ભારતને વર્લ્ડ કપ અપાવનાર હાર્દિક, અક્ષર, બુમરાહ અને જાડેજા આ 4 ગુજરાતીઓનું શું ગુજરાત કરશે સન્માન?
ઝી બ્યૂરો, અમદાવાદઃ મહારાષ્ટ્રની જેમ આપણે ત્યાં પણ વર્લ્ડ ચેમ્પિયન ટીમના શાનદાર ગુજરાતી ખેલાડીઓ જેવાકે, અમદાવાદના જસપ્રીત બુમરાહ, વડોદરાના હાર્દિક પંડયા, નડિયાદના અક્ષર પટેલ અને જામનગરના રવીન્દ્ર જાડેજાને સહિતના ચાર વિશ્વ વિજેતા ખેલાડીઓને પણ ગુજરાત વિધાનસભામાં વિશેષ સન્માન મળવું જ જોઈએ...એક ગુજરાતી...એક ક્રિકેટ ચાહક તરીકે...દરેકની આ લાગણીનો અવાજ બનીને ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચાડી રહ્યું છે ZEE24કલાક...અમદાવાદના બુમરાહ, વડોદરાના પંડ્યા, નડિયાદના અક્ષર અને જામનગરના જાડેજાનું ગુજરાત ક્યારે કરશે સન્માન? દેશને દુનિયાભરમાં ગૌરવ અપાવનાર આપણાં 4 વર્લ્ડ ચેમ્પિયન ગુજરાતી ખેલાડીઓનું સન્માન કરવામાં ગુજરાત સરકાર શું હજું મૂહુર્ત જોઈ રહી છેકે, પછી ચોઘડિયું જોવા બેઠી છે...એ એક મોટો સવાલ છે...
કોહલી, બુમરાહ કે પંડ્યા નહીં આ 4 ખેલાડીઓને મહારાષ્ટ્ર વિધાનસભામાં અપાશે વિશેષ સન્માનઃ
શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે આ જાણકારી આપી છે. ટીમ ઈન્ડિયામાં 4 ખેલાડીઓ મુંબઈના છે. આ ચારેય મહારાષ્ટ્રના છે. રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને આવતીકાલે સન્માનિત કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વિધાનસભા પરિસરમાં આવશે. તેમનું સન્માન કરવામાં આવશે. પ્રતાપ સરનાયકે જણાવ્યું હતું કે આ વિશ્વ ચેમ્પિયન ખેલાડીઓનું સન્માન કર્યા બાદ અન્ય ખેલાડીઓને પણ પ્રેરણા મળશે. તેમનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે. આ ખેલાડીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે. તેથી, અમે આ ખેલાડીઓને યોગ્ય સન્માન આપવા જઈ રહ્યા છીએ. ટીમ ઈન્ડિયાના વિશ્વ વિજેતા ખેલાડીઓનું મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ સ્વાગત કરવામાં આવશે. મહત્વનું છે કે ધારાસભ્યોએ માંગ કરી હતી કે આ ખેલાડીઓનું વિધાનસભામાં પણ સ્વાગત કરવામાં આવે. રોહિત પવારે પણ માંગ કરી હતી કે એક કાર્યક્રમ યોજવો જોઈએ. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પણ નિર્દેશ આપ્યો કે સરકારે આ અંગે વિચારવું જોઈએ. જે બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ આ વાતની પુષ્ટિ કરી અને ખુલાસો કર્યો કે તેઓ મુંબઈવાસીઓ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, યશસ્વી જયસ્વાલનું સન્માન કરશે. શું ગુજરાત સરકાર પણ ભારતને વિશ્વ વિજેતા બનવામાં સિંહફાળો આપનાર આપણાં ચાર ગુજરાતી ખેલાડીઓનું ગુજરાત વિધાનસભામાં સન્માન કરશે ખરાં? ગુજરાત સરકારે પણ આ ખેલાડીઓનું વિશેષ સન્માન કરવાની જરૂર છે.
મહારાષ્ટ્ર સરકાર રોહિત શર્મા, સૂર્ય કુમાર યાદવ, શિવમ દૂબે અને યશસ્વી જૈસ્વાલ સહિત તેમના ચાર ખેલાડીઓનું સન્માન વિધાનસભામાં કરવાની છે. તો ગુજરાત સરકારે પણ આપણાં ચાર ખેલાડીઓનું સન્માન કરવું જોઈએ. વર્લ્ડ કપ જીતાડવામાં આપણાં ચાર ગુજરાતી ખેલાડીઓનો સિહફાળો છે.
ફાઈનલમાં ચાર ગુજરાતીઓએ રંગ રાખ્યોઃ
રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં આ ગુજરાતીઓએ ફાઈનલ મેચમાં રાખ્યો છે રંગ. જ્યારે ટીમ હારની કગાર પર હતી ત્યારે બુમરાહ, પંડ્યા, અક્ષર અને જાડેજા સહિત આ ચાર ગુજરાતીઓએ જ લગાવી હતી ભારતની નૈયા પાર...176 રનમાંથી 52 રન અને 8માંથી 6 વિકેટ ગુજરાતીના નામે રહ્યાં...
રવિન્દ્ર જાડેજાઃ
રવિન્દ્ર જાડેજાએ આ વર્લ્ડકપમાં ભલે કોઈ મોટી ઈનિંગ ના રમી હોય પણ તેણે છેલ્લે હું છું એવો વિશ્વાસ હંમેશા ટીમને આપી રાખ્યો હતો. તેથી જ સ્પેશિયલાઈઝ બેટ્સમેન શિવમ દૂબે કરતા પણ ઘણી મેચમાં જાડેજાને ટોપ ઓફ ધ ઓર્ડર રાખવામાં આવ્યો. ઘણી મેચમાં દૂબે આઉટ થયો હોય તો પાછળથી જાડેજાએ બાજી સંભાળી એવું પણ બન્યું. બોલિંગ હોય કે ફિલ્ડિંગ આ સીનીયર ગુજરાતી ખેલાડીએ પણ કપ માટે જાન લગાવી દીધી હતી. તેનું પણ સન્માન થવું જોઈએ.
હાર્દિક પંડ્યાઃ
અક્ષર પટેલે બેટિંગમાં કમાલ કરી તો હાર્દિક પંડ્યાએ બોલિંગમાં બૂમ પડાવી દીધી. ભારત માટે કાળ બનીને બેટ લઈને ઉભેલાં ક્લાસેનને હાર્દિક પંડ્યાએ જ પેવેલિયન ભેગો કર્યો. આ વિકેટ હાર્દિકે ના લીધી હોત તો જીત સપનું જ બનીને રહેત. છેલ્લી ઓવરમાં પણ હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરીને ભારતને જીત અપાવી. જો કે બૂમરાહની 4 ઓવર પૂરી થઈ ગઈ હોવાથી હવે સઘળો દારોમદાર બરોડિયન બોય હાર્દિક પંડ્યા પર હતો, કારણ કે છેલ્લી ઓવર માટે બોલ તેમના હાથમાં હતો. છેલ્લી ઓવરમાં દક્ષિણ આફ્રિકાને 16 રન કરવાના હતા. પરંતુ હાર્દિકે રબાડાને આઉટ કરતા ભારતની જીત નિશ્ચિત કરી હતી. કલાસેનની ધુંઆધાર બેટિંગને કારણે ફાઇનલ ભારતના હાથમાંથી લગભગ સરકી ગયો હતો. બરાબર આ જ સમયે હાર્દિક પંડ્યાએ સ્ફોટક બોલિંગ કરી રહેલા કલાસેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 કિંમતી વિકેટ લીધી અને છેલ્લે 5 રન પણ માર્યા.
જસપ્રીત બુમરાહઃ
આખી સિરીઝમાં જ્યારે જ્યારે ટીમ ઈન્ડિયાને જરૂર પડી ત્યારે વિરોધીઓની વિકેટ લેવામાં સૌથી પહેલાં આગળ આવ્યો બુમરાહ. સાઉથ આફ્રિકા જીત તરફ આગળ વઘી રહ્યું હતું ત્યારે જ અમદાવાદી એવો બૂમ બૂમ બુમરાહ ત્રાટક્યો અને તેણે માર્કો યાન્સનની દાંડી ઉડાવીને પેવેલિયન ભેગો કરી ટીમ ઇન્ડિયાનું કમબેક કરાવ્યું હતું. જસપ્રીત બૂમરાહએ પોતાની છેલ્લી ઓવરમાં માત્ર 2 રન આપી એક વિકેટ પણ મેળવી હતી. ઓવરઓલ બૂમરાહે 4 ઓવરમાં 18 જ રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
અક્ષર પટેલઃ
દક્ષિણ આફ્રિકાના મુખમાંથી જીતનો કોળિયો છીનવી લેવામાં સૌથી મોટો કોઈનો હાથ હોય તો એ છે ટીમ ઈન્ડિયાના પ્રોમિનન્ટ ઓલરાઉન્ડર અક્ષર પટેલનો. રોહિત શર્મા, ઋષભ પંત અને સુર્ય કુમાર યાદવ શરૂઆતની ઓવરોમાં જ એટલેકે, પાવર પ્લેમાં આઉટ થઈ ગયા હતા ત્યારે અક્ષરે આવીને બાજી સંભાળી. હાઈક્વાલિટી શોટ્સ રમીને વિરાટ અને ટીમ પરથી પ્રેશર ઓછું કર્યું અને 47 રન કરવા સાથે એક વિકેટ પણ લીધી.
Trending Photos