વૈષ્ણોદેવી જવાનું પ્લાનિંગ છે? જાણો નવરાત્રિમાં પહેલીવાર શ્રદ્ધાળુઓ માટે કરાઈ છે આ વિશેષ વ્યવસ્થા

નવરાત્રિ દરમિયાન વૈષ્ણોદેવીમાં દર્શનાર્થીઓ માટે કાર્ડથી ટ્રેકિંગ, ટટ્ટુ માટે પ્રીપેડ સિસ્ટમ અને ઉપવાસ વાળા દર્શનાર્થીઓ માટે ખાસ પ્રકારના વ્યંજનની વ્યવસ્થા પ્રથમવાર કરવામાં આવી છે.

વૈષ્ણોદેવી જવાનું પ્લાનિંગ છે? જાણો નવરાત્રિમાં પહેલીવાર શ્રદ્ધાળુઓ માટે કરાઈ છે આ વિશેષ વ્યવસ્થા

નવી દિલ્લીઃ આવતીકાલથી નવલી નવરાત્રિ એટલેકે, શક્તિની આરાધનાનો પર્વ શરૂ થઈ રહ્યો છે. માતાજીની આરાધના માટે માઈભક્તો આતુર છે. કોરોનાના કહેરને કારણે છેલ્લાં બે વર્ષથી નવરાત્રિની મજા બગડી હતી. આ વખતે કોરોનાનો પ્રકોપ દૂર થતાં ફરી એકવાર ખેલૈયાઓમાં ગરબાને લઈ થનગનાટ જોવા મળી રહ્યો છે. આ સાથે જ વિવિધ શક્તિધામોમાં જતા માઈભક્તોમાં પણ ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. ત્યારે 2 વર્ષ બાદ નવરાત્રિના 9 દિવસ જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવીના દરબારમાં ભવ્ય ઉત્સવની તૈયારીઓ થઇ રહી છે. આવતી કાલથી શરૂ થતા નવરાત્રિના પર્વમાં કટરાના યોગ આશ્રમ ગ્રાઉન્ડમાં ઉદઘાટન સમારોહ યોજાશે. ત્યાર બાદ શોભાયાત્રા અને ભવ્ય કાર્યક્રમ થશે, જેમાં જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર ભારતના સાંસ્કૃતિક વારસાની ઝલક રજૂ કરાશે.

શ્રદ્ધાળુઓના સ્વાગત માટે ગુફા અને મંદિરને 100 જાતના દેશી-વિદેશી ફૂલો અને ફળોથી સજાવાઇ રહ્યા છે. કટરાથી ભવન સુધીના 12 કિ.મી.ના રસ્તેથી પસાર થતા શ્રદ્ધાળુઓ આ વખતે સજાવટથી આશ્ચર્યચકિત થઇ જશે. ભવન ક્ષેત્રમાં સાજ-શણગાર માટે કેટલાય ટન તાજા અને કૃત્રિમ ફૂલો ઉપયોગમાં લેવાઇ રહ્યા છે. ઘણી હોટલો પહેલાંથી જ બુક થઇ ચૂકી છે. દર્શન માટે ઓનલાઇન બુકિંગ પણ ચાલી રહ્યું છે.

એક અંદાજ મુજબ નવરાત્રિના 9 દિવસમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીમાં માતાજીના દર્શન કરશે. આ વર્ષ 1 જાન્યુઆરીએ નાસભાગમાં 12 શ્રદ્ધાળુના મોત બાદ રાજ્ય સરકારે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિટી કાર્ડ્સ ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરી છે, જેથી કોઇ એક સ્થળે ભીડ વધી જાય તો બીજા શ્રદ્ધાળુઓને દૂર રોકી લેવામાં આવશે.

વૈષ્ણોદેવીમાં પહેલીવાર કરાઈ આવી ખાસ વ્યવસ્થાઃ

ટટ્ટુ માટે પ્રીપેડ સિસ્ટમ:
ટટ્ટુ ભાડે લેવા પ્રીપેડ સિસ્ટમ શરૂ કરાઇ છે. તેના માટે કોઇ એક્સ્ટ્રા ચાર્જ નહીં વસૂલાય. પાછા ફરવાના 13 કિ.મી. લાંબા સર્પાકાર રસ્તા પર ઘણાં સેલ્ફી પોઇન્ટ બનાવાયા છે.

ઉપવાસવાળા માટે વ્યવસ્થા:
અત્યાર સુધી ભોજનમાં 6 વ્યંજન રહેતા હતા. આ વખતે શ્રદ્ધાળુઓના ઉપવાસને ધ્યાનમાં રાખીને 12 વ્યંજનની વ્યવસ્થા હશે. શ્રદ્ધાળુઓએ લાંબો સમય લાઇનમાં ન ઊભા રહેવું પડે તે માટે પ્રસાદના કાઉન્ટર પણ વધારી દેવાયા છે.

દર 50 મીટરે ટ્રેકિંગ સિસ્ટમ:
યાત્રા માર્ગ પર દર 50 મીટરના અંતરે સ્કેનર લગાવાયા છે. તેનાથી શ્રદ્ધાળુઓનું રિયલ ટાઇમ લોકેશન મળશે. સ્કેનરમાં શ્રદ્ધાળુઓની વિગતો સ્ટોર રહેશે. આ વખતે રજિસ્ટ્રેશન પણ સંપૂર્ણપણે ઓનલાઇન થશે.

નવરાત્રિ સ્પેશિયલ ટ્રેન:
IRCTC નવી દિલ્હીથી કટરા માટે 30 સપ્ટે.થી સ્પેશિયલ ટ્રેન દોડાવશે, જેની જર્ની 5 દિવસ અને 4 રાતની રહેશે. રેલવે આ સિવાય પણ દેશભરમાંથી ઘણી ટ્રેનો દોડાવી રહ્યું છે.

દિવ્યાંગો માટે નિ:શુલ્ક બેટરી કાર:
પહેલીવાર દિવ્યાંગ શ્રદ્ધાળુઓને ઘોડાની અને બેટરી કારની સેવા નિ:શુલ્ક પૂરી પડાશે.

ગરબા નાઇટ અને રામલીલા:
આ વખતે પ્રભાત ફેરી, ‘માતા કી કહાની’, પાઠ, ભક્તિગીત સ્પર્ધા અને કુશ્તી સહિત ઘણાં કાર્યક્રમ યોજાશે. પર્યટન વિભાગ રાત્રે ગરબા પણ કરાવશે. કટરામાં રોજ સાંજે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી રામલીલા થશે.

પહાડો પર જાળી લગાવાઇ:
વૈષ્ણોદેવી યાત્રા માર્ગમાં આવતા પહાડો પર જાળી લગાવાઇ છે, જેથી વરસાદ-ભૂસ્ખલનની સ્થિતિમાં શ્રદ્ધાળુઓને તકલીફ નહીં પડે.
 

Trending news