સબરીમાલા મંદિર ભગવાન અયપ્પાનું નિવાસસ્થાન છે, સેક્સ ટૂરિઝમનું સ્થળ નથીઃ ગોપાલક્રિશ્નન

સબરીમાલા મંદિરના મુદ્દે ચાલી રહેલા સંઘર્ષના મુદ્દે પ્રતિક્રિયા આપતા ત્રાવણકોર દેવસ્વમ બોર્ડના પૂર્વ પ્રમુખ પ્રયાર ગોપાલક્રિશ્નને શુક્રવારે જણાવ્યું કે, સમગ્ર પરિસ્થિતિ એક એજન્ડા અંતર્ગત ઊભી કરવામાં આવી છે 

સબરીમાલા મંદિર ભગવાન અયપ્પાનું નિવાસસ્થાન છે, સેક્સ ટૂરિઝમનું સ્થળ નથીઃ ગોપાલક્રિશ્નન

તિરુવનન્તપુરમઃ ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ (TDB)ના પૂર્વ પ્રમુખ પ્રયાર ગોપાલક્રિશ્નને શુક્રવારે આરોપ લગાવતા જણાવ્યું કે, સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશનો વિવાદ એક એજન્ડા અંતર્ગત ઊભો કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, સમગ્ર વિવાદમાં પોલીસ પણ સંડોવાયેલી છે. 

વિરોધમાં કોઈ રાજકીય એન્ગલ હોવાનો ઈનકાર કરતા ગોપાલક્રિશ્નને વધુમાં જણાવ્યું કે, સબરીમાલા મંદિર એ 'સેક્સ ટૂરિઝમ'નું સ્થાન નથી, ભગવાન અયપ્પાનું નિવાસસ્થાન છે. TDBના પ્રમુખ એ. પદ્મકુમારે જણાવ્યું કે, વિરોધનો અંત લાવવા અને સામાન્ય સ્થિતી ઊભી કરવા માટે બોર્ડ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, અમે આ મુદ્દે કોઈ રાજકારણ રમવા માગતા નથી. 

તમામ વયજૂથની મહિલા શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ અંગે જે વિરોધ ચાલી રહ્યો છે, તેનો અંત લાવવા તેમણે જણાવ્યું કે, TDB સુપ્રીમના ચૂકાદા સામે રિવ્યુ પિટીશન કરવા પણ તૈયાર છે. 

સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ વયજૂથની મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવાના ચૂકાદા બાદ જે વિવાદ ઊભો થયો છે તેના સમાધાન માટે અને સર્વસંમતી લાવવા માટે મંદિરના પૂજારીઓ, મંદિરનું સંચાલન કરતા બોર્ડના અધિકારીઓ અને ટીડીબી વચ્ચે બેઠક પણ થઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આવેલા 1,200 મંદિરોનો TDB વહિવટ સંભાળે છે, જેમાં ભગવાન અયપ્પાના મંદિરનો પણ સમાવેશ થાય છે. તેણે મંદિરના સંચાલકો સાથે મુદ્દાનું સમાધાન શોધવા માટે વાટાઘાટો કરી છે. 

ગયા અઠવાડિયે જે બેઠક યોજાઈ હતી તેમાં મંદિરના મૂખ્ય પૂજારી, પંડલમ શાહી પરિવાર, 'અયપ્પા સેવા સમાજમ' અને 'યોગક્ષેમ સભા' સર્વસંમતી સાધવામાં નિષ્ફળ ગયા હતા, કેમ કે એ સમયે TDBએ એવું જણાવ્યું હતું કે, તેઓ ચૂકાદાની પુનઃસમીક્ષા માટેની અરજી કરવા તૈયાર નથી. 

મંગળવારે રીવ્યુ પિટીશન દાખલ કરવાની માગનો TDB દ્વારા ઈનકાર કરવાની સાથે જ શાહી પરિવાર પંડલમના પ્રતિનિધીઓ સભામાંથી ઊભા થઈને ચાલતા થઈ ગયા હતા. 

જોકે, TDBએ જણાવ્યું કે, એ બેઠક 'નિષ્ફળ' રહી ન હતી અને બોર્ડ સમગ્ર મુદ્દાનું સમાધાન શોધવા માગે છે. આથી હવે ફરીથી તમામ હિતધારકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. 

સબરીમાલા મંદિર મલયાલમ મહિના થુલમની 5 દિવસની માસિક પૂજા બાદ 22 ઓક્ટોબરના રોજ ફરીથી બંધ થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news