ગામલોકોની મહેનત રંગ લાવી, જ્યાં એક સમયે સૂકા ઉડતાં હતા ત્યાં આજે છે હરિયાળી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું અંદાજે 6 હજાર જેટલી વસ્તી ધરાવતું વેડંચા ગામ જ્યાં 4 વર્ષ પહેલાં ગામમાં પીવાના પાણીની ખૂબ જ વિકટ સમસ્યા હતી. ભૂગર્ભ જળના તળ ખૂબ જ ઉંડા ગયા હોવાથી પાણીના બોર માટે લગાવેલી મોટર પણ વારંવાર બળી જતી હતી.

ગામલોકોની મહેનત રંગ લાવી, જ્યાં એક સમયે સૂકા ઉડતાં હતા ત્યાં આજે છે હરિયાળી

અલ્કેશ રાવ/ પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું અંદાજે 6 હજાર જેટલી વસ્તી ધરાવતું વેડંચા ગામ જ્યાં 4 વર્ષ પહેલાં ગામમાં પીવાના પાણીની ખૂબ જ વિકટ સમસ્યા હતી. ભૂગર્ભ જળના તળ ખૂબ જ ઉંડા ગયા હોવાથી પાણીના બોર માટે લગાવેલી મોટર પણ વારંવાર બળી જતી હતી. જ્યાં ખૂબ જ મુશ્કિલથી ચાર દિવસે એક વાર ગામમાં પાણી આવતું હતું. અને એક વાર પાણી આવે ત્યારે લોકો વધુ પાણી ખેંચવા માટે પોતાના ઘરે મોટરો લગાવતા હતા. જેના કારણે લોકોને વિજબીલ પણ વધુ આવતું હતું પૂરતું પાણી ન આવતા લોકોને દૂર દૂર સુધી પાણી લેવા જવું પડતું હતું. 

આ સમસ્યાના કારણે લોકો હેરાન પરેશાન હતા ત્યારે ગામના લોકોએ સાથે મળીને આ સમસ્યાનો અંત લાવવાનું વિચાર્યું અને સરકારની પાણી પુરવઠા વિભાગના વાસમો પ્રોજેકટ હેઠળ લાભ લેવાનું વિચાર્યું. જેમાં 10 ટકા ગામ લોકોએ ભરવાના હોવાથી ગ્રામજનોએ ધર દીઠ 500 રૂપિયા ઉઘરાવીને ગામની પાણી સમિતિએ 3.78 લાખ વાસમોને ચૂકવ્યા. જેથી વાસમો દ્વારા ગામમાં 38.69 લાખના ખર્ચે 15 હજાર મીટર પાઇપ લાઈન ,પમ્પ રૂમ, અને પંપિંગ મશીનરી લગાવી અને ગામમાં પંપિંગ દ્વારા દરેક ઘરને પાણી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું. 

ત્યાર બાદ ગામમાં પાણીની તકલીફ બિલકુલ દૂર થઈ ગઈ છે. ગામના દરેક વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું થઈ ગયું. જ્યાં પહેલા 4 દિવસે એક વાર એક કલાક પાણી મળતું હતું ત્યાં હોવી રોજના 4 કલાક પાણી આપવામાં આવી રહ્યું છે. જોકે ગામમાં આ પંપિંગ પાઇપ લગાવ્યા પછી ગામના બોરનું વિજબીલ નહિવત આવે છે. તેમ જ જે લોકો પોતાના ઘરે પાણી માટે મોટરો લગાવતા હતા તે પણ બંધ થતાં તેમને વિજબીલમાં પણ ખાસી રાહત થઈ ગઈ છે. 

વેડંચા ગામમાં પાણીની સમસ્યાનો અંત આવતા લોકોએ પીવાના પાણી માટે પડતી તકલીફોનો કાયમી અંત આવ્યો છે. ગામ લોકોએ પોતાના ગામના પાણીના ઊંડા ગયેલા ભૂગર્ભ જળના તળ પણ ચોમાસામાં વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે ગામમાં 2 મોટા શોષ કુવા બનાવીને મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને ઊંચા લાવ્યા છે. ગામમાં સિંચાઈનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે વેડંચા ગામમાં પાણી માટે કરેલા સફળ આયોજનના કારણે આ ગામને વાસમો તરફથી જિલ્લામાં પ્રથમ શ્રેષ્ઠ પાણી સમિતિનો એવોર્ડ મળ્યો છે. તેમજ આ ગામની મુલાકાત બનાસકાંઠા, પાટણ,મહેસાણા અને સાબરકાંઠાના 100 જેટલા ગામોની પાણી સમિતિ એ લીધી અને પાણી માટેના સફળ આયોજનની પ્રશંશા કરી છે.

પૂર્વ સરપંચ અશોકભાઇ ફાંસીએ જણાવ્યું હતું કે વેડંચા ગામના લોકને વર્ષો સુધી પીવાના પાણીની વિકટ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે ગામમાં પાણીનો પ્રશ્ન કાયમી માટે હલ થતાં ખાસ કરીને મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું નથી આ પંપિંગ લાઈનના કારણે ગામના ઉંચામાં ઊંચા અને છેવાડા ના વિસ્તારમાં પણ આસાનીથી પૂરતા પ્રમાણમાં પાણી આવી રહ્યું છે.

વેડંચા ગામની પાણી સમિતિના સભ્ય રશિદાબેને જણાવ્યું હતું કે અમારા ગામની પાણી સમિતિમાં માહિલાઓ જ છે અમે પાણીની કોઈ પણ સમસ્યા હોય તો અમે ભેગા મળીને તેનું નિરાકરણ લાવીએ છીએ. બનાસકાંઠામાં પાણી માટેનું સફળ આયોજન કરીને વેડંચા ગામેં એક ઉત્તમ પ્રકારનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેના થકી ગામ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી તો મળે જ છે પરંતુ સાથે સાથે મોટા પ્રમાણમાં વિજબીલમાં પણ બચત થઈ રહી છે ગામના ભૂગર્ભ જળના તળ પણ ઊંચા આવ્યા છે જેના પરથી સાબિત થાય છે ગ્રામજનો ધારે તો પોતાના ગામની દરેક સમસ્યાનો અંત લાવી પોતાના ગામને સમૃદ્ધ ગામ બનાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news