IPL 2018: મુંબઈ સામે હાર બાદ કિંગ્સ XI પંજાબને ઝટકો, પ્લેઓફના ફરી બદલાયા સમીકરણ

આઈપીએલ 2018માં બે ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂકી છે. જ્યારે બે સ્થાન હજુ ખાલી છે. આ બે સ્થાન માટે કુલ પાંચ ટીમ રેસમાં છે. 

 IPL 2018: મુંબઈ સામે હાર બાદ કિંગ્સ XI પંજાબને ઝટકો, પ્લેઓફના ફરી બદલાયા સમીકરણ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કમબેક કિંગ ગણાતી મુંબઈ ઈન્ડિયન્સે ફરી એકવાર  તમામને ચોંકાવ્યા છે. કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રમાયેલી મેચમાં માત્ર 3 રને વિજય મેળવીને તેની  પ્લેઓફની આશા જીવંત રાખી છે. બીજી તરફ આ હાર બાદ પંજાબની પ્લેઓફની આશાને ફટકો પડ્યો  છે. મુંબઈની ટીમ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં 12 અંક સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. પંજાબના  પણ 12 પોઈન્ટ છે, પંરતુ નેટ રનરેટના મામલે તે છઠ્ઠા નંબરે પહોંચી ગઈ છે. પ્લેઓફમાં ચેન્નઈ સુપર  કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની જગ્યા પહેલાથી જ નક્કી થઈ ગઈ છે. બાકીના બે સ્થાનો માટે હવે  પાંચ ટીમો દોડમાં છે. આવો જાણીએ હાલ શું છે પ્લેઓફનું સમીકરણ 

કોલકત્તા નાઇટ રાઇડર્સઃ 13 મેચ, 7 જીત, 6 હાર, 14 પોઇન્ટ, નેટ રનરેટ -0.091 
કોલકત્તા અત્યારે 13 મેચમાં 14 અંક સાથે ત્રીજા નંબરે છે. મુંબઈ સામે મળેલા પરાજય બાદ જોરદાર  વાપસી કરતા રાજસ્થાન અને પંજાબને હરાવ્યું. આ સાથે તેનું પ્લેઓફમાં ક્વોલિફાઇ કરવું સરળ થઈ  ગયું છે. આ માટે કોલકત્તાએ અંતિમ મેચમાં ફરજીયાત વિજય મેળવવો પડશે. બાકી રાજસ્થાન કે  પંજાબની હાર પર આશા રાખવી પડશે. રનરેટના મામલામાં કેકેઆર (-0.091), મુંબઈ (+0.384) અને  બેંગલોર (+0.218) કમજોર છે, જે તેના માર્ગમાં મુશ્કેલ બની શકે છે. 

મુંબઈ ઈન્ડિયન્સઃ 13 મેચ, 6 જીત, 7 હાર, 12 પોઇન્ટસ, નેટ રનરેટ +0.384 
મુંબઈ ઈન્ડિયન્સે બુધવારે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ પર જીત મેળવીને તેની પ્લેઓફની આશા  જીવંત રાખી છે. તે હાલમાં ચોથા સ્થાને છે. પરંતુ હજુ પણ તેનો માર્ગ મુશ્કેલ છે. પ્લેઓફમાં ડાયરેક્ટ  પહોંચવા માટે મુંબઈએ તેનો અંતિમ મેચ દિલ્હી સામે ફરજીયાત જીતવો પડશે. હારવા પર પણ નેટ  રનરેટના આધારે ચાન્સ મળી શકે છે. શર્ત તે છે કે, રાજસ્થાન, પંજાબ અને બેંગલોર (અત્યારે 10 અંક  છે) તેના પણ 12 અંક થાય. એટલે કે બેંગલોરને માત્ર એક જીત મળે અને બાકીની ટીમો તેનો અંતિમ  મેચમાં હારી જાય, જે સરળ નથી. 

રાજસ્થાન રોયલ્સઃ 13 મેચ, 6 જીત, 7 હાર, 12 અંક, નેટ રનરેટ -0.403 
ટૂર્નામેન્ટમાં ખરાબ શરૂઆત બાદ જોરદાર વાપસી કરનારી રાજસ્થાન રોયલ્સની ટીમ મુંબઈની જીત  બાદ પાંચમાં સ્થાને આવી ગઈ છે. રાજસ્થાન જો પોતાના અંતિમ મેચમાં બેંગલુરૂને મોટા અંતરથી  હરાવી દે તો તેની જગ્યા બની શકે છે. થઈ શકે કે, તેમ છતા પણ તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ  જાય, કેમ કે, જો મુંબઈ જીતે તો તો તેના 14 અંક થઈ જશે. મુંબઈ (12 અંક રનરેટ +0.384) અને  કેકેઆર (14 અંક, રનરેટ -0.091)ની રનરેટ રાજસ્થાન (-0.403) કરતા સારી છે.

કિંગ્સ ઈલેવન પંજાબઃ 12 મેચ, 6 જીત, 7 હાર, 12 અંક, નેટ રનરેટ -0.490
ક્રિસ ગેલ, લોકેશ રાહુલ, એડ્રયૂ ટાય અને મુજીબ ઉર રહમાનને શરૂઆતમાં જે રીતે કિંગ્સ ઈલેવન  પંજાબને જીત અપાવી હતી, તેનાથી તે પ્લેઓફની સૌથી મજબૂત ટીમ દેખાતી હતી. પરંતુ છેલ્લા 4  મેચમાં મળેલા પરાજય બાદ બાહર થવાના આરે છે. હવે તેના નસીબ પર તેનો આધાર છે, કારણ કે  તેની નેટ રનરેટ ખરાબ છે. તેનો આખરી મેચ ચેન્નઈ વિરુદ્ધ છે, જેમાં જીત મેળવવી સરળ નથી. જો  જીતી પણ જશે તો તેને મુંબઈ, રાજસ્થાન અને બેંગ્લોરના હારવા પર પ્લેઓફમાં પહોંચી શકે છે. 

રોયલ ચેલેજર્સ બેંગલોરઃ 12 મેચ, 5 જીત 7 હાર, 10 પોઇન્ટ, નેટ રનરેટ 0.218
મુંબઈની જેમ બેંગલોર માટે પણ સારી નેટ રનરેટ રાહતની વાત છે. તેણે પણ પોતાની બંન્ને મેચ  (હૈદરાબાદ અને રાજસ્થાન) જીતવી પડશે. એટલું જ નહીં કેકેઆર પોતાનો અંતિમ મેચમાં હારી જાય,  કારણ કે કેકેઆર તેનો અંતિમ મેચ જીતે તો તેના 16 અંક થઈ જશે અને તે ક્વોલિફાઇ કરી લેશે.  તેવામાં પ્લેઓફ માટે એક જગ્યા વધશે. જેનું દાવેદાર બેંગલોર અને મુંબઈ હશે. બે મેચ જીતવા પર  RCBના 14 અંક થઈ જશે અને જો મુંબઈ પણ પોતાનો અંતિમ મેચ જીતી જાય તો તેના પણ 14  અંક થશે. તેવામાં નિર્ણય નેટરનરેટ પર થશે. જેની નેટરનરેટ સારી હશે તે પ્લેઓફમાં પહોંચશે. અત્યારે  મુંબઈની નેટ રનરેટ બેંગલોર કરતા સારી છે અને અંતિમ મેચ જીત્યા બાદ વધુ મજબૂત થશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news