Photos : જંગલી ઈયળોના ત્રાસથી ગુજરાતના આ ગામના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે
કેતન બગડા/અમરેલી :ચોમાસુ આવે એટલે જાતભાતની તકલીફો લઈને આવે. ક્યાંક પાણી ભરાવાની સમસ્યા હોય, તો ક્યાંક બીમારીઓ લાગુ પડે. પણ, અમરેલી જિલ્લાના દલખાણીયા ગામ ચોમાસુ આવતા જ વિચિત્ર પ્રકારની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા છે જંગલી ઈયળ. આ ઈયળો જંગલમાંથી ખેતરો તરફથી ચાલી આવે છે. ઈયળોએ આખા દલખાણીયા ગામને બાનમાં લીધું છે. શેરીઓમાં, દીવાલોમાં અને ઘરમાં જ્યાં જુઓ ત્યાં ઈયળો જ જોવા મળે છે.
આજે ગીર વિસ્તારના ધારી તાલુકામાં આવેલ દલખાણીયા ગામમાં જંગલી ઈયળોનો ત્રાસ માથાના દુખાવા સમાન સમસ્યા બની છે. આ જંગલી ઈયળો ખેતરો તરફથી ગામ તરફ કૂચ કરી રહી છે અને આખા ગામમાં ફેલાઈ ગઈ છે. ક્યાંક દિવાલ ઉપર ચડી રહી છે, તો ક્યાંક ઘરની ઓસરીમાં જોવા મળે છે. આ ઈયળો ગામમાં નાની-મોટી દરેક જગ્યા પર જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં બસ આ ઈયળોનું ઝુંડ નજરે પડે છે. ગામની મહિલાઓ આખો દિવસ સાવરણી વડે ઈયલોને દૂર કરતી જોવા મળે છે, તો પુરુષો દવાનો છંટકાવ કરવાની કામગીરી કરતા રહે છે. પણ ઈયળોનો જથ્થો જાણે ખૂંટતો જ નથી, તે બીજી આવતી રહે છે. છેલ્લા આઠ દિવસથી આ ગામમાં આ સમસ્યાને દૂર કરવા અનેક પ્રયત્નો કરવા છતાં તેનું નિરાકરણ નથી આવ્યું. ત્યારે આવો સાંભળીયે ઈયળોથી ત્રાસી ગયેલા લોકોની વેદના તેમના મુખેથી.
ગામના રહેવાસી કાંતાબેન કહે છે કે, છેલ્લા દસ દિવસથી ઈયળોએ દલખાણીયા અને આસપાસના ગામોને બાનમાં લીધા છે, જેને કારણે લોકોને ઘર છોડી જવા મજબૂર કર્યા છે. આ ગામેથી કેટલાય લોકો ઘરને તાળા મારી દૂર પોતાના સગા સંબંધીને ત્યાં ચાલ્યા ગયા છે. આ બાબતે અમે તંત્રને રજૂઆતો કરી છે. પરંતુ તંત્ર પણ ઈયળોને દૂર કરવામા ક્યાંકને ક્યાંક વામણું પુરવાર થઈ રહ્યું છે. આ જંગલી ઈયળો દલખાણીયા સહિતના આસપાસના ગામડાઓમાં પણ પોતાનું સામ્રાજ્ય જમાવી ચૂકી છે, ત્યારે લોકો ઇચ્છી રહ્યા છે કે આ ઈયળો કાયમી દૂર થાય અને ગ્રામજનો હાશકારો અનુભવે.
ગામના અન્ય એક રહેવાસ યોગેશ સોલંકી કહે છે કે, એક ઈંચથી બે ઇંચ સુધીની નાની અને મોટી સાઇઝની દેખાતી ઈયળોને દૂર કરવા કોઈ પોતાના ઘરની આસપાસ દવાનો છંટકાવ કરે છે, તો કોઈ મકાન સામે આગ લગાડી આડસ કરે છે. તો કોઈ ખેડૂત દવા છાંટવાના પંપથી દવાનો છંટકાવ કરી ઈયળોનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ ત્રાસમાંથી હજુ સુધી લોકો મુક્ત નથી થયા. વાવાઝોડું કે વરસાદ હોય તો ઘરમાં બેસીને સલામતી અનુભવાય. પરંતુ આ ઈયળો તો નથી જમવા દેતી કે નથી સૂવા દેતી. રાત્રે સૂતી વખતે કાનમાં રૂ ભરાવીને સૂવું પડે છે. જાયે તો કહા જાયે જેવી સ્થિતિનું નિર્માણ અહીં દેખાઈ રહ્યું છે. દલખાણીયા ગામે આ અનોખી અને વિચિત્ર સમસ્યા જોવા મળી છે. દલખાણીયા ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે. જેથી આ ઈયળોનો ઉપદ્રવ અહીં વધારે જોવા મળે તે સ્વાભાવિક છે.
Trending Photos