70 કરોડ બચાવીને ભારતમાં બની બૂલેટ જેવી પહેલી સ્વદેશી ટ્રેન, એન્જિન વગર દોડશે

મેક ઈન ઈન્ડિયા હવે ખરા અર્થમાં સાર્થક સાબિત થઈ રહ્યું છે. એક સમય એવો હતો જ્યારે ભારતીયોને ટેકનોલોજી માટે અમેરિકા, જર્મની, રશિયા, ઈટાલી, જાપાન જેવા દેશો પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે ઘર આંગણે જ પ્રોડક્શનને વેગ મળતા અનેક એવી વસ્તુઓ ભારતમાં બનાવાઈ રહી છે, જેથી કરીને ભવિષ્યમાં ભારત ક્યારેય અન્ય દેશો પર ડિપેન્ડન્ટ ન રહે. આર્મી શસ્ત્ર, ટેકનોલોજી, બૂલેટ ટ્રેન જેવા અનેક મામલે ભારતમાં જ પ્રોડક્શન થઈ રહ્યું છે. ત્યારે બૂલેટ ટ્રેનના દેખાવવાળી ભારતની પહેલી સંપૂર્ણ સ્વદેશી અને સ્વચાલિત ટ્રેન આગામી સપ્તાહથી ભારતના રેલવે ટ્રેક પર દોડવા તૈયાર થઈ ગઈ છે. ટ્રેન-18 નામની આ ટ્રેન વગર એન્જિને દોડશે. જે લોકોમોટિવ સિસ્ટમથી કામ કરશે. આ ટ્રેનની ડિઝાઈથી લઈને બ્રેક સિસ્ટમ માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. 
 

મેક ઈન ઈન્ડિયાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ

1/4
image

આ ટ્રેન મેક ઈન ઈન્ડિયા અંતર્ગતનો સૌથી મહત્વનો પ્રોજેક્ટ હતો. તમિલનાડુની કોચ ફેક્ટરીમાં રેલવે દ્વારા આ એસી ટ્રેન બનાવવામાં આવી છે. ઘર આંગણે આ ટ્રેન બનાવીને ભારતીય રેલવેએ સરકારી તિજોરીના 70 કરોડ રૂપિયા બચાવ્યા છે. કારણ કે, તેનાથી વિદેશી ટેકનોલોજીનો ટ્રાન્સફર ખર્ચ અને સમય બચાવવામાં આવ્યો છે. જો આ ટ્રેન વિદેશમાંથી આયાત કરવામાં આવી હોત તો તેનો ખર્ચ 170 કરોડ થાત. ભારતમાં બનાવાયેલી ટ્રેન-18 માત્ર 100 કરોડના ખર્ચે 18 મહિનાના અંતરમાં બની ગઈ છે. ટ્રેન માટે માત્ર બ્રેકિંગ સિસ્ટમ, ટ્રાન્ફફોર્મર્સ અને સીટ્સ જ વિદેશમાંથી આયાત કરાયા છે. 

ટ્રેનની ખાસિયત

2/4
image

આ ટ્રેનની ખાસિયત એ છે કે, તે કલાકના 160થી 220 કિલોમીટરની સ્પીડે દોડશે. બૂલેટ ટ્રેન જેવી દેખાતી આ ટ્રેન રાજધાની અને શતાબ્દી કરતા પણ તેજ રફ્તારે દોડશે, અને મુસાફરીનો 10થી 15 ટકાનો સમય બચાવશે. સામાન્ય ટ્રેનના મુકાબલે તેની એક્સલેરેશન (સ્પીડ)ની ક્ષમતા 50 ટકાથી વધુ રહેશે. સ્પીડ નિયંત્રણ માટે સ્માર્ટ બ્રેકનો ઉપયોગ કરાયો છે. ટ્રેન સંપૂર્ણ કમ્પ્યૂટરાઈઝ્ડ અને એન્જિન વગર દોડશે. 

બૂલેટ ટ્રેન જેવી સુવિધા

3/4
image

ટ્રેનમાં 16 એસી કોચ અને બે એક્ઝિક્યુટિવ કોચ ફિટ કરાય છે. ટ્રેન તમામ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. ટ્રેનમાં દિવ્યાંગો માટે બે બાથરૂમ અને બેબી કેર માટે વિશેષ સુવિધા છે. ટ્રેનમાં 24 અવર્સ ચાંપતી નજર રાખવા માટે 6 સીસીટીવી કેમેરા લગાવાયા છે. એક્ઝિક્યુટિવ કોચ માટે સ્પેનથી સીટ્સ મંગાવાઈ છે, જે 360 ડિગ્રી ફરી શકે છે. ચાલુ ટ્રેનમાં કોઈ ઈમરજન્સી આવે તો મુસાફરો ડ્રાઈવર સાથે સીધી જ વાત કરી શકશે. જે માટે દરેક ડબ્બામાં ટોક બેક યુનિટ ફીટ કરાયું છે. 

પહેલું ટેસ્ટીંગ

4/4
image

આ ટ્રેનનું પહેલું પરીક્ષણ 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીદે મુરાદાબાદથી બરેલી અને રાજસ્થાનના કોટાથી સવાઈ માધોપુર વચ્ચે કેટલાક સ્ટેશનોમાં કરાશે. હાલ તો તે શતાબ્દી તથા રાજધાનીના રુટ માટે તૈયાર કરાઈ છે. બાદમાં તે દિલ્હી-ભોપાલ, ચેન્નાઈ-બેંગલુરુ અને મુંબઈ-અમદાવાદના રુટ પર નિયમિત દોડાવાશે. જાન્યુઆરી, 2019માં તેને લોન્ચ કરવાની શક્યતા છે. તો હાલ કોચ ફેક્ટરીમાં બીજી ટ્રેનનું પણ કામ ચાલી રહ્યું છે. બીજી ટ્રેન માર્ચ, 2019 સુધી તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.