GST Council Meeting: GST કાઉન્સિલની બેઠકમાં શું સસ્તું થયું અને શું થયું મોંઘુ? ખાસ જાણો
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જૈસલમેરમાં જીએસટી કાઉન્સિલની બેઠક થઈ. આ વખતે બેઠકમાં હેલ્થ અને લાઈફ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ પર ટેક્સ ઘટવાની અપેક્ષા હતી. પરંતુ તેના પર નિર્ણય હાલ ટાળવામાં આવ્યો છે. આ અંગે જીઓએમ (GoM) ની બેઠક જાન્યુઆરીમાં ફરીથી થશે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં શું નિર્ણય લેવાયો તે અંગે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે. ટીઓઆઈ મુજબ 50%થી વધુ ફ્લાઈ એશવાળા ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રીટ (AAC) બ્લોક્સને HS કોડ 6815 હેઠળ રાખવામાં આવ્યા છે. ત્યારબાદ તેના પર પહેલાથી ઓછો જીએસટી લાગશે. જે પહેલા 18% હતો પરંતુ તેને હવે ઘટાડીને 12% કરવામાં આવ્યો છે.
નાણામંત્રી સીતારમણની અધ્યક્ષતામાં થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં યૂઝ્ડ કારો (ઈલેક્ટ્રિક વાહનો સહિત) વેચાણ સંલગ્ન લેવડદેવડ પર જીએસટીને 12% થી વધારીને 18% કરવાની મંજૂરી આપવામાં આવી છે.
જીએસટી કાઉન્સિલે નિર્ણય લીધો કે ફોર્ટિફાઈડ ચોખાના દાણા પર એક સમાન 5%ના દરથી ટેક્સ લાગૂ કરવામાં આવશે. પછી ભલે તેનો ઉપયોગ કોઈ પણ હેતુથી કરવામાં આવે.તે પહેલા તેના પર અલગ અલગ ટેક્સ દરો લાગૂ હતા. જેના કારણે સિસ્ટમ થોડી મુશ્કેલ થતી હતી.
રેડી ટુ ઈટ પોપકોર્ન પર લાગતા જીએસટી વિશે કાઉન્સિલ તરફથી સ્પષ્ટ કરાયું કે નમકીનની જેમ મીઠા અને મસાલાવાળા પોપકોર્ન પર પેકેજિંગ વગર વેચવામાં આવે તો 5% જીએસટી લાગશે. આ ઉપરાંત પૂર્વ પેકેજ્ડ અને લેબલવાળા પોપકોર્ન પર 12% જીએસટી ભરવો પડશે.
જો કે કેરેમલ પોપકોર્ન જેવી ખાંડથી લપેટાયેલા વસ્તુને કે જે HS 1704 90 90 કોડ હેઠળ કન્ફેક્શનરી તરીકે કેટેગરાઈઝ્ડ હોય છે તેના પર 18% જીએસટી લાગશે. જીએસટી કાઉન્સિલ તરફથી ઈન્શ્યુરન્સ પ્રીમિયમ પર નિર્ણય હાલ ટાળવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે તેના પર મંત્રીઓના ગ્રુપની આપસી સહમતિ બની શકી નહીં.
Trending Photos