વર્લ્ડકપ 2019 AFGvsENG: અફઘાનિસ્તાનને 150 રને હરાવી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું ઈંગ્લેન્ડ 

વર્લ્ડકપ 2019 AFGvsENG: અફઘાનિસ્તાનને 150 રને હરાવી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું ઈંગ્લેન્ડ 

માનચેસ્ટરઃ આઈસીસી વિશ્વકપ-2019ની 24મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 150 રને પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન ઇયોન મોર્ગન (148), જો રૂટ (88), જોની બેયરસ્ટો (90)ની શાનદાર ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 397 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 247 રન બનાવી શકી હતી. આ વિશ્વકપમાં રનના મામલે આ સૌથી મોટો વિજય છે. ઈંગ્લેન્ડની ટીમનો 5 મેચમાં આ ચોથો વિજય છે અને તે 8 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે અફઘાનિસ્તાનનો પાંચમી મેચમાં આ પાંચમો પરાજય છે. 

ઈંગ્લેન્ડે આપેલા પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. નૂર અલી જાદરાન (0)ને ઈનિંગની બીજી ઓવરમાં જોફ્રા આર્ચરે બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ ગુલબદીન નાઇબ (37) અને રહમત શાહ (46)એ બીજી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 52 હતો ત્યારે ગુલબદીન 37 રન બનાવી માર્ક વુડનો શિકાર બન્યો હતો. રહમત શાહ વિશ્વકપમાં પોતાની પ્રથમ અડધી સદી ચુકી ગયો હતો. તેને આદિલ રાશિદે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. રહમતે 74 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. 

હસ્મતુલ્લાહ શાહિદીની અડધી સદી
અફઘાનિસ્તાન તરફથી હસ્મતુલ્લાહ શાહિદીએ એકમાત્ર અડધી સદી ફટકારી હતી. તે 100 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 76 રન બનાવી આઉટ થયો હતો. તો અસગર અફઘાને 48 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 44 રનનું યોગદાન આપ્યું હતું. મોહમ્મદ નબી 9 રન બનાવી આદિલ રાશિદનો શિકાર બન્યો હતો. નઝીબુલ્લાહ જાદરાન (15)ને માર્ક વુડે પેવેલિયન પરત મોકલ્યો હતો. 

મોર્ગને આ વિશ્વકપની સૌથી ઝડપી સદી ફટકારી
ઈંગ્લેન્ડનો વિશ્વ કપના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. તેણે આ વખતે બાંગ્લાદેશ વિરુદ્ધ 386 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે કેપ્ટન ઇયોન મોર્ગને 148 રન ફટકાર્યા હતા. તેણે આ વિશ્વકપની સૌથી ઝડપી સદી પણ ફટકારી છે. મોર્ગને 57માં બોલ પર છગ્ગો ફટકારીને સદી પૂરી કરી હતી. આ વિશ્વકપ ઈતિહાસની ચોથી સૌથી ઝડપી સદી છે. 

વિશ્વકપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારના બેટ્સમેન

બોલ બેટ્સમેન કોની વિરુદ્ધ વર્ષ
50 કેવિન ઓ બ્રાયન ઈંગ્લેન્ડ 2011
51 ગ્લેન મેક્સવેલ શ્રીલંકા 2015
52 એબી ડિવિલિયર્સ વેસ્ટ ઈન્ડિઝ 2015
57 ઇયોન મોર્ગન અફઘાનિસ્તાન 2019
66 મેથ્યૂ હેડન દક્ષિણ આફ્રિકા 2007

મોર્ગનના આ વિશ્વકપમાં સૌથી વધુ 22 છગ્ગા
મોર્ગને પોતાની ઈનિંગમાં 17 સિક્સ ફટકારી હતી. તે એક વનડેમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ, ભારતના રોહિત શર્મા અને આફ્રિકાના એબી ડિવિલિયર્સના 16-16 છગ્ગાનો રેકોર્ડ તોડ્યો હતો. તે આ વિશ્વકપમાં સૌથી વધુ 22 સિક્સ ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચ (14)ને પાછળ છોડ્યો છે. 

વનડેની એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન

બેટ્સમેન સિક્સ કોની વિરુદ્ધ વર્ષ
ઇયોન મોર્ગન 17 અફઘાનિસ્તાન 2019
રોહિત શર્મા 16 ઓસ્ટ્રેલિયા 2013
એબી ડિવિલિયર્સ 16 વેસ્ટ ઈન્ડિઝ 2015
ક્રિસ ગેલ 16 ઝિમ્બાબ્વે 2015
શેન વોટસન 15 બાંગ્લાદેશ 2011

મોર્ગન-રૂટ વચ્ચે 189ની ભાગીદારી
મોર્ગને રૂટની સાથે ત્રીજી વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી હતી. રૂટ 88 રન બનાવી આઉટ થયો હતો. જોની બેયરસ્ટો પણ સદી ચુકી ગયો હતો. તેને 90 રનના સ્કોર પર ગુલબદીન નાઇબે આઉટ કર્યો હતો. બેયરસ્ટોએ 99 બોલની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે બીજી વિકેટ માટે રૂટની સાથે 120 રનની ભાગીદારી કરી હતી. તો પ્રથમ વખત વિશ્વકપમાં રમી રહેલા જેમ્સ વિન્સ 31 બોલ પર 26 રન બનાવી આઉટ થયો હતો. દૌલત જાદરાનના બોલ પર મુઝીબ ઉર રહમાને તેનો કેચ લીધો હતો. 

જોસ બટલર અને બેન સ્ટોક્સ 2-2 રન બનાવી આઉટ થયા હતા. તો મોઇન અલી 9 બોલમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગા સાથે 31 રન બનાવી અણનમ રહ્યો હતો. 

રાશિદ ખાને 9 ઓવરમાં આપ્યા 110 રન
ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાન પર પ્રહાર કર્યાં હતા. રાશિદ ખાને પોતાના 9 ઓવરમાં સ્પેલમાં કોઈપણ વિકેટ ઝડપ્યા વિના 110 રન આપ્યા હતા. આ સાથે રાશિદ ખાન વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. ઓવર ઓલ તે બીજા સ્થાને આવી ગયો છે. 

વનડે ક્રિકેટની એક ઈનિંગમાં એક ટીમ દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સ 

25, ઈંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન, માનચેસ્ટર 2019

24 ઈંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, ગ્રેનડા 2019

23 વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, બ્રિઝટાઉન 2019

22 ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, ક્વીસટાઉન 2015

22 વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ગ્રેનડા 2019

આ મેચમાં બન્યા રેકોર્ડ 
- જો રૂટે આ વિશ્વકપમાં પાંચમી વખત સદીની ભાગીદારી કરી. તેણે પાકિસ્તાનના જાવેદ મિયાંદાદ (1992) અને શ્રીલંકાના તિલકરત્ને દિલશાન (2015)ની બરોબરી કરી. 

- મોર્ગન એક વનડેમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન બની ગયો. તેણે જોસ બટલર (12)ને પાછળ છોડ્યો. બટલરે આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રેકોર્ડ બનાવ્યો હતો. 

- મોર્ગન વિશ્વકપની એક મેચમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો. તેણે ક્રિસ ગેલ (12)ને પાછળ છોડ્યો. ગેલે 2015મા ઝિમ્બાબ્વે વિરુદ્ધ આ રેકોર્ડ બનાવ્યો હતો. 

-  મોર્ગન ઈંગ્લેન્ડ માટે વિશ્વકપમાં હાઈએસ્ટ સ્કોર બનાવનાર ત્રીજો બેટ્સમેન બન્યો. તેનાથી આગળ એંડ્રયૂ સ્ટ્રૉસ (158 રન) અને જેસન રોય (153 રન) છે. 

- જો રૂટ અને મોર્ગને આ મેચમાં 189 રનની ભાગીદારી કરી. આ વિશ્વકપમાં ઈંગ્લેન્ડ માટે સૌથી મોટી ભાગીદારી છે. બંન્નેએ ડી. એમિસ અને કે. ફ્લેચર (1975 વિશ્વકપ)ની 176 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો. 

- ઈંગ્લેન્ડે આ મેચમાં કુલ 25 સિક્સ ફટકારી. તે વિશ્વકપની એક મેચમાં સૌથી વધુ સિક્સ ફટકારનારી ટીમ બની ગઈ છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ (2015મા ઝિમ્બાબ્વે વિરુદ્ધ)ના 19 છગ્ગાના રેકોર્ડને પાછળ છોડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news