મને 125 કરોડ લોકોના આશીર્વાદ, ભ્રષ્ટાચારીઓ કે પાકિસ્તાનથી ડરતો નથી: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને તામિલનાડુના પ્રવાસે છે. કર્ણાટકના કલબુર્ગીમાં અનેક યોજનાઓના શિલાન્યાસ સાથે જ પીએમ મોદીએ વિપક્ષ ઉપર પણ આકરા પ્રહારો કર્યાં.
Trending Photos
બેંગ્લુરુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને તામિલનાડુના પ્રવાસે છે. કર્ણાટકના કલબુર્ગીમાં અનેક યોજનાઓના શિલાન્યાસ સાથે જ પીએમ મોદીએ વિપક્ષ ઉપર પણ આકરા પ્રહારો કર્યાં. આજે સવારે તેમણે ભારત પેટ્રોલિયમ ડેપો અને બેંગ્લુરુના એસઆઈસી મેડિકલ કોલેજની શરૂઆત કરી. જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે કર્ણાટક માટે 1000 કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ થયો છે. આ સાથે જ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે આખો વિપક્ષ ફક્ત અને ફક્ત મોદીને હટાવવા માટે ભેગો થઈ રહ્યો છે જ્યારે હું આતંકવાદના ખાત્મા માટે કામ કરું છું... દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવામાં લાગ્યો છું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જે ડેપો 2.5 ACREમાં બન્યો હતો તે આજે 56 ACREમાં બનશે. 56નું નામ સાંભળતા જ કોંગ્રેસવાળાની ઊંઘ બગડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને હટાવવાની વિપક્ષ કોશિશ કરી રહ્યો છે. જ્યારે તેઓ આતંકવાદ, ગરીબી અને ભ્રષ્ટાચારને ખતમ કરવાની કોશિશ કરી રહ્યાં છે. અહીં એક રેલીમાં તેમણે કહ્યું કે જે વ્યક્તિને 125 કરોડ લોકોના આશીર્વાદ મળેલા હોય, તેણે કોઈથી ડરવાની શું જરૂર? પછી ભલે તે હિન્દુસ્તાન હોય કે પાકિસ્તાન. ચોર કે બેઈમાન. ભારત અને 125 કરોડ લોકોએ મને આ તાકાત આપી છે. તેમણે આંખ ફેરવીને કહ્યું કે જ્યાં સુધી કેન્દ્રમાં મોદી રહેશે ત્યાં સુધી ચોરોની દુકાન બંધ રહેશે. કલબુર્ગીમાં અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત તેમણે આયુષ્યમાન યોજના સહિત કેન્દ્ર સરકારની અનેક યોજનાઓની જાણકારી પણ આપી. તેમણે વચન આપ્યું કે જ્યાં સુધી તેઓ સત્તામાં છે ત્યાં સુધી ગરીબો અને ખેડૂતો માટે કામ કરતા રહેશે.
તેઓ ભ્રષ્ટાચાર ઈચ્છે છે, હું થવા દઈશ નહીં
પીએમ મોદીએ કહ્યું કે તેઓ ભ્રષ્ટાચાર ઈચ્છે છે. મોદી ક્યારેય તે થવા દેશે નહીં. તેમને ખબર છે કે અત્યારે કેન્દ્રમાં મજબુત સરકાર છે, આથી હવે તેઓ મજબુર સરકાર શોધી રહ્યાં છે. કર્ણાટકની વર્તમાન જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તમે પોતે જ જુઓ. તમારા ત્યાં મજબુર સરકાર છે તો સ્થિતિ શું છે. અહીં સત્તામાં બેઠેલા લોકો ફક્ત ભ્રષ્ટાચારમાં લાગ્યા છે. દરેક જણ એકબીજાની ટાંગ ખેંચે છે.
એવી સરકાર બનાવો જે તમારા માટે કામ કરે
પીએમ મોદીએ કર્ણાટકમાં અપીલ કરતા કહ્યું કે તમે એક ભૂલ કરી નાખી. એક ભૂલથી જુઓ અહીં શું સ્થિતિ છે. હવે તમારી પાસે ભૂલ સુધારવા માટે તક છે. તમે એવી સરકાર બનાવો કે જે તમારા હિતમાં કામ કરે, પોતાના હિતમાં નહીં.
ભ્રષ્ટાચારીઓ બેનકાબ થશે
નકલી નામોથી સરકારી યોજનાઓનો લાભ ઉઠાવનારાના બહાને પીએમ મોદીએ પૂર્વની સરકારો ઉપર પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે પહેલા લગભગ 8 કરોડ ભૂતીયા નામો એવા હતા જે સતત દેશને લૂટી રહ્યાં હતાં. તે તો ફક્ત કાગળ પર નામ હતાં જે વિભિન્ન યોજનામાંથી પૈસા મેળવી રહ્યાં હતાં. મારી સરકાર આવતા જ તે બંધ કરાવી દીધુ. હજુ પણ કેટલાક બચ્યા છે પરંતુ અમારી ખોદાઈ ચાલે છે. તેમણે કહ્યું કે હવે ભ્રષ્ટાચારીઓને તક નથી મળતી એટલે બધા મારા વિરુદ્ધ ઊભા છે. પરંતુ મને ખબર છે કે તમે મારી સાથે છો અને આથી હું કોઈનાથી ડરતો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે