Photos : ડરને હંફાવી સુરતની ઋષિતાએ બાઈક રેસિંગમાં કાઠું કાઢ્યું
તેજશ મોદી/સુરત :‘ધૂમ... ધૂમ...’ અવાજ આવે એટલે સ્વાભાવિક છે કે આપણે બાઈકની જ વાત કરી રહ્યા હોઈએ. રેસિંગ ટ્રેક પર જ્યારે 100થી વધુની ઝડપે જ્યારે બાઈક ચાલતી હોય છે, રાઈડરની એક નાની ભૂલ તેને ભારે પડે છે, એક સેકન્ડથી પણ ઓછા સમયમાં તેની જીતની આશા પર પાણી ફરી વળે છે. આમ તો આ સ્પોર્ટ્સમાં એક સમયે પુરુષોનો એકાધિકાર હતો, પરતું સમય જતા મહિલાઓએ પણ પોતાનું સાહસ બતાવી સુપર સ્પીડ બાઈક રેસમાં બતાવ્યું છે, પરંતુ બાઈક રેસિંગ સ્પોર્ટ્સમાં ગુજરાતી મહિલાઓ ભાગ લેતી જ નથી. જોકે સુરતની ઋષિતા ભાલાળા ગુજરાતની પહેલી મહિલા બાઈક રાઈડર બની છે.
મૂળ અમરેલી જિલ્લાના શાંતિનગર ગામના વતની ગીરીશભાઈ ભાલાળા વર્ષોથી સુરતમાં વસવાટ કરે છે. તેમની દીકરી ઋષિતાને નાનપણથી જ બાઇક ચલાવવાનો શોખ છે. 19 વર્ષની ઉંમરથી ઋષિતા બાઈક ચલાવી રહી છે. ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યા પછી ઋષિતાએ MBA કર્યું. બાઈક ચલાવાનો શોખ અચાનક પેશન બની ગયું હતું, જેથી તેણે જોબ છોડી વડોદરા ખાતે બાઇક રાઈડની પ્રેક્ટિસ શરૂ કરી. મદ્રાસ મોટર રેસ ટ્રેક (MMRT) ચેન્નાઈમાં દર વર્ષે યોજાતી લેડીઝ મોટરસાઈકલ રેસિંગ ચેમ્પિયનશિપ-2019માં ‘ટીવીએસ વન મેક ચેમ્પિયનશિપ ગર્લ્સ રેસ’ વિશે ઋષિતાને માહિતી મળી. જેથી રેસિંગ માટે તેને એન્ટ્રી ફોર્મ ભર્યું. અહીં કુલ 80 એન્ટ્રી આવી હતી. જેમાંથી 40 રેસરને મુંબઈ તથા 40 રેસરને બેંગ્લુરુ પ્રાથમિક રેસ માટે બોલાવવામાં આવ્યાં હતાં. કુલ 80 એન્ટ્રીમાંથી 40 રેસર ક્વોલિફાય થયાં હતાં. ફાઇનલ ક્વોલિફાય માટે 16 રેસરની પસંદગી કરવામાં આવી હતી, જેમાં પણ ઋષિતાએ 2 મિનિટ અને 30 સેકેન્ડમાં 3.75 કિમી અંતર કાપીને પાંચમાં ક્રમ સાથે ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. 5થી 7 જુલાઈના રોજ ત્રણ દિવસ સુધી ચેન્નઈમાં આવેલા મદ્રાસ મોટર રેસ ટ્રેકમાં ફાઇનલ રેસ યોજાઈ હતી. જેમાં ઋષિતા ભાલાળાએ 6 લેપ્સ ફક્ત 12 મિનિટ અને 26 સેકેન્ડમાં પૂર્ણ કરી પાંચમો ક્રમ પ્રાપ્ત કરી બાઈક રેસિંગ ક્ષેત્રે ગુજરાત તથા સુરતનું નામ રોશન કર્યું હતું.
ઋષિતાનું કહેવું છે કે બાઈક રેસિંગની ગેમ ખૂબ ચેલેન્જ છે, પહેલી વખત કોઈ પણ પ્રકારના બહોળા અનુભવ રેસિંગ ટ્રેક પર બાઈક દોડાવી ત્યારે ખુબ ગભરાટ થયો હતો. બાજુમાં જ્યારે કોઈ બાઈક પસાર થાય છે ત્યારે ધ્યાન ભટકે છે, ગાડી ધ્રુજવા માંડે છે, અને એવામાં એક ખોટો નિર્ણય રેસથી તમને બહાર કાઢી નાખે છે, અથવા તો બાઈક ક્રેશ પણ થઇ જતી હોય છે. જોકે પહેલી રેસના અનુભવ બાદ ઋષિતાએ મેડીટેશન શરુ કર્યું હતું, જેમ જેમ મેડીટેશન વધાર્યું અને પ્રોપર ડાયટ પ્લાન કરવામાં આવ્યું, તો તેનો ફરક બીજી રેસમાં દેખાયો હતો. હવે એક અનુભવી બાઈકરની જેમ બાઈક ચલાવી શકાય છે, બાજુમાંથી જતો રાઈડર કેટલી સ્પીડમાં છે, અને તેને કેવી રીતે રોકી શકાય છે તેનું પ્લાનિંગ કરી શકાય છે. ઋષિતાને ઇન્ટરનેશનલ બાઈક રેસિંગ સ્પર્ધામાં ભાગ લેવો છે અને તેના માટે તે પોતાના માટે સ્પોન્સર શોધી રહી છે.
શા માટે ગુજરાતમાંથી બાઈક રાઈડર ઓછા છે, તે સવાલનો જવાબ ખુબ સરસ ઋષિતાએ આપ્યો હતો. ઋષિતાનું માનવું છે કે આ ગેમને લઇ લોકોમાં અનેક ભ્રમ અને ગેરસમજણ છે. સ્પીડમાં બાઈક ચલાવો તો અકસ્માત જ થાય તેવા પ્રકરણની વાતો લોકોના મગજમાં ઘર કરી ગઈ છે અને તેથી જ લોકો આ ગેમમાં આવતા નથી. પરતું હકીકત એ છે કે રેસિંગ ટ્રેક પર બાઈક ચલાવતા પહેલા તેની યોગ્ય તૈયારી કરવામાં આવે છે. જે ડ્રેસ રેસિંગ માટે પહેરવામાં આવે છે, તે પણ માન્યતા પ્રાપ્ત હોય છે.
ઋષિતા માને છે કે સરકાર તરફથી પણ યોગ્ય પ્રોત્સાહન મળવું જોઈએ, જેથી કરીને મહિલાઓ અન્ય પુરુષો બંને આ ગેમમાં ભાઈ લઇ શકે. બાઈક રેસિંગનું હબ સ્પેન કહેવાય છે, કારણ કે ત્યાં નાની ઉંમરે જ પ્રોપર બાઈક ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી વર્લ્ડ ચેમ્પિયન બની શકાય. જેનું ઉદાહરણ પણ ઋષિતાએ આપ્યું હતું.
બાઈક રેસિંગ વિશએ જ્યારે ઋષિતાએ પોતાના પરિવારને વાત કરી તો સૌથી પહેલા તેની માતાએ ના પાડી દીધી હતી. પરતું ઋષિતાની જીદ આગળ તેમને ઝૂકવું પડ્યું હતું, આ અંગે ઋષિતાની માતા જયશ્રીબેન સાથે વાત કરતા તેઓએ કહ્યું કે, અમે ઋષિતાને ના પાડી હતી, પરતું તેની જિદ હતી કે તેને પોતાનું કરિયર આ ગેમમાં જ બનાવવું છે, જેથી અમે તેને જવા દીધી. આજે ઋષિતાની સિદ્ધિ જોઈ ખુશી થાય છે, તેમનું કહેવું છે કે બાળકોને જે શોખ હોય તેમાં તેમને આગળ વધારવા જોઈએ, જેથી કરીને તેઓ પોતાનું કરિયર બનાવી શકે. જયશ્રીબેન જ્યારે પહેલી વખત ઋષિતાની બાઈકની રેસ જોવા ગયા હતાં ત્યારે ડઘાઈ ગયા હતા. પણ હવે જ્યારે તેમને બાઈક રેસિંગની ગેમ અને તેના વિશે માહિતી મળી છે તો તેઓ ખુશ છે કે તેમની દીકરીએ પરિવાર અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ઋષિતાએ બાઈક રેસિંગમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યું છે, ઋષિતા તેના માટે તમામ પ્રકારની મહેનત પણ કરી રહી છે. તે કહે છે કે, ગુજરાતમાં માત્ર વડોદરામાં જ રેસિંગ ટ્રેક છે, જેથી પ્રેક્ટિસ કરી શકાતી નથી. સાથે જ કોઈ કોચ પણ નથી, જે યોગ્ય ટેકનિક સાથેની ટ્રેનિંગ આપી શકે. અનેક લોકો સ્પોર્ટસમાં પોતાનું કરિયર બનાવવા માંગતા હોય છે, પરંતુ યોગ્ય માર્ગદશન અને સુવિધાઓના સ્પોર્ટ્સ માત્ર શોખ પૂરતો રહી જાય છે. સરકારે આ દિશામાં પણ વિચાર કરવો જોઈએ કે બાઈક, કાર રેસિંગ જેવી ગેમને કઈ રીતે પ્રોત્સાહન આપી શકાય. જેથી, ઋષિતા જેવી પ્રતિભા ગુજરાત અને દેશનું નામ દુનિયામાં રોશન કરી શકે.
Trending Photos