IPL 2019: વોર્નર-બેયરસ્ટોની સદી, નબીની ચાર વિકેટ, હૈદરાબાદે બેંગલુરૂને 118 રનથી હરાવ્યું

ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોની સદી અને મોહમ્મદ નબીની ચાર વિકેટની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 118 રનથી પરાજય આપીને હોમગ્રાઉન્ડમાં સતત બીજો વિજય મેળવ્યો છે. 

IPL 2019: વોર્નર-બેયરસ્ટોની સદી, નબીની ચાર વિકેટ, હૈદરાબાદે બેંગલુરૂને 118 રનથી હરાવ્યું

હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે અહીં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલા આઈપીએલની સિઝન-12ના 11માં મેચમાં હૈદરાબાદે બેંગલોરને 118 રને પરાજય આપીને હોમ ગ્રાઉન્ડમાં સતત બીજો વિજય મેળવ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા હૈદરબાદે ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોની સદીની મદદથી 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલુરૂની ટીમ 19.5 ઓવરમાં 113 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદ તરફથી મોહમ્મદ નબીએ 11 રન આપીને ચાર તથા સંદીપ શર્માએ 19 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બેંગલુરૂના ત્રણ બેટ્સમેનો રનઆઉટ થયા હતા. 

નબીની સામે બેકફુટ પર બેંગલુરૂ
હૈદરાબાદના બોલર મોહમ્મદ નબીએ ટીમને પોતાની પ્રથમ ઓવરમાં સફળતા અપાવી હતી. ઈનિંગની બીજી ઓવરના અંતિમ બોલ પર તેણે પાર્થિવ પટેલને ફુલટોસ બોલ ફેંક્યો જેના પર પટેલે મનીષ પાંડેને કેચ આપી દીધો હતો. તેણે 8 બોલમાં 11 રન બનાવ્યા હતા. 

ત્યારબાદ નબીએ બીજી ઓવરમાં ટીમને બીજી સફળતા અપાવી હતી. તેણે શિમરોન હેટમેયર (9 બોલ પર 9 રન) બનાવીને મોહમ્મદ નબીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ આ ઓવરના ચોથા બોલ પર નબીએ બેંગલુરૂની સૌથી મોટી વિકેટ પોતાના નામે કરી અને એબી ડિવિલિયર્સને પેવેલિયન પરત મોકલી દીધો હતો. એબીએ 1 રન બનાવ્યો હતો. 

ત્યારબાદ સંદીપ શર્માએ વિરાટ કોહલી (3)ને ડેવિડ વોર્નરના હાથે કેચઆઉટ કરાવીને બેંગલુરૂની આશા પર પાણી ફેરવી દીધું હતું. ત્યારબાદ મોઇન અલી (2) રનઆઉટ થયો હતો. શિવમ દુબે (5) નબીનો શિકાર બન્યો હતો. નબીએ 4 ઓવરમાં 11 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. બેંગલુરૂએ 35 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. સાતમી વિકેટ માટે કોલિન ડિ ગ્રાન્ડહોમે  પ્રયાસ રે બર્મન (19) સાથે મળીને 51 રનની ભાગીદારી કરી હતી. બર્મન સંદીપ શર્માનો શિકાર બન્યો હતો. ઉમેશ યાદવ (14) રનઆઉટ થયો હતો. 

બેયરસ્ટો-વોર્નરના તોફાનમાં ઉડ્યા બોલર
હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પૂર્વ ચેમ્પિયનને તેના બંન્ને ઓપનર બેયરસ્ટો અને વોર્નરે પ્રથમ વિકેટ માટે 16.2 ઓવરમાં 185 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. 

આઈપીએલમાં પ્રથમ વિકેટ માટે આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા કોલકત્તા નાઇડરાઇડર્સના ગૌતમ ગંભીર અને ક્રિસ લિને 2017માં ગુજરાત લાયન્સ વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 184 રનની સૌથી મોટી ભાગીદારી કરી હતી. 

આઈપીએલમાં બેંગલુરૂ માટે અત્યાર સુધી સૌથી સફળ બોલર યુજવેન્દ્ર ચહલે બેયરસ્ટોને આઉટ કર્યો હતો. તેણે 56 બોલમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગા સાથે 114 રન ફટકાર્યા હતા. 

આ સિઝનમાં બેયરસ્ટો સદી ફટકારનાર બીજો અને વોર્નર ત્રીજો બોલર બની ગયો છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સના સંજૂ સૈમસને હૈદરાબાદ વિરુદ્ધ અણનમ 102 રન ફટકાર્યા હતા. 

બેયરસ્ટો આઉટ થયા બાદ વિજય શંકર (9) પણ 17.3 ઓવરમાં 202 રનના સ્કોર પર બીજા બેટ્સમેનના રૂપમાં આઉટ થયો હતો. પરંતુ વોર્નરે આક્રમક બેટિંગ કરતા ટીમને બે વિકેટ પર 231 રનના સ્કોર પર પહોંચાડી હતી. વોર્નર 55 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી સદી ફટકારી અણનમ રહ્યો હતો. 

આઈપીએલમાં બેંગલુરૂ વિરુદ્ધ કોપીણ ટીમનો આ બીજો સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા કિંગ્સ ઈલેવન પંજાબે ધર્મશાળામાં 2011માં બેંગલુરૂ વિરુદ્ધ બે વિકેટ પર 232 રન બનાવ્યા હતા. 

વોર્નરની આઈપીએલમાં આ ચોથી સદી છે. તેણે 55 બોલમાં સદી પૂરી કરી હતી. યૂસુફ પઠાણ 6 રન બનાવી અણનમ રહ્યો હતો. 

આઈપીએલમાં આ બીજી ઘટના છે જ્યારે એક ઈનિંગમાં બે બેટ્સમેનોએ સદી ફટકારી છે. આ પહેલા બેંગલુરૂના વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે 2016માં ગુજરાત લાયન્સ વિરુદ્ધ સદી ફટકારી હતી. બેંગલોર તરફથી ચહલને એકમાત્ર સફળતા મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news