મેડિકલ ઇતિહાસમાં પ્રથમ ઘટના : યુવાનના શરીરમાંથી નીકળી 1628 પથરી, અડધી બોટલ ભરાઈ ગઈ
Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : માનવામાં ન આવે તેવી ઘટના વડોદરામાં બની છે. કોઈ વ્યક્તિને પથરીનો દુખાવો ઉપડે અને તેનું ઓપરેશન કરાયો તો ઓછામાં ઓછી કેટલી પથરી નીકળે. દસ-બાર કે કદાચ પચ્ચીસ. પરંતું વડોદરામાં યુવાનના શરીરમાંથી અધધ 1628 પથરી નીકળવાની ઘટના સામે આવી છે. નવાયાર્ડ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મહંમદ ખલીક પઠાણના શરીરમાંથી 1628 પથરી નીકળી છે. આ પથરી જોઈને ડોક્ટર પણ અચંબામાં મૂકાયા હતા. આખરે કેવી રીતે એક માણસના શરીરમાં આટલી પથરી રહી હશે. લગભગ અડધી બોટલ ભરાય તેટલી આ પથરી હતી.
વડોદરા ના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા નવાયાર્ડમાં રહેતો 35 વર્ષીય મહંમદ ખલીક પઠાણ જે ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેના પિત્તાશયમાંથી 1628 પથરીઓ લેપ્રોસ્કોપીક સર્જરી દ્વારા દુર કરવામાં આવી હતી. ખલિક પઠાણ કે જેમના પિત્તાશયમાં પથરી હોવાનું નિદાન થયુ હતું. લેપ્રોસ્કોપીક સર્જન દ્વારા તેના પિત્તાશયની પથરી લેપ્રોસ્કોપીક સર્જરીથી દુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુરૂવારે યુવાન ઉપર શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જયારે પિત્તાશયમાંથી ૧૬૨૮ ઉપરાંત પથરીઓ દુર કરવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં પથરીઓ દુર તેવો પ્રથમ કિસ્સો મેડિકલ ઇતિહાસમાં જોવા મળ્યો છે. લેપ્રોસ્કોપીક સર્જન ડૉ લલીત મછાર, ડોક્ટર જીતેન્દ્ર મિસ્ત્રી અને એનેસ્થેટીસ ડૉ તુષાર ચોકસીએ આ ઓપરેશનને પાર પાડ્યુ હતું. સાથે જ ૩૦ વર્ષની તબીબી કેરીયર દરમિયાન પણ પિત્તાશયમાં આટલા મોટા પ્રમાણમાં પથરી જોવા મળી હોય તેવો આ પ્રથમ કિસ્સો હોવાનું જણાવ્યું હતું.
તબીબોએ જણાવ્યું કે, પિત્તાશયમાં પથરી થવા પાછળના કારણોમાં ચરબી, માંસાહાર ફાસ્ટફુડનો વધુ પડતો આહાર કારણભુત છે. આ ઉપરાંત ચયાપચયની પ્રક્રિયામાં ઉભા થયેલા અવરોધના કારણે પિત્તાશયમાં પથરી થાય છે.
આ લેપ્રોસ્કોપીક સર્જરી થકી દુર કરાયેલી પથરી ગણવામાં સ્ટાફને ૩ કલાક ઉપરાંતનો સમય લાગ્યો હતો. જયારે લેપ્રોસ્કોપીક સર્જરી કરવામાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલ મોહમ્મદ પઠાન તબિયત સુધારા પર અને તંદુરસ્ત છે. ત્યારે ડોક્ટર લલિત મછારે ખાસ કરીને યુવાનોને શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવા માટે સૂચન કર્યું હતું.
આ પથરી જોઈને તબીબો પણ આશ્ચર્ય પામ્યા હતા. કારણ કે, આ નાના નાના પથરા જેવુ હતું. આ નાની નાની પથરીઓથી કાચની અડધી બોટલ ભરાઈ ગઈ હતી.
પથરીનું ઓપરેશન કરનાર તબીબ
Trending Photos