ સાથે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સિંગણપોર, નવજીવન સોસાયટી ખાતે રહેતો વિજય ગોવંદભાઈ રાઠોડ નામનો વ્યક્તિ VI કંપનીનો એજન્ટ છે અને તે પોતાની પાસે VI કંપનીના પ્રિ- એકટીવ કરેલા સિમકાર્ડ રાખી કોઈપણ પ્રકારના આધાર પુરાવા લીધા વગર સિમકાર્ડનું વેચાણ વિકાસ વાઘેલા તથા મીતેષ બોરીચા નામના વ્યક્તિઓને કરતો હોવાની બાતમી મળી હતી.
હાલમાં તેઓ રાંદેર, અડાજણ બસ પોર્ટ પાસેના ફુટ ઓવરબ્રિજની નીચે ભેગા થયા છે, તેવો આઉટપુટ મળતાં પોલીસે રેઈડ કરીને વિજય ગોવિંદભાઈ રાઠોડ, વિકાસ રાજેશભાઈ વાઘેલા અને મીતેષ મહેશભાઈ બોરીચા ની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 14 પ્રિ-એકટીવ સિમકાર્ડ અને 70 અન-એક્ટીવ સિમકાર્ડ તેમજ ૪ મોબાઈલ સહિત કુલ 45,770ની મત્તાનો મુદ્દામાલ કબજે લીધો હતો.
આરોપીઓની પુછપરછ કરતા આરોપી વિજય રાઠોડે જણાવ્યું હતું કે, તેની આર્થિક પરિસ્થિતિ સારી નથી, જેથી વધુ સિમકાર્ડ વેચવાથી વધુ કમિશન તેમજ પ્રિ-એક્ટીવ સિમકાર્ડ વધુ કિંમત લઈ વેચવાથી વધારે પૈસા મળશે, તેવી લાલચે તેણે તેની પાસે સિમકાર્ડ ખરીદી કરવા આવતા ગ્રાહકોના પોતાના મોબાઈલમાં VI કંપનીની “સ્માર્ટ કનેક્ટ” નામની એપ્લિકેશનમાં પોતાની આઈ-ડી તથા પાસવર્ડ મારફતે એપ્લિકેશનમાં લોગીન થઈ સિમકાર્ડ ખરીદી કરવા આવતા ગ્રાહકો પાસેથી તેમના આધારકાર્ડની વિગત મોબાઈલમાં ઓનલાઈન “કસ્ટમર એપ્લિકેશન ફોર્મ” માં ભરી તે ફોર્મમાં ગ્રાહકનો ફોટો ઉપલોડ કરી સિમકાર્ડ એકટીવ કરે છે.
આ ઉપરાંત આ સીમકાર્ડ તે 500 રૂપિયામાં ખરીદતો હતો અને ત્યારબાદ જે તે જરૂરીયાત મંદ લોકોને રૂપિયા 2500થી લઈને 3,000 માં વેચતો હતો. હાલ તો આ સમગ્ર મામલે પીસીબી પોલીસે ત્રણેયના રિમાન્ડ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે