BIG BUSINESS NEWS: અંબુજા સિમેન્ટને ટેકઓવર કરી સિમેન્ટ સેક્ટરમાં અદાણી ગ્રૂપની એન્ટ્રી
બિઝનેસ ક્ષેત્ર સાથે સંકળાયેલાં લોકો માટે ખુબ જ મોટા સમાચાર સામે આવ્યાં છે. હવે અદાણી ગ્રૂપે સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કરી લીધો છે. હવે અદાણી ગ્રૂપ અંબુજા સિમેન્ટ ખરીદીને તેનું સર્વેસર્વા બની ગયું છે.
- અંબુજા સિમેન્ટને અદાણી ગ્રૂપે ખરીદી લીધો
- ACC લિમિટેડમાં હોલસીમ ઇન્ડિયા પણ ખરીદ્યો
- સિમેન્ટ સેક્ટરમાં અદાણીનો પ્રવેશ
- અદાણીનું અત્યાર સુધીનું સૌથી મોટું એક્વિઝિશન
Trending Photos
નવી દિલ્લીઃ બિઝનેસ સેક્ટરને લઈને ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગેસ અને એવિએશન બાદ હવે અદાણી ગ્રૂપ સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. અગાઉ અદાણી ગ્રૂપે ઓફશોર સ્પેશિયલ પર્પઝ વ્હીકલ દ્વારા જાહેરાત કરી હતી કે તે ભારતની બે અગ્રણી સિમેન્ટ કંપનીઓને ખરીદશે. જેમાં અદાણી ગ્રૂપ સિમેન્ટ સેક્ટરની વર્ષો જૂની અને અગ્રણી ગણાતી કંપની અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને ACCમાં સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત હોલસિમ લિમિટેડનો સંપૂર્ણ હિસ્સો ખરીદી લીધો છે.
મહત્ત્વનું છેકે, અદાણી ગ્રૂપ હોલસીમ, તેની પેટાકંપનીઓ દ્વારા, અંબુજા સિમેન્ટ્સમાં 63.19 ટકા અને ACCમાં 54.53 ટકા હિસ્સો ધરાવે છે. બિઝનેસ સેક્ટરનો આ સોદો અધધ 10.5 બિલિયન ડોલરનો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છેકે, અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું એક્વિઝિશન છે. આ સૌદા સાથે ગુજરાતનું અગ્રણી ઉદ્યૌગિક એકમ ગણાતું અદાણી ગ્રૂપ ગેસ અને એવિએશનના બિઝનેસ બાદ સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો.
અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપે ઑફશોર સ્પેશિયલ પર્પઝ વ્હીકલ દ્વારા જાહેરાત કરી છે કે તેણે અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને ACC લિમિટેડમાં સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત હોલ્સિમ લિમિટેડનો સમગ્ર હિસ્સો હસ્તગત કર્યો છે. આ બન્ને કંપનીઓ ભારતમાં ખુબ મોટું નામ ધરાવે છે. આ ડીલ અંતર્ગત કેટલાંક કરારો પણ કરવામાં આવ્યાં છે. અંબુજા સિમેન્ટની ઓફર શેરની કિંમત રૂ. 385 છે અને ACCની કિંમત રૂ. 2,300 છે, હોલસિમે એક નિવેદનમાં જણાવ્યું હતું. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામગ્રીના ક્ષેત્રમાં આ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું એક્વિઝિશન માનવામાં આવે છે. આ સ્વિસ કંપનીએ 17 વર્ષ પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હતો.
અંબુજા સિમેન્ટ્સ અને ACC હાલમાં 70 MTPA ની સંયુક્ત સ્થાપિત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. બંને કંપનીઓ મજબૂત બાંધકામ અને સપ્લાય ચેઇન સાથે ભારતની સૌથી મજબૂત બ્રાન્ડ્સમાંની એક છે. તેમની પાસે ભારતમાં 23 સિમેન્ટ પ્લાન્ટ, 14 ગ્રાઇન્ડીંગ સ્ટેશન, 80 રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટ અને 50,000 થી વધુ ચેનલ પાર્ટનર્સ છે.
અદાણીને કેમ પડ્યો સિમેન્ટ સેક્ટરમાં રસ?
અદાણી ગ્રૂપ પોતાના વિવિધ બિઝનેસ થકી હાલ ખુબ સારી કમાણી કરી રહ્યું છે. માત્ર ભારત જ નહીં ગૌતમ અદાણી દુનિયાના ટોચના ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવે છે. ત્યારે સવાલ એ થાય છેકે, આખરે અદાણીને સિમેન્ટના ધંધામાં રસ કેમ પડ્યો. એનો જવાબ પણ તમને અહીં જાણવા મળશે. હાલ ગુજરાત સહિત દેશભરમાં કસ્ટ્રકશનનો વ્યવસાય ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. એ સાથે જ સિમેન્ટના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક સર્વે મુજબ આપણાં ત્યાં માથાદીઠ 242 કિલો ગ્રામ સિમેન્ટનો ઉપયોગ થાય છે. જ્યારે વૈશ્વિક સ્તરે આ આંકડો તેના કરતા બમણો છે. વૈશ્વિક સરેરાશ 525 કિગ્રા પ્રતિ વ્યક્તિની સરખામણીએ, ભારતમાં સિમેન્ટ સેક્ટરમાં વૃદ્ધિની મોટી સંભાવનાઓ રહેલી છે. અને જે ઝડપથી શહેરો અને ગ્રામીણ વિસ્તારોનો પણ વિકાસ થઈ રહ્યો છે તે જોતા આગામી સમયમાં સિમેન્ટ સેક્ટરમાં સારી એવી કમાણી થઈ શકે તેવી સંભાવનાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે