જો આ 3 લોકસભા બેઠકો માટેની પેટાચૂંટણી ભાજપ હાર્યો, તો...........
જે ત્રણ બેઠકો પર પેટાચૂંટણી થવાની છે તે ભાજપના કબ્જામાં હતી. પાર્ટી સામે હવે આ બેઠકો પર ફરીથી કબ્જો જમાવવાનો પડકાર છે.
- ભાજપ પાસે લોકસભામાં પર્યાપ્ત સંખ્યાબળ છે
- ભાજપના પોતાના જ 274 સાંસદો છે
- એટલે કે બહુમતના આંકડા 272થી બે સાંસદો વધારે છે
Trending Photos
નવી દિલ્હી: લોકસભામાં સતત ચોથા દિવસ બુધવારે પણ હોબાળાના કારણે અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ થઈ શક્યો નહીં. જો કે, સરકારે કહ્યું કે તેઓ તેના માટે બિલકુલ તૈયાર છે. અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના થોટા નરસિમ્હન તથા વાઈએસઆર કોંગ્રેસના વાઈ.વી.સુબ્બા રેડ્ડીએ આપ્યો છે. જો કે કેન્દ્રની મોદી સરકારને હાલ તો અવિશ્વાસના પ્રસ્તાવથી કોઈ જોખમ નથી. પાર્ટી પાસે લોકસભામાં પર્યાપ્ત સંખ્યાબળ છે. એકલા ભાજપ પાસે જ 274 સાંસદો છે. એટલે કે બહુમતના આંકડાથી 2 સીટો વધારે છે. પરંતુ જો ભાજપ આગામી 3 લોકસભા પેટાચૂંટણી હારે તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. પાર્ટીના સહયોગી પક્ષો તેમના માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
આ 3 બેઠકો પર થવાની છે લોકસભા પેટાચૂંટણી
બે લોકસભા પેટાચૂંટણી મહારાષ્ટ્રમાં થવાની છે. ભંડારા-ગોંદિયા બેઠક પરથી ભાજપના સાંસદ પાના પટોલે ગત વર્ષ રાજીનામું આપીને કોંગ્રેસમાં જતા રહેતા ત્યાં પેટાચૂંટણી થવાની છે. જ્યારે પાલઘરથી ભાજપના સાંસદ ચિંતામન વાંગાનું આ વર્ષ જાન્યુઆરીમાં મૃત્યું થવાથી બેઠક ખાલી થઈ છે. જો કે આ સીટો માટે પેટાચૂંટણીની હજુ તારીખો નક્કી થઈ નથી. આ ઉપરાંત કૈરાના લોકસભા બેઠક માટે પણ પેટાચૂંટણી થવાની છે. આ જ વર્ષ ફેબ્રુઆરીમાં ભાજપના સાંસદ હુકુમ સિંહના નિધનથી આ બેઠક ખાલી થઈ છે. આ બેઠક પર ભાજપ ફક્ત બે જ વાર 1998 અને 2014માં જીત મેળવી શકી છે.
ભાજપ સામે સાખ બચાવવાનો પડકાર
જે ત્રણ બેઠકો પર પેટાચૂંટણી થવાની છે તે ભાજપના કબ્જામાં હતી. પાર્ટી સામે હવે આ બેઠકો પર ફરીથી કબ્જો જમાવવાનો પડકાર છે. મહારાષ્ટ્રની ભંડારા ગોંડિયા લોકસભા બેઠક પર ભાજપની ટિકિટ પર નાના પટોલેએ 2014માં જીત મેળવી હતી પરંતુ ડિસેમ્બર 2017માં બળવો કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયાં. તેમણે પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. આ બેઠક વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2009માં આ બેઠક પરથી કોંગ્રેસના નેતા પ્રફુલ્લ પટેલ જીતીને લોકસભા પહોંચ્યા હતાં. 2014માં ભાજપની ટિકિટ પર નાના પટોલે જીત્યા હતાં. મહારાષ્ટ્રમાં હાલમાં જ થયેલા ખેડૂત આંદોલન અને વિદ્યાર્થી આંદોલન ભાજપ માટે મુશ્કેલી બન્યા છે. જો કે પાર્ટી ગોરખપુર અને ફૂલપુર ચૂંટણીમાંથી પાઠ ભણીને નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની છે. એ પણ જોવાનું રહેશે કે શિવસેના પોતાનો ઉમેદવાર ઊભો રાખે છે કે નહીં.
કૈરાનામાં પણ સપા-બસપા આવી શકે છે સાથે
ફૂલપુર અને ગોરખપુરની ચૂંટણીમાં મળેલી શાનદાર જીત બાદ વિપક્ષની નજર કૈરાના પર થનારી લોકસભા પેટાચૂંટણી પર છે. સપા-બસપા ગઠબંધન અહીં પણ કમાલ કરી શકે છે. કૈરાના બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પણ સપા-બસપા સાથે આવી શકે છે. આવામાં ભાજપ માટે મોટી પરેશાની થઈ શકે છે. કૈરાનામાં અજિત સિંહની પાર્ટી રાષ્ટ્રીય લોકદળનો પણ પ્રભાવ છે આથી તે પણ તોડજોડમાં સામેલ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે