Chaitra Navratri 2021: માતા રાનીને કરવા છે પ્રસન્ન તો ચૈત્ર નવરાત્રિમાં જરૂર કરો આ કામ
નવરાત્રિ એટલે નવ અને રાત્રિ. જેનો અર્થ થાય છે નવ રાત. નવરાત્રિ પર્વ ભારતના અનેક રાજ્યોમાં ઉજવવામાં આવે છે. આ તહેવારમાં અનેક લોકો નવ દિવસ સુધી ઉપવાસ રાખીને માતાની આરાધના કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના નવ રૂપની પૂજા કરવામાં આવે છે.
Trending Photos
જયેશ જોશી, અમદાવાદઃ ચૈત્ર અને શારદીય નવરાત્રિ આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. અને તેનું સમાપન 21 એપ્રિલે થશે. નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી ચારેબાજુ ભક્તિમય વાતાવરણ રહે છે. ત્યારે જાણીએ કે જ્યોતિષ અનુસાર આ નવ દિવસમાં કઈ વસ્તુનું પાલન કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે.
નવરાત્રિ એટલે નવ અને રાત્રિ. જેનો અર્થ થાય છે નવ રાત. નવરાત્રિ પર્વ ભારતના અનેક રાજ્યોમાં ઉજવવામાં આવે છે. આ તહેવારમાં અનેક લોકો નવ દિવસ સુધી ઉપવાસ રાખીને માતાની આરાધના કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના નવ રૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં વાતાવરણ ભક્તિમય રહે છે. ભક્તો વિવિધ રીતે માતા દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. નવરાત્રિની શરૂઆત કલશ સ્થાપના કે ઘટ સ્થાપનાથી થાય છે. કલશ સ્થાપનાના શુભ મુહૂર્તથી લઈને તેની સંપૂર્ણ વિધિ અને તેના નિયમની જાણકારી મેળવીશું. સાથે જ જાણીશું કે નવરાત્રિ પર્વનું શું મહત્વ છે.
નવરાત્રિ વ્રતનું મહત્વ:
નવરાત્રિ વ્રતનું પારણું કન્યાઓને ભોજન કરાવીને કરાવવામાં આવે છે. અનેક લોકો નવરાત્રિના આઠમા દિવસે કન્યાઓનું પૂજન કરીને પોતાનું વ્રત ખોલે છે. જેને અષ્ટમી પણ કહેવામાં આવે છે. કેટલાંક લોકો નવ દિવસના ઉપવાસ કરીને દસમા દિવસે વ્રતનું પારણું કરે છે. નવરાત્રિના દસમા દિવસને વિજયા દશમીના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો.
13 એપ્રિલ નવરાત્રિનો પહેલો દિવસ:
આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. માતા શૈલપુત્રી હિમાલય રાજની પુત્રી છે. માતાના આ સ્વરૂપની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે છે.
14 એપ્રિલ નવરાત્રિનો બીજો દિવસ:
આ દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે. એવી માન્યતા છે કે જ્યારે માતા પાર્વતી કુંવારા હતા ત્યારે તેમનું બ્રહ્મચારિણી રૂપ જાણીતું બન્યું હતું. માતા બ્રહ્મચારિણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ.
15 એપ્રિલ નવરાત્રિનો ત્રીજો દિવસ:
આ દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ ચંદ્રઘંટા પડ્યું હતું. શિવના મસ્તક પર અર્ધ ચંદ્ર આ વાતનો સાક્ષી છે. આ દિવસે ભૂરા રંગના કપડાં પહેરી શકાય.
16 એપ્રિલ નવરાત્રિનો ચોથો દિવસ:
આ દિવસ માતા કુષ્માન્ડાની પૂજાનું વિધાન છે. શાસ્ત્રોમાં માતાના આ સ્વરૂપનું વર્ણન કંઈક એ પ્રમાણે કરવામાં આવે છે કે માતા કુષ્માન્ડા સિંહની સવારી કરે છે. અને તેમની આઠ ભુજાઓ છે. માતાના આ રૂપના કારણે પૃથ્વી પર હરિયાળી છે. માતા કુષ્માન્ડાને નારંગી રંગ પસંદ છે.
17 એપ્રિલ નવરાત્રિનો પાંચમો દિવસ:
આ દિવસે માતા સ્કંદમાતાની પૂજા થાય છે. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. આથી સ્કંદ માતા હોવાના કારણે માતાનું આ નામ પડ્યું છે. માતાના આ સ્વરૂપમાં ચાર ભુજાઓ છે. માતા પોતાના પુત્રને લઈને સિંહની સવારી કરે છે. આ દિવસે સફેદ રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. આ દિવસે લાલ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે.
18 એપ્રિલ નવરાત્રિનો છઠ્ઠો દિવસ:
આ દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ છે. જે સાહસનું પ્રતીક છે. માતા સિંહ પર સવાર હોય છે અને તેમની ચાર ભુજાઓ છે. આ દિવસે નીલો રંગ શુભ મનાય છે.
19 એપ્રિલ નવરાત્રિનો સાતમો દિવસ:
આ દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ માતાનું ઉગ્ર સ્વરૂપ છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુંભ-નિશુંભ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યારે તેમનો રંગ અશ્વેત થઈ ગયો હતો. આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરી શકાય.
20 એપ્રિલ નવરાત્રિનો આઠમો દિવસ:
આ દિવસે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે. આ દિવસે અષ્ટમી પણ ઉજવવામાં આવશે.
21 એપ્રિલ નવરાત્રિનો નવમો દિવસ:
આ દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈ માતાના આ રૂપની આરાધના કરે છે કે તેને બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળના ફૂળ પર બિરાજમાન છે. આ દિવસે રીંગણી રંગના કપડાં પહેરવા શુભ મનાય છે.
ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના નવ રૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં વાતાવરણ ભક્તિમય રહે છે. ભક્તો વિવિધ રીતે માતા દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. નવરાત્રિની શરૂઆત કલશ સ્થાપના કે ઘટ સ્થાપનાથી થાય છે. કલશ સ્થાપનાના શુભ મુહૂર્તથી લઈને તેની સંપૂર્ણ વિધિ અને તેના નિયમની જાણકારી મેળવીશું.
ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત:
નવરાત્રિનો પહેલો દિવસ મંગળવાર છે. આ દિવસે સૂર્યોદય સવારે 5 કલાક 58 મિનિટ પર થશે. ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત આ સમયે શરૂ થઈ જશે જે 10 કલાક અને 14 મિનિટ સુધી રહેશે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. જે લોકો દ્વિસ્વભાવ લગ્નમાં ઘટ સ્થાપના કરવા ઈચ્છે તો સવારે 4 કલાક 38 મિનિટથી લઈને સવારે 6 કલાક 3 મિનિટ સુધી ઘટ સ્થાપના કરી શકે છે. જોકે માન્યતા અનુસાર સૂર્યોદય પછી જ ઘટ સ્થાપના કરવી જોઈએ.
આવી રીતે કરો તૈયારી:
નવરાત્રિના પહેલા દિવસે લાલ રંગના કપડાંનો પ્રયોગ કરો. પૂજા માટે તૈયારી પહેલાં કરી લો. તેના માટે માટીનું વાસણ, કળશ, નાળિયેર, શુદ્ધ માટી, ગંગાજળ, પિત્તલ કે તાંબાનો કળશ, અત્તર, સોપારી, સિક્કો, અશોક કે કેરીના પાંચ-પાંચ પત્તા, અક્ષત અને ફૂલ-માળા એકઠા કરો. દુર્ગા માતાની પૂજામાં દાભડાનો ઉપયોગ થતો નથી.
આવી રીતે કરો સ્થાપના:
કળશની સ્થાપના ઈશાન ખૂણામાં કરવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. માટીનું વાસણ લઈને તેમાં થોડી માટી નાંખો. હવે તેના પર સાત અનાજ પાથરી દો. એક સાઈડ માટી પાથરીને સાત અનાજ પાથરો. આ પ્રમાણે માટી અને અનાજના ત્રણ ભાગ બનાવો. તેના પર એક નાની માટલી મૂકો. માટલીમાં પાણી, સોપારી અને ઔષધિ મૂકો. સાથે-સાથે ગણેશજીની સ્થાપના પણ કરી લો. ગણેશજીની સ્થાપના હંમેશા કળશની ડાબી બાજુ કરવી જોઈએ. કળશમાં પાણી ભરીને તેમાં સોપારી, અત્તર નાંખીને તેના પર એક નાળિયેર મૂકો. દેવીનું સ્મરણ કરતાં નાળિયેર પર નાડાછડી બાંધો. હવે આ નાળિયેરને લાલ કપડાંમાં લપેટીને માટલીની ઉપર રાખો. યાદ રાખો કે અખંડ દીપક પહેલાં પ્રજ્વલિત કરવાનો છે. તેના માટે ઘીનો દીવો પ્રગટાવો. તેના પછી દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. શક્તિ શિવ વિના પૂજા અધૂરી છે એટલે તેના પછી શિવનું સ્મરણ અવશ્ય કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે