ભગવાન જગન્નાથના નવા રથની તૈયારીઓ પૂરજોશમાં, બનાવતા પહેલા જગન્નાથ પુરીના રથનો પણ અભ્યાસ કરાયો
Lord Jagganath Rathyatra સપના શર્મા/અમદાવાદ : અમદાવાદમાં આ વર્ષે નીકળનારી રથયાત્રામાં ભગવાન નવા રથ ઉપર બિરાજમાન થઇ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાને તો હજી વાર છે, પંરતું નવા રથ બનાવવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. રથનું મોટાભાગનું સ્ટ્રક્ચર બનીને તૈયાર થઈ ગયું છે. ભગવાન શ્રી જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને લાડકી બહેન શુભદ્રાના રથનું કામકાજ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. આ રથ વલસાડી સાગમાંથી તો રથના પૈડાં સીસમના લાકડામાંથી તૈયાર કરવામાં આવી રહ્યાં છે. રથની ડિઝાઇન માટે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને મહન્ત પુરી જઈ ત્યાંના રથનો પણ અભ્યાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જૂના રથ જીર્ણ થઈ ગયા હોવાથી ભગવાન માટે હવે નવા રથ બનાવવાની જરૂર પડી છે.
Jagannath Yatra 2022
અષાઢી બીજનો પર્વ એટલે ભગવાન જગન્નાથનો દિવસ જ્યારે ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ સાથે નગરચર્યા પર નીકળે છે, ઓડિશાના પુરીમાં આવેલ જગન્નાથ મંદિર વિશ્વવિખ્યાત છે. હિન્દુ ધર્મના પવિત્ર ચારધામ તીર્થમાંથી એક છે જગન્નાથપુરી. જગન્નાથ પુરીમાં ભગવાન વિષ્ણુના અવતારમાં કૃષ્ણ મંદિર આવેલું છે. પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. ભારતમાં પુરીમાં સૌથી મોટી રથયાત્રા નીકળે છે. ત્યારબાદ અમદાવાદની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા કહેવાય છે.
Jagannath Yatra 2023
જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ થાય છે. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા તો અષાઢી બીજના રોજ નીકળે છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા એવી જળયાત્રાને ખૂબ ધામધૂમથી ઊજવાય છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપરયુગમાં દ્વારકાધીશ તેમ જ કળીયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે.
Jagannath Rath Yatra
રથયાત્રામાં મહોત્સવ 10 દિવસનો હોય છે, આ પર્વ શુક્લપક્ષની અગિયારસના દિવસે પૂર્ણ થાય છે. આ દસ દિવસના ગાળામાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે. ત્રણેય રથને ભવ્ય રીતે સજાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથોમાં બેસાડીને ગુંડીચા મંદિર લઈ જવામાં આવે છે. મહિનાઓ પહેલાથી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાય છે.
Lord Jagannath
લોક વાયકા પ્રમાણે દ્વારકામાં ભગવાન કૃષ્ણની રાણીઓ બલરામના માતા રોહિણીને કૃષ્ણ ભગવાનની રાસલીલા કહેવા માટે કહે છે, પહેલા તો માતા રોહિણી માનતા નથી પરંતું રાણીઓની ઘણી વિનંતી બાદ તેઓ માની જાય છે. તે વખતે કૃષ્ણના બહેન સુભદ્રા ત્યા હાજર હતા, ભાઈની રાસલીલા વિશેની વાતચીત બહેન આગળ થાય તેવું રોહિણીને યોગ્ય ન લાગ્યું. તે સમયે રોહિણી સુભદ્રાને બહાર ભગવાન કૃષ્ણ અને બલરામ સાથે નગરચર્યા માટે મોકલી દે છે. ત્રણેય ભાઈ-બહેન જ્યારે નગરચર્યામાં નીકળે છે તે સમયે નારદમુનિ પ્રગટ થાય છે, ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહે સુભદ્રાને એકસાથે જોઈ નારદમુનિ પ્રસન્ન થઈ જાય છે. નારદમુનિ પ્રાર્થના કરે છે કે દર વર્ષે આ રીતે જ ત્રણેયના દર્શન થાય. નારદમુનિની નિર્દોષ પ્રાર્થના ફળી જાય છે અને ત્યારથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે.
એક વર્ગનું એવું માનવું છે કે કૃષ્ણના બહેન સુભદ્રાજી પિયર આવે છે. સુભદ્રા તેમના ભાઈઓ સમક્ષ નગરચર્યા કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, બહેનની ઈચ્છાને માન રાખી ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગર ચર્યા કરવા નીકળે છે. ત્યારબાદથી રથયાત્રાના પર્વ મનાવવામાં આવે છે. અન્ય લોકવાયકા એવી છે કે ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન કૃષ્ણના માસી છે, જે ત્રણેય ભાઈ-બહેનને પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપે છે. ભગવાન શ્રીકૃષ્ણ , ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે માસીનાં ઘરે 10 દિવસ રહેવા માટે જાય છે. કેટલાક લોકોનું માનવું છે કે ભગવાન કૃષ્ણ કંસનો વધ કરીને ભાઈ-બહેન સાથે મથુરામાં પ્રજાને દર્શન આપવા માટે નીકળે છે જેથી રથયાત્રા મનાવવામાં આવે છે.
Trending Photos