કપિલ દેવ ગોલ્ફમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ, એશિયા પેસિફિક માટે ટીમમાં સામેલ

ભારતને પોતાની આગેવાનીમાં વર્ષ 1983નો વિશ્વકપ અપાવનાર કપિલ દેવે ઓલ ઈન્ડિયા સીનિયર ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનને આધારે આ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાઇ કર્યું છે. 

Updated By: Jul 29, 2018, 05:03 PM IST
 કપિલ દેવ ગોલ્ફમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ, એશિયા પેસિફિક માટે ટીમમાં સામેલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ એકવાર ફરી ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. કપિલ દેવ આ વખતે ક્રિકેટમાં નહીં, પરંતુ ગોલ્ફમાં ભારત માટે રમતા દેખાશે. ક્રિકેટમાંથી 24 વર્ષ પહેલા નિવૃતી લઈ ચુકેલા કપિલ દેવ 2018 એશિયા પેસિફિક સીનિયર ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. 

ભારતને પોતાની આગેવાનીમાં વર્ષ 1983નો વિશ્વકપ અપાવનાર કપિલ દેવે ઓલ ઈન્ડિયા સીનિયર ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનને આધારે આ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાઇ કર્યું છે. ઓલ ઇન્ડિયા સીનિયર ટૂર્નામેન્ટ જુલાઇમાં નોઇડાના જેપી ગ્રીન્સ ગોલ્ફ કોર્ષમાં આયોજીત કરવામાં આપી હતી. 

એશિયા પેસિફિક સીનિયર ગોલ્ફ ટૂર્નામેન્ટ 17થી 19 ઓક્ટોબર સુધી જાપાનના મિયોજોકીમાં ટોમ વોટસન ગોલ્ફ ક્લબમાં રમાશે. ચંડીગઢમાં જન્મેલા 59 વર્ષના કપિલ દેવે 1994માં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ કેરિયરની અંતિમ વનડે રમી હતી. તેમના નામે ટેસ્ટમાં 5248 રન સિવાય 434 વિકેટ નોંધાયેલી છે. હરિયાણાના હરિકેન્સના નામે પ્રખ્યાત કપિલે વનડેમાં 3783 રન બનાવ્યા અને 253 વિકેટ ઝડપી હતી.