વિશ્વકપની સાથે સમાપ્ત થઈ જશે પાંચ દિગ્ગજોનું વનડે કરિયર, જાણો કોણ છે સામેલ
આઈસીસી વનડે વિશ્વકપ 2023માં હવે સેમીફાઈનલનો જંગ શરૂ થવાનો છે. 15 અને 16 નવેમ્બરે ટૂર્નામેન્ટની બે સેમીફાઈનલ રમાશે. ત્યારબાદ 19 નવેમ્બરે ફાઈનલ રમાશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેટલાક ખેલાડીઓ એવા છે જે વિશ્વકપ બાદ વનડે ક્રિકેટ રમતા જોવા મળશે નહીં.
World Cup:
હવે આઈસીસી વિશ્વકપ 2023માં નોકઆઉટ મુકાબલા રમાવાના છે. ત્યારબાદ ઘણા એવા દિગ્ગજ ખેલાડીઓ છે, જે વનડે ક્રિકેટ રમતા જોવા મળશે નહીં.
મોઈન અલી
મોઈન અલી ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર છે. આ વિશ્વકપમાં તે ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. વેસ્ટ ઈન્ડિઝ સામે જાહેર થયેલી વનડે ટીમમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું નથી. વિશ્વકપ દરમિયાન મોઈન અલીએ વનડે ક્રિકેટને અલવિદા કહેવા તરફ ઈશારો કર્યો હતો.
સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટર છે. ઓસ્ટ્રેલિયા પણ સેમીફાઈનલમાં પહોંચી ચૂક્યું છે. સ્મિથ આ વિશ્વકપમાં આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. તેની ઉંમર 34 વર્ષ છે. તેવામાં ટેસ્ટ ક્રિકેટ પર વધુ ધ્યાન આપવા માટે સ્મિથ વનડે ક્રિકેટ છોડી શકે છે.
નવીન ઉલ હક
નવીન ઉલ હક અફઘાનિસ્તાનનો ફાસ્ટ બોલર છે. નવીન ઉલ હકે વિશ્વકપ શરૂ થતાં પહેલા વનડે ક્રિકેટને અલવિદા કહેવાની જાહેરાત કરી દીધી હતી. અફઘાનિસ્તાનની સફર વિશ્વકપમાં સમાપ્ત થઈ ગઈ છે. એટલે કે હવે નવીન ઉલ હક વનડે ક્રિકેટ રમતો જોવા મળશે નહીં.
બેન સ્ટોક્સ
બેન સ્ટોક્સે 2022માં વનડે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી, પરંતુ સ્ટોક્સે વિશ્વકપ રમવા માટે નિવૃત્તિ પાછી ખેંચી હતી. આ ટૂર્નામેન્ટ ઈંગ્લેન્ડ માટે ખાસ રહી નહીં. હવે આગામી સમયમાં બેન સ્ટોક્સ ફરી વનડે ક્રિકેટને અલવિદા કહી શકે છે.
ક્વિંટન ડિ કોક
ક્વિંટન ડિ કોક સાઉથ આફ્રિકાનો દિગ્ગજ બેટર છે. આફ્રિકાની ટીમ સેમીફાઈનલમાં ક્વોલીફાઈ કરી ચૂકી છે. વિશ્વકપ 2023 શરૂ થતાં પહેલા ડિ કોકે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હતી.
Trending Photos