નાના કારીગરોએ બનાવેલું વાહન એવુ સુપરસક્સેસ ગયુ કે, હવે તેનાથી અમરેલીના ખેડૂતો કરવા લાગ્યા ખેતી
ચીત્તલ અને આજુબાજુના ગામના કારીગરોએ નાની ખેતીમાં ઉપયોગમાં લેવાય તેવુ એક વાહન બનાવ્યું અને જે ખેતીમાં સુપર સક્સેસ ગયુ. આ વાહનની શોધ થઈ ખેતીમાં બળદના વિકલ્પ તરીકે અને અત્યારે તે બળદના વિકલ્પ તરીકે લોકોએ સ્વીકાર્યો
કેતન બગડા/અમરેલી :આમ તો દરેક ગુજરાતી સનેડા ગીતથી પરિચીત છે. પરંતુ તમે જાણો છો કે સનેડો ખેતીમાં પણ સંકળાયેલો છે. જી...હા...સનેડો એક ખેતીમાં વપરાતુ સૌથી નવીન અને ઉપયોગી કૃષિ ઓજાર કે વાહન છે. ટેમ્પાના ટાયર, મારુતીના ગિયર, બુલેટનુ હેન્ડલ, છકડો રિક્ષાની ડિઝલ ટેન્ક અને અલગ અલગ પાણીના પંપનુ મશીન અને હેન્ડ મેઈડ સનેડો તૈયાર. મોંઘા બાઈકના ભાવમાં મળતો સનેડો નાની ખેતી કરતા લોકો માટે આશીર્વાદરૂપ છે. અમરેલીના ચિત્તલમાં કુલ 50 કારખાનાઓ ધમધમે છે, જે હેન્ડ મેઈડ સનેડા બનાવે છે અને તે ખરીદવા દુરદુરથી લોકો આવે છે.
શું છે સનેડો અને કેવી રીતે બને છે સનેડો
ગુજરાતનુ લોકપ્રિય ગીત ‘લાલ લાલ સનેડો’ છે. ગીત સાંભળી તમામ લોકોના પગ થીરકવા લાગે છે. પરંતુ એક એવો સનેડો છે જેણે ખેતી કામમાંથી બળદની છુટ્ટી કરી નાંખી. બળદનુ આધુનિક ઓપ્શન એટલે સનેડો. સનેડો કોઈ પ્રાણી કે ગીત નહિ, પરંતુ ખેતીમાં ઉપયોગી વાહન છે. જે બુલેટ નથી, ન તો મારુતી વાન છે, નથી ટેમ્પો, નથી ફિયાટ કે નથી છકડો રિક્ષા. પરંતુ આ તમામ વાહનોના મિક્સ ઉપયોગથી સનેડો બને છે.
બળદનો વિકલ્પ બન્યો સનેડો
અમરેલીથી પંદર કિલોમીટર દુર આવેલા ચીત્તલ અને આજુબાજુના ગામના કારીગરોએ નાની ખેતીમાં ઉપયોગમાં લેવાય તેવુ એક વાહન બનાવ્યું અને જે ખેતીમાં સુપર સક્સેસ ગયુ. આ વાહન એટલે સનેડો. સનેડાની શોધ થઈ ખેતીમાં બળદના વિકલ્પ તરીકે અને અત્યારે સનેડો બળદના વિકલ્પ તરીકે લોકોએ સ્વીકારી લીધો.
બળદ પાછળ થતો ખર્ચ બચી જાય છે
સનેડાની ડિમાન્ડ એટલી છે કે ચિત્તલમાં દૂરથી લોકો સનેડો ખરીદવા આવે છે. સનેડો ખેડુતોને એટલે પસંદ છે કે બળદને સાચવવા માટે એક માણસ કાયમી રાખવો પડે છે. અથવા તો સવાર સાંજ તેનુ નીરણ, પાણી સફાઈ વગેરેની ઝંઝટથી છુટકારો થાય. આ ઉપરાંત સારા બળદની જોડી 40 થી 45 હજારમાં મળે છે. જ્યારે થોડા પૈસા વધારે નાંખવાથી સનેડો મળી જાય છે. આ ઉપરાંત સનેડામાં ડીઝલ સીવાઈ કોઈ ખાસ મેન્ટેનેન્સ નથી આવતુ.
સનેડાની કિંમત અંદાજે 1 લાખ 50 હજાર રૂપિયાની આસપાસ હોય છે. સનેડામાં હાઈડ્રોલીક ઓટો સ્ટાર્ટ વગેરે સુવિધા પણ હોય છે. સનેડો ખેતીમાં ખૂબ ઉપયોગી સાબિત થયું છે. સનેડો ધીરે ધીરે સમય સાથે આધુનિક થઈ રહ્યો છે. નવી નવી ટેકનોલોજીનો કારીગરો ઉપયોગ કરી વધુ સારી રીતે ખેતીમાં કામ કરે તેવો સનેડો બનાવી રહ્યાં છે. પહેલા સનેડાને ચાલુ કરવા માટે છકડા રીક્ષાની જેમ દોરડાથી શરૂ કરવો પડતો હતો. પણ હવે દોરડાની સાથે સાથે સેલ્ફ સ્ટાર્ટ સનેડા પણ આવી ગયા છે. હજુ તો આ સનેડા પ્રાથમિક ધોરણે છુટાછવાયા કારીગરો અને નાના કારખાનેદારો બનાવી રહ્યાં છે. પરંતુ કોઈ મોટી કંપની જ્યારે આ ટાઈપના નાના વ્હીકલ બનાવશે, જે ખેતીમાં ઉપયોગી થશે તો તેને પણ સારો પ્રતિસાદ મળશે તે ચોક્કસ છે.
Trending Photos