Parliament Session: હોબાળા વચ્ચે લોકસભા બાદ રાજ્યસભામાં પણ કૃષિ કાયદા પરત લેવા માટેનું બિલ પાસ

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું.

Updated By: Nov 29, 2021, 02:49 PM IST
Parliament Session: હોબાળા વચ્ચે લોકસભા બાદ રાજ્યસભામાં પણ કૃષિ કાયદા પરત લેવા માટેનું બિલ પાસ

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. પહેલા જ દિવસે વિપક્ષનો મોટો હોબાળો જોવા મળ્યો. શરૂ થતાની સાથે જ બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવાની નોબત આવી. જો કે આ બધા વચ્ચે લોકસભામાં આજે નવા કૃષિ કાયદા પરત લેવા માટેનું બિલ રજુ કરવામાં આવ્યું અને હોબાળા વચ્ચે પાસ પણ થઈ ગયું. અત્રે જણાવવાનું કે શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે અમે પણ એ ઈચ્છીએ છીએ કે સંસદમાં સવાલ પણ થાય અને શાંતિ પણ હોય. સરકાર દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છે. 

લોકસભા આવતી કાલ સુધી સ્થગિત
લોકસભાને આવતી કાલ 11 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. 

રાજ્યસભામાં કૃષિ કાયદા પર લેવાનું બિલ રજુ
રાજ્યસભાની કાર્યવાહી 2 વાગે ફરી શરૂ થતા કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદા પરત લેવા માટેનું બિલ ઉપલા ગૃહમાં રજુ કર્યું. જો કે બિલ રજુ થતા જ વિપક્ષનો હોબાળો ફરીથી શરૂ થઈ ગયો. જો કે આ ભારે હોબાળા વચ્ચે કાયદા પરત લેવા માટે રજુ કરાયેલું બિલ ધ્વનિમતથી પસાર થઈ ગયું. આ અગાઉ લોકસભામાં રજુ કરાયું હતું અને ત્યારે પણ ધ્વનિમતથી બિલ પાસ થયું હતું. કૃષિ કાયદા પાછા લેવા માટેનું બિલ પાસ થયા બાદ રાજ્યસભાને અડધા કલાક માટે સ્થગિત કરાઈ છે. 

લોકસભામાં કૃષિ કાયદા પરત લેવા માટેનું બિલ પાસ
લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ નવા કૃષિ કાયદાને પાછા ખેંચવા માટેનું બિલ રજુ કરવામાં આવ્યું. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ બિલ લોકસભામાં રજુ કર્યું. આ સાથે જ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો. જો કે કૃષિ કાયદા પાછા ખેંચવા માટેનું બિલ આ હંગામા વચ્ચે પાસ થઈ ગયું. હોબાળાના કારણે ગૃહ 2 વાગ્યા સુધી સ્થગિત કરાયું છે. 

રાજ્યસભાની કાર્યવાહી પણ કરાઈ સ્થગિત
ઉપલા ગૃહ રાજ્યસભામાં પણ વિપક્ષે હંગામો મચાવતા ગૃહની કાર્યવાહી 12.19 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. 

લોકસભા સ્થગિત
લોકસભામાં કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષે હોબાળો મચાવતા કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. 

20 સાંસદને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજુ કરી શકે છે સરકાર
સરકાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં 20 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજુ કરી શકે છે. જેમણે ચોમાસુ સત્ર દરમિયાન હંગામો કર્યો હતો. સરકારે રાજ્યભાના સભાપતિ એમ વેકૈયા નાયડુને વિપક્ષના સાંસદો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ સાંસદોએ ચોમાસુ સત્ર દરમિયાન ખુબ હોબાળો કર્યો હતો. મંત્રીઓને કામ કરતા રોક્યા હતા અને કેટલાક સાંસદો ટેબલ પર ચડી ગયા હતા. જેમાં કોંગ્રેસના સૈય્યદ નાસિર હુસેન, રિપુન બોરા, પ્રતાપ સિંહ બાજવા, ફૂલોદેવી નેતામ, છાયા વર્મા, અખિલેશ પ્રસાદ સિંહ, દીપેન્દ્ર હૂડ્ડા, અને રાજમણી પટેલ,  ટીએમસીના ડોલા સેન, શાંતા છેત્રી, મૌસમ નૂર, અબીર રંજન બિસ્વાસ, અને અર્પતા ઘોષ, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ, ડાબેરી પક્ષોમાંથી એલમરમ કરીમ અને આપના સંજય સિંહ સામેલ છે. 

બંને ગૃહની કાર્યવાહી શરૂ
11 વાગ્યાના ટકોરે નીચલા ગૃહ લોકસભા અને ઉપલા ગૃહ રાજ્યસભાની શિયાળુ સત્રની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. 

સંસદના શિયાળુ સત્ર પહેલા પીએમ મોદીનું સંબોધન
શિયાળુ સત્રની શરૂઆત પહેલા પીએમ મોદીએ પણ મીડિયાને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે સંસદનું આ સત્ર ખુબ મહત્વપૂર્ણ છે. દેશ આઝાદીનો અમૃત મહોસ્તવ મનાવી રહ્યો છે. હિન્દુસ્તાનમાં ચારેય દિશાઓમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત રચનાત્મક, સકારાત્મક, જનહિત, રાષ્ટ્રહિત માટે, સામાન્ય નાગરિક અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આઝાદીના દીવાનાઓએ જે સપના જોયા હતા તે સપનાને પૂરા કરવા માટે દેશના સામાન્ય નાગરિકો પણ કોઈને કોઈ જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે ઉજ્વળ ભવિષ્ય માટે શુભ સંકેત છે. 

સરકાર દરેક સવાલના જવાબ આપવા તૈયાર-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે બંધારણ દિવસ ઉપર પણ નવા સંકલ્પની સાથે બંધારણની સ્પિરિટને ચરિતાર્થ કરવા માટે દરેકની જવાબદારીના સંબંધમાં સમગ્ર દેશે એક સંકલ્પ લીધો છે. દેશ પણ ઈચ્છશે કે ભારતની સંસદનું આ સત્ર અને આવનારા તમામ સત્ર આઝાદીના દિવાનાઓની ભાવનાઓને અનુકૂળ દેશહિતમાં ચર્ચાઓ કરે. ભવિષ્યમાં સંસદને કેવી રીતે ચલાવી, કેટલું સારું યોગદાન આપ્યું, કેટલું સકારાત્મક કામ થયું, તેના ત્રાજવે તોલવામાં આવે. એવો માપદંડ ન હોવો જોઈએ કે કોણે કેટલું જોર લગાવીને સત્ર રોક્યું. સરકાર દરેક વિષય પર ખુલીને ચર્ચા કરવા માટે તૈયાર છે. અમે પણ એ ઈચ્છીએ છીએ કે સંસદમાં સવાલ પણ થાય અને શાંતિ પણ હોય. સરકાર દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે ગત સત્ર બાદ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પણ દેશે કોરોના રસીના 100 કરોડથી વધુ ડોઝનો આંકડો પાર કરી લીધો અને 150 કરોડ તરફ આગળ વધી રહ્યો છે. નવા વેરિએન્ટની ખબરો પણ આપણને વધુ સતર્ક કરે છે અને સજાગ કરે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે દેશના 80 કરોડ નાગરિકોને આ કોરોનાકાળના સંકટમાં વધુ તકલીફ ન પડે એટલે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા મફત અનાજની યોજના ચાલુ છે. આ યોજનાને માર્ચ 2022 સુધી આગળ વધારવામાં આવી છે. 

સ્પીકર ઓમ બિરલાની ટ્વીટ
સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ટ્વીટ કરીને કહ્યું કે લોકસભાના વિન્ટર સેન્શનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આશા છે કે સત્ર દરમિયાન તમામ પક્ષોનો સક્રિય સહયોગ મળશે. સદન સુચારું અને વ્યવસ્થિત રીતે ચાલશે. માનનીય સદસ્ય અનુશાસન અને શાલીનતા સાથે કાર્યવાહીમાં પોતાની સહભાગિતા નિભાવશે. સામૂહિક પ્રયત્નોથી આપણે સદનની ગરિમામાં વૃદ્ધિ કરીશું. અન્ય એક ટ્વીટમાં કહ્યું કે દેશ સમક્ષ આજે એવા અનેક વિષય છે જેના પર સદનમાં ગંભીર ચર્ચા સંવાદની જરૂરિયાત છે. દેશની જનતા પણ આપણી પાસે આ જ આશા રાખે છે. વિન્ટર સેશન દરમિયાન એ પ્રયત્ન રહેશે કે પ્રત્યેક સભ્યને જનતાની આશાઓ અને અપેક્ષાઓને સદનના માધ્યમથી અભિવ્યક્તિ કરવા માટે પૂરતો સમય અને અવસર ઉપલબ્ધ થાય.

આજે શિયાળુ સત્રનો પહેલો દિવસ
કહેવાય છે કે આજે જ સદનમાં ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવા માટે સરકાર બિલ રજુ કરશે. આવામાં સરકાર જલદી પીએમ મોદી દ્વારા અપાયેલા વચનને પૂરું કરી શકે છે. પરંતુ આ વચન છતાં સદનમાં હોબાળો મચવાનો અંદેશો છે. વિપક્ષી પાર્ટીઓ તરફથી નિર્ણય કરાયો છે કે હવે તેઓ MSP કાયદાને લઈને સરકાર પર દબાણ કરશે. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને પણ સરકાર સામે અવાજ ઉઠાવશે. 

Georgia: યુવતીએ પોતાના જ પ્રાઈવેટ પાર્ટમાં ગોળી મારી દીધી, પોલીસ પહોંચી તો સામે આવી ચોંકાવનારી વાત

વિપક્ષ કયા મુદ્દા પર ઘેરશે?
હવે આ તમામ મુદ્દે રવિવારે થયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ હોબાળો જોવા મળ્યો. બેઠકમાં વિપક્ષે સ્પષ્ટ કરી દીધુ કે તેઓ પોતાની માગણીઓને લઈને મજબૂતાઈથી ઊભા રહેશે. આ અંગે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે અમારી તરફથી સર્વપક્ષીય બેઠકમાં મોંઘવારી, ખેડૂતો અને કોરોના જેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવશે. તમામ પાર્ટીઓએ માગણી કરી છે કે MSP માટે કાયદો બનાવવામાં આવે. આ ઉપરાંત એવી પણ માગણી કરાઈ છે કે કોરોના મૃતકોને ચાર લાખ રૂપિયાની મદદ કરવામાં આવે. 

કોંગ્રેસ નેતાએ એ વાતનો પણ અંદેશો જતાવ્યો કે સરકાર ફરી પાછા ફેરફાર કરીને કૃષિ કાયદા પાછા લાવી શકે છે. આ અંગે તેઓ કહે છે કે સરકારે કૃષિ કાયદા પાછા જરૂર લીધા છે પરંતુ પીએમ મોદી પોતે માને છે કે તેઓ પોતાનો સંદેશો ખેડૂતોને બરાબર સમજાવી શક્યા નહીં. આવામાં બની શકે કે સરકાર થોડા ફેરફાર સાથે આ કાયદા પાછા લાવવાનું કામ કરે. 

Ajab Gajab News: ટોઈલેટ પેપરનો એવી જગ્યાએ કર્યો ઉપયોગ..સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો photo

સરકારની શું છે રણનીતિ?
સર્વપક્ષીય બેઠકમાં કુલ 31 પાર્ટીઓએ ભાગ લીધો હતો. પરંતુ દર વર્ષ આ બેઠકનો ભાગ રહેનાર પીએમ મોદી પોતે આ વખતે બેઠકમાં હાજર રહ્યા નહતા. જેના પર મલ્લિકાર્જૂન ખડગેએ આપત્તિ પણ જતાવી. પરંતુ સરકારના કેટલાક મહત્વપૂર્ણ કામ હોવાના કારણે પીએમ બેઠકમાં આવ્યા નહીં. આ બાજુ કેન્દ્ર તરફથી આશ્વાસન અપાયું છે કે દરેક એવા મુદ્દાની ચર્ચા કરવામાં આવશે જેને ચેરમેન અને સ્પીકરની સ્વિકૃતિ હશે. 

અત્રે જણાવવાનું કે સંસદનું શિયાળુ સત્ર આજથી લઈને 23 ડિસેમ્બર સુધી ચાલવાનું છે. આ દરમિયાન સરકાર દ્વારા કુલ 26 બિલ રજુ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube