વિશ્વની સૌ પ્રથમ ફૂલ-સ્કેલ હાઈપરલૂપ પેસેન્જર કેપ્સુલ બનીને તૈયાર
32 મીટરની "ક્વિન્ટેરો વન" પેસેન્જર કેપ્સૂલને હાઈપરલૂપ ટીટીના ફ્રાન્સના ટોલુસે ખાતે આવેલા રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટરને ટૂંક સમયમાં ડિલીવર કરાશે, ભારતમાં આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારે પણ હાઈપરલૂપ સેવા માટે કરાર કરેલા છે
Trending Photos
સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાની 'હાઈપરલૂપ ટ્રાન્સ્પોર્ટેશન ટેક્નોલોજીસ' (HyperloopTT) દ્વારા મંગળવારે પ્રથમ સંપૂર્ણપણે તૈયાર એવી ટ્રાન્સ્પોર્ટેશન કેપ્સૂલ ખુલ્લી મુકવામાં આવી હતી. સ્પેનના પ્યોર્ટો દ-સાન્તા ખાતે તેનું પ્રદર્શન કરાયું હતું અને 2019માં મુસાફરી માટે તેનો ઉપયોગ શરૂ કરી દેવાશે.
32મીટરની "ક્વિન્ટેરો વન" નામની આ પેસેન્જર કેપ્સૂલને ફ્રાન્સ ખાતે આવેલા હાયપરલૂપ ટીટીના રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટરમાં મોકલવામાં આવશે, જ્યાં તેનો પ્રથમ કોમર્શિયલ ઉપયોગ શરૂ કરતાં પહેલાં ટેસ્ટ કરાશે. સાથે જ તેમાં વધારાનું એસેમ્બલિંગ અને ઈન્ટીગ્રેશન સિસ્ટમ પણ ફીટ કરવામાં આવશે.
હાઈપરલૂપ ટીટી કંપનીના ચેરમેન અને સહ-સ્થાપક બિબોપ ગ્રેસ્ટાએ એક નિવેદનમાં જણાવ્યું કે, "વર્ષ 2019માં આ કેપ્સૂલ સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ જશે અને તેનો મુસાફરોના પરિવહનમાં ઉપયોગ કરી શકાશે. હવે, હવે સરકારી નિયમોનું સમાધાન શોધવાના પ્રયાસ કરી રહ્યા છીએ. જેમાં મુસાફરોની સુરક્ષા અને વીમા અંગેનાં દિશાનિર્દેશોને ધ્યાનમાં લેવાશે. ત્યાર બાદ અમે હાઈપરલૂપને દુનિયા સમક્ષ રજૂ કરી દઈશું."
હાઈપરલૂપની વિશેષતાઓ
5 ટન વજન ધરાવતી આ કેપ્સૂલમાં 72 સેન્સર્સ ફીટ કરવામાં આવે છે. તેમાં 75,000 જેટલા રિવીટ અને 7,200 ચોરસ મીટર ફાઈબર મટિરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું નિર્માણ હાઈપરલૂપ ટીટી દ્વારા વિશેષ રીતે બનાવાયેલા ડબલ પડ ધરાવતા કમ્પોઝિટ મીટિરિયલ "વાઈબ્રેનિયમ" દ્વારા કરવામાં આવ્યું છે.
હાઈપરલૂપ ટીટી કંપનીના સહ-સ્થાપક અને સીઈઓ ડિર્ક અલબોર્ને જણાવ્યું કે, "આ હાઈપરલૂપના નિર્માણમાં એક વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. કેમ કે અમે તેની શ્રેષ્ઠ નિષ્ણાતો પાસે ડિઝાઈન તૈયાર કરાવી છે. તેમાં સર્વશ્રેષ્ઠ એન્જિનિયરિંગની સાથે જ તેના માટે વિશેષ કટિંગ એજ મટિરિયલનો વિકાસ કરાયો છે."
ભારતના બે રાજ્યો દ્વારા કરાર
ભારતના બે રાજ્યોએ પણ તેમનાં ત્યાં જાહેર પરિવહનના ક્ષેત્રમાં હાઈપરલૂપ સેવા શરૂ કરવા અંગે હાઈપરલૂપ ટીટી કંપની સાથે કરાર કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષના મે મહિનામાં આંધ્રપ્રદેશ સરકાર દ્વારા અનંતપુર-અમરાવતી-વિજયવાડા અને વિશાખપટ્ટનમને જોડતા 700થી 800 કિમી લાંબા માર્ગમાં હાઈપરલૂપ પરિવહન સેવા શરૂ કરવા માટે હાઈપરલૂપ ટીટી કંપની સાથે કરાર કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર સરકારે પણ અગાઉ મુંબઈ-પુણે વચ્ચે હાઈપરલૂપ સેવા શરૂ કરવા માટે રિચાર્ડ બ્રેન્સનની કંપની વર્જિન ગ્રૂપ સાથે કરાર કરવામાં આવ્યા હતા.
હાઈપરલૂપ કંપની ચીનમાં પ્રથમ હાઈપરલૂપ સેવાનું નિર્માણ કરવા જઈ રહી છે. તેણે ચીન સાથે તેના ગુઈઝોઉ પ્રાન્તમાં ટેસ્ટ ટ્રેકનું નિર્માણ કરવાનો કરાર કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે