Photos : સાહસિક સુરતીઓનો જોટો વિશ્વમાં જડે તમે નથી
સુરત એટલે ઉત્સવ...સુરત એટલે ઉત્સાહ...સુરત એટલે રોજ રોજ ઉજાણી... સુરત એટલે ધૂમ કમાણી...સુરત એટલે રોજ ખાણીપીણી... ગુજરાતના કોઈ પણ શહેરની આટઆટલી ઓળખ નહિ હોય, જેટલી એકમાત્ર સુરતની છે. એક લાઈનમાં સુરતીઓની ઓળખ આપીએ તો સુરતી એટલે મોજીલા. કોઈ તહેવાર કે ઘરનો કોઈ પ્રસંગ એવો નહિ હોય જ્યાં સુરતમાં ખાણીપીણીના જલ્સા અને ફરવાનું થતું ન હોય. સુરતીઓનો આગવો ઉત્સાહી મિજાજ જ તેમની ઓળખને વધુ મજબૂત કરે છે. શિક્ષણ, કલા, સંગીત, ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રદાન આપનાર સુરત ત્યારે પણ સોનાની મુરત કહેવાતું હતું, અને આજે પણ. ત્યારે આ રંગીલા શહેરની વિશેષતા પર પ્રકાશ નાખીએ... (તસવીર સાભાર - વીકિપીડિયા)
જાજરમાન ઈતિહાસ
સૂર્યપુત્ર તાપીના કાંઠે વસેલ સુરત શહેરનો ઈતિહાસ ભવ્ય રહ્યો છે. ભવ્ય કરતા પણ સમૃદ્ધ રહ્યો છે. ઈતિહાસના પાનાં પર તેનું નામ સૂર્યપુર હતું, જે બાદમાં સુરત થયું. સોલંકીકાળ દરમિયાન તે મહત્ત્વનું બંદર હતું. ત્યાર પછી મુઘલો, બાદમાં પોર્ટુગીઝો અને અંગ્રેજો માટે પણ આ શહેર મુખ્ય બંદર હતું. આ એ જ સુરત છે, જેની સમૃદ્ધિથી આકર્ષાઈને છત્રપતિ શિવાજીએ ઈ.સ.1600ની આસપાસ તેની લૂંટ કરી હતી. (તસવીર સાભાર - વીકિપીડિયા)
સાહસિક શહેર
સુરત એટલે દક્ષિણ ગુજરાતની મુખ્ય ઓળખ. મનમોજિલો સ્વભાવ એ સુરતની ઓળખ છે. તો તાપી કાંઠે વસેલા સુરતની બીજી મોટી ઓળખ પ્લેગ અને પૂરને કારણે બની. મોટી કુદરતી હોનારતમાંથી બેઠુ થયેલા આ શહેરની સાહસને સલામ છે. બાકી, પ્લેગ જેવા ભયાનક રોગચાળામાં સુરતીઓએ જે સાહસ દાખવ્યું, તે જ્વલ્લે જ બીજું કોઈ શહેર દાખવી શક્યું હોત. 1994માં પ્લેગ સમયે ત્યારના મ્યુનિસિપલ કમિશ્નર સુર્યદેવરા રામચંદ્ર રાવની બાહોશ કામગીરીથી સુરતની ગણના આજે દેશના સૌથી ચોખ્ખા શહેરોમાં થાય છે. 11 ઓગસ્ટ 2006માં પડેલા વરસાદે આખા શહેરને પાણીપાણી કરી દીધું હતું. આ પૂર સુરતના ઇતિહાસનુ સૌથી વિનાશક પૂર હતુ. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનુ નુક્સાન થયુ હતું. પરંતુ તેમ છતાં સુરત ફરીથી પોતાના પગ પર ઉભું થયું. આ જ્યારે જ્યારે આ બે ઘટનાઓની યાદ આવે છે, ત્યારે ત્યારે ગર્વથી સુરતીઓ સમાતા નથી. (તસવીર સાભાર - ફેસબુક)
મિક્સ કલ્ચર
એક સમયે ગુજરાતમાં સુરતીઓ જ હતા, પણ સમય જતા અહીં મિક્સ કલ્ચર જોવા મળ્યું. હીરાના બિઝનેસને કારણે સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓની વણઝાર વધવા લાગી. અને ટેક્સટાઈલ બિઝનેસને કારણે ઉત્તર ભારતીયો રોજગારીની શોધમાં સુરત પહોંચ્યા. આમ ધીરે ધીરે સુરતમાં કોસ્મોપોલિટન કલ્ચર પ્રસરી રહ્યું છે. સુરતનો વરાછા વિસ્તાર મિની સૌરાષ્ટ્ર તરીકે જ ઓળખાય છે. (તસવીર સાભાર - ફેસબુક)
ખાણીપીણી
સુરતના લોકો ખાણીપીણીના શોખીન છે. સુરત માટે કહેવત છે કે “સુરતનું જમણ અને કાશીનું મરણ”. સુરતની વાત આવે સૌથી પહેલા ખાણીપીણી અને બાદમાં વેપાર ધંધાની વાત આવે. સુરતી ક્યારેય ભૂખ્યો ન રહે. સુરતની ખાણીપીણીની ચર્ચા વિશ્વસ્તરે થતી હોય. તેમાં પણ સામે લોચો અને ઘારી જેવી બે અદભૂત વાનગી હોય તો ઉપવાસી પણ તેનો ઉપવાસ છોડી દે તેની ગેરેન્ટી. ઘારીનો ઉદભવ જ સુરતમાં થયો હતો. આસો વદ એકમનો દિવસ એટલે કે ચાંદની પડવાના દિવસે સાંજે સુરતમાં ઘારી ખાવાનો રિવાજ છે. ચાંદની પડવાની સાંજે ઘરના તમામ સભ્યો સાથે બેસીને ઘારી-ભુસુ ખાતા જોવા મળે છે. તો હવે અગાશી, બાગ-બગીચા અને તાપી કિનારે બેસીને ચાંદની પડવો ઉજવવાનો ટ્રેન્ડ બની ગયો છે. સુરતમાં આ ઉપરાંત મોઢામા પાણી લાવી દે તેવી વધુ એક રેસિપી છે રસાવાળા ખમણ. એકવાર સુરતી ઉંધિયું જો દાઢે વળગે તો તેનો સ્વાદ ક્યારેય ન છૂટે. દક્ષિણ ગુજરાતનું માટલા ઊંધિયું બહુ જ ફેમસ છે. આ ઉપરાંત સુરતની ઠંડીમાં પોંક પણ જલ્સાભેર ખવાય છે. સુરત બેકરી આઈટમ્સ માટે પણ ફેમસ છે. જેમાં નાનખટાઈ અને બટર બિસ્કીટ છે. સુરતમાં હવે લારી કલ્ચર મોટાપાયે વિકસી રહ્યું છે. લારી કલ્ચરે સુરતને ઓપન એર હોટલનું સ્વરૂપ આપ્યું હોય તેવું લાગે છે. વિકેન્ડમાં અહીં ખાણીપીણીની લારીઓ પર મેળો જામતો હોય તેવું લાગે છે. (તસવીર સાભાર - ફેસબુક)
ફરવાલાયક સ્થળો
ખાણીપીણી બાદ ફરવા માટે સુરતની મુલાકાત એકવાર ચોક્કસ લેવા જેવી છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ જૂનો કિલ્લો, ગોપી તળાવ, ક્લોક ટાવર, ડચ કબ્રસ્તાન, અંગ્રેજ કબ્રસ્તાન, આર્ય સમાજ મંદિર, ખુદાવંદખાનનો રોજો, હિન્દુ મિલન મંદિર, નેચર પાર્ક તેમજ તાપી કિનારે આવેલ જવાહરલાલ નહેરુ ઉદ્યાન જોવા જેવા છે. આ સિવાય સુરતીઓનું ફેમસ વિકેન્ડ સ્પોટ એટલે ડુમસ અને ઉભરાટનો કિનારો. મોટાભાગના સુરતીઓ રજાના દિવસે અહીં જ જોવા મળતા હોય છે. (તસવીર સાભાર - ફેસબુક)
સુરત અને વેપાર
સુરતમાં વેપાર માટે એટલું કહી શકાય કે, સુરત શરીર છે, તો વેપાર તેનું દિલ છે. આ દિલ વગર સુરત ધબકતું નથી. સુરતના નસેનસમાં બે જ ધંધા દોડ છે. એક હીરા અને બીજો ટેક્સટાઈલ. એક સમયે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું. પરંતુ આજે સુરત ટેક્સટાઈલમાં આગળ નીકળી ગયું છે. ટેક્સટાઈલમાં દેશવિદેશમાં સુરતે પોતાનું નામ ચમકાવી દીધું છે. એક સમયે સુરત માત્ર સાડીઓ માટે ફેમસ હતું, આજે સુરતમાં કાપડની દરેક વસ્તુઓ જથ્થાબંધ ભાવે ખરીદી શકાય છે. તો બીજી તરફ, હીરા ઉદ્યોગમાં સુરતીઓએ કાંઠુ કાઢ્યું છે. વિશ્વમાં મળતા 10માંથી 8 હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં જ થાય છે. હીરા ઉદ્યોગને કારણે બારતને વાર્ષિક નિકાસમાં અંદાજે 10 બિલિયન ડોલરનું બુસ્ટર મલે છે. કોણે ખબર હતી કે, એક સુરતી સાહસિકની મદદથી સુરતમાં શરૂ થયેલ હીરો ઉદ્યોગ આટલી ઊંચાઈએ પહોંચી જશે. એક સુરતીએ ઈસ્ટ આફ્રિકાથી ડાયમંડ કટર લાવીને સુરતમાં હીરા ઉદ્યોગનો પાયો નાંખ્યો હતો. બસ ત્યારથી આફ્રિકાની ખાણમાંથી કાઢેલા ઘસાયા વિનાના હીરા સુરતમાં આવ્યા વિના રહેતા નથી. અહીં ચળકાટ મારતા હીરા તૈયાર થાય, એટલે તે એન્ટવર્પ, બેલ્જિયમ જેવા ઈન્ટરનેશનલ હીરા માર્કેટમાં પહોંચે છે. રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની છે. સુરતની માથાદીઠ આવક રૂ. ૪,૫૭,૦૦૦ છે જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ. ૩,૨૮,૦૦૦ છે. (તસવીર સાભાર - ફેસબુક)
પચરંગી સુરતની એકરંગી રાજનીતિ
દક્ષિણ ગુજરાતનું પાટનગર ગણાતું સુરત સમગ્ર ગુજરાતનું બિઝનેસ પાવર હાઉસ તરીકેનો દરજ્જો પણ ભોગવે છે. મનમોજીલા અને લહેરીલાલા ગણાતા મૂળ સુરતીઓ કરતાં પણ હવે અહીં બહારથી આવી વસેલાં લોકોએ સુરતને ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ મિજાજ બક્ષ્યો છે. ડાયમંડ, જરીઉદ્યોગ, પેકેજિંગ, એપરલ્સ, ડાઈંગ અને પાવરલૂમ બિઝનેસમાં સુરત દેશભરમાં અવ્વલ મનાય છે. આઝાદી પછી ઉત્તરોત્તર વિકાસ પામતું રહેલું સુરત આરંભે કોંગ્રેસનો ગઢ ગણાતું હતું. સાઠ-સિત્તેરના દાયકામાં અહીંની રાજનીતિમાં મૂળ સુરતીઓનો દબદબો હતો. પરંતુ સિત્તેરના દાયકા પછી અહીં ડાયમંડ, જરી અને પાવરલૂમ બિઝનેસમાં ભારે તેજી આવી એ પછી સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતીયોની વસતી ઝડપભેર વધવા લાગી અને એ રીતે સુરત પચરંગી શહેર બનવા લાગ્યું. વસતીનો આ બદલાતો રંગ રાજકીય ઝોક બદલવામાં પણ નિમિત્ત બન્યો. સુરત શહેરની રાજનીતિ સમગ્ર ગુજરાતની માફક ત્રણેક દાયકાઓથી ભાજપતરફી રહી છે. એંશીના દાયકાના આરંભે સૌ પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મેળવ્યા બાદ ભાજપને સૌથી મોટી સફળતા સુરતમાં સાંપડી હતી. સૌરાષ્ટ્રમાં કેશુભાઈ, અમદાવાદમાં શંકરસિંહની માફક દક્ષિણ ગુજરાતમાં ભાજપનો પાયો નાંખવામાં કાશીરામ રાણાનો સિંહફાળો હતો. નેવુના દાયકા સુધી જોકે બહારથી આવેલા સુરતીઓ અને મૂળ સુરતીઓના રાજકીય ઝોકમાં મતભેદ જોવા મળતો હતો. આથી કોંગ્રેસની અહીં હાજરી પ્રમાણમાં નોંધપાત્ર ગણાતી હતી. પરંતુ છેલ્લાં બે દાયકાથી કોંગ્રેસ અહીં નામશેષ થઈ ચૂકી છે અને લોકસભાથી માંડીને જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયત સુધી ભાજપનો દબદબો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ સૌરાષ્ટ્રમાં ભાજપને ભારે મોટો ફટકો પડ્યો ત્યારે સુરત સહિતના દક્ષિણ ગુજરાતે જ ભાજપની લાજ રાખી હતી. (તસવીર સાભાર - ફેસબુક)
Trending Photos