ન ઘરના ન ઘાટના : આ દિગ્ગજો સત્તા માટે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા, ને હવે ક્યાંયના ન રહ્યાં

Gujarat Elections 2022 : સત્તા બુરી બલા હૈ.. ચૂંટણી આવે એટલે દરેકને ટિકિટના અભરખા હોય છે, પરંતુ આ અભરખા સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને હાથ કંઈ ન આવ્યું

ન ઘરના ન ઘાટના : આ દિગ્ગજો સત્તા માટે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા, ને હવે ક્યાંયના ન રહ્યાં

Gujarat Elections 2022 અમદાવાદ : રાજકારણમાં સત્તા માટે પક્ષપલટો કરવાની નવાઈ નથી. દરેક વખતે ચૂંટણી પહેલાં નમતાં પલડે બેસવાની રાજકીય પક્ષોને ટેવ હોય છે. તેમાં ક્યારેક લાંબા ગાળાની ગણતરી હોય કે ક્યારેક અગાઉથી જ ટીકિટ માટે વચન મેળવી લીધેલું હોય. પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાં કેટલાંક મોટા ગજાના નેતાઓને એવી પછડાટ મળી છે કે ભાજપમાં આવવાનો તેમનો હેતુ સર્યો નથી અને હવે કોંગ્રેસમાં પાછા જઈ શકે તેમ નથી. 

ધર્મેન્દ્રસિંહ જાડેજા
હકુભા તરીકે જાણીતા આ ક્ષત્રિય નેતા પોતાના બળબૂતા પર બે વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. ત્યારબાદ ભાજપમાં જોડાઈને ભાજપની ટીકિટ પર પણ જીત્યા હતા. ભાજપમાં જોડાવાની શરત હોય કે ગમે તે કારણ હોય, તેમને તરત કેબિનેટ મંત્રી બનાવી દેવાયા, પણ હકુભા તેમાં બરાબર સેટ થાય એ પહેલાં તો આખું રૂપાણી પ્રધાનમંડળ જ ઘરભેગું થઈ ગયું અને હકુભાનું મંત્રીપદ ગયું. આ વખતે તેમની ઉમેદવારી નિશ્ચિત મનાતી હતી પરંતુ અચાનક ચૂંટણી ટાણે જ સ્થાનિક સ્તરે તેમનો વિરોધ થવા લાગ્યો. મારામારીના જૂના કેસમાં હાઈકોર્ટનું નડતર પણ ઊભું થઈ ગયું અને હકુભાની ટીકિટ કપાઈ ગઈ. તેમનાં સ્થાને સેલિબ્રિટી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટીકિટ મળી ગઈ છે. હવે નાછૂટકે હકુભાએ ભવિષ્યની આશાએ રિવાબાના પ્રચારમાં જોડાવું પડે છે. 

બ્રિજેશ મેરજા 
મોરબીના આ ધારાસભ્ય કોંગ્રેસની ટીકિટ પર જીતીને પછી લાગ જોઈ ભાજપમાં જોડાયા અને મંત્રી પણ બની ગયા હતા. ઉચ્ચ સરકારી અધિકારીમાંથી નેતા બનેલાં મેરજા બીજી વખત ધારાસભ્ય બનીને વધુ મોટું મંત્રાલય મેળવવાના ખ્વાબ જોઈ રહ્યા હતા પરંતુ તેમનાં સત્તાના ખ્વાબ પર મોરબીનો પુલ તૂટ્યો અને મેરજાની ટીકિટ કપાઈ ગઈ છે. હવે મોરબીમાં તેમના કટ્ટર હરીફ કાંતિ અમૃતિયા ઉમેદવારી કરી રહ્યા છે. જો અમૃતિયા આ બેઠક પરથી જીતી જાય તો મેરજાના રાજકીય ભાવિ પર બહુ મોટો પ્રશ્નાર્થ મૂકાઈ શકે છે. 

પરશોતમ સાબરિયા 
ધ્રાંગધ્રા હળવદ બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય સાબરિયાએ પણ રાજ્યસભાની ચૂંટણી ટાણે વખત પારખીને પક્ષપલટો કરી લીધો હતો. જોકે સાબરિયાને મંત્રીમંડળમાં સ્થાન તો ન જ મળ્યું, તેમની ટીકિટ પણ કપાઈ ગઈ છે. તેમની દાવેદારી પણ ભાજપના નિરીક્ષકોએ ધ્યાને લીધી ન હતી. એ જોતાં સાબરિયા માટે પણ હવે કોંગ્રેસમાં પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. સિવાય કે તેઓ હવે નિવૃત્તિ લઈ લે. 

જયરાજસિંહ પરમાર 
કોંગ્રેસના આ વાચાળ, બુદ્ધિશાળી અને આક્રમક પ્રવક્તાએ ભાજપમાં જોડાઈને સૌને આંચકો આપ્યો હતો. ભાજપના સૌથી વધુ કડક ટીકાકાર તરીકે ટીવી ડીબેટ ગજાવતા આ ક્ષત્રિય નેતા ભાજપમાં જોડાયા તેનું કારણ કોઈને સમજાતું ન હતું. ત્યારે એવી ધારણા મૂકાતી હતી કે ખેરાલુ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારીની ખાતરી મળવાથી તેઓ ભાજપમાં જોડાયા છે. હવે જ્યારે તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે ત્યારે જયરાજસિંહ પરમારને પણ નિરાશા જ હાથ લાગી છે. ખેરાલુ બેઠક પર તેમની દાવેદારીનો ભાજપના નિરીક્ષકો કે પાર્લામેન્ટરી બોર્ડે કોઈ ચર્ચાને પાત્ર સુદ્ધાં ગણી નથી અને ખારિજ કરી દીધી છે. હવે ટીવી પર ગરજતો કોંગ્રેસનો સાવજ ભાજપના પાંજરે પૂરાઈ રહેશે કે શું કરશે એ જોવું રહ્યું. 

વરુણ પટેલ 
પાટીદાર અનામત આંદોલન વખતે સભાઓ ગજવનારા વરુણ પટેલ પાસ છોડીને ભાજપમાં જોડાયેલા સૌ પ્રથમ નેતા હતા. ગત ચૂંટણીમાં તેમને ભાજપે પ્રવક્તા બનાવ્યા પછી બહુ ઝડપથી હોદ્દા વગરના કરી દીધા અને પાંચ વરસ સુધી અકારણ કેસરી ખેસ પહેરી રાખતાં વરુણ પટેલે આ ચૂંટણીમાં વિરમગામ બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી. પોતાને ટીકિટ મળે એ માટે ખાસ દિલ્હી જઈને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલકાતા પણ કરી હતી. પરંતુ તેમની દાવેદારીને જરાય વજન આપ્યા વગર ભાજપે તેમના જ એક સમયના સાથીદાર હાર્દિક પટેલને વિરમગામથી ઉમેદવાર બનાવી દીધા છે. વરુણ પટેલ માટે પણ હવે રાજકારણની દિશાઓ ધૂંધળી બની ચૂકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news