સાહસિક, પ્રયોગાત્મક, અલાયદો છતાં બોક્સઓફિસ પર નિષ્ફળ પ્રયાસ બની જશે 'પીહુ'

એક માસુમ એવા સંજોગોમાં સપડાય છે કે આખાય ઘરમાં તે સાવ એકલું અટુલું રહી જાય છે. કેવી પરિસ્થિતિમાં આ માસુમ ઘરમાં સાવ એકલું થઇ ગયું ? ટ્રેલરમાં દર્શાવ્યા મુજબ જ તેની માતા બેડ પર સ્થિતિપ્રજ્ઞ છે. પીહુની માતા સાથે શું થયું છે ? ટ્રેલરમાં પીહુ પાપા, પાપા એમ બૂમ પાડે છે પણ સામે કોઇ જવાબ નથી મળતો તો પીહુના પપ્પા આખરે છે ક્યાં ?

સાહસિક, પ્રયોગાત્મક, અલાયદો છતાં બોક્સઓફિસ પર નિષ્ફળ પ્રયાસ બની જશે 'પીહુ'

મુફદ્દલ કપાસી/અમદાવાદ :  સ્ક્રીન પર માત્ર એક જ અભિનેતા હોય બાકી કોઇ નહી. કોઇ એટલે કોઇ નહી. હોલિવૂડમાં આવી ઘણી મૂવીઝ બની છે અને બનતી રહી છે. સાવ નજીકના સમયમાં બનેલી કેટલીક મૂવીઝ જોઇએ તો બરીડ, મૂન અને ધ શેલોને ગણી શકાય. જો કે આ તમામમાં કેટલાંક સહાયક કલાકારો તો હતાં જ. બોલિવૂડે આ બાબતે ગીનીઝ બૂકમાં છેક 1964માં નામ નોંધાવ્યું હતું મૂવી યાદેં માટે. આ આખીય મૂવીમાં એકમાત્ર અભિનેતા હતાં અને તે હતાં સુનિલ દત્ત. જો કે એક આખી મૂવીમાં માત્ર બેથી અઢી વર્ષની એક માસુમ બાળકી જ એકમાત્ર પરફોર્મર હોય તો ? જી હા, પત્રકારત્વમાંથી સિનેમાક્ષેત્રે ઝંપલાવનારા ડિરેક્ટર વિનોદ કાપડી ભારતીય સિને ઇતિહાસની પહેલી એવી ફૂલ લેન્થ મૂવી લઇને આવ્યાં છે જેનો પૂરેપૂરો મદાર એક 2 વર્ષની માસુમ પર છે. ખરેખર વિનોદ કાપડીનું આ કદમ અત્યંત સાહસિક છે. એના માટે પહેલાં તો એમને સલામ. પણ આ સાહસની અંદર શું છે ?

એક માસુમ એવા સંજોગોમાં સપડાય છે કે આખાય ઘરમાં તે સાવ એકલું અટુલું રહી જાય છે. કેવી પરિસ્થિતિમાં આ માસુમ ઘરમાં સાવ એકલું થઇ ગયું ? ટ્રેલરમાં દર્શાવ્યા મુજબ જ તેની માતા બેડ પર સ્થિતિપ્રજ્ઞ છે. પીહુની માતા સાથે શું થયું છે ? ટ્રેલરમાં પીહુ પાપા, પાપા એમ બૂમ પાડે છે પણ સામે કોઇ જવાબ નથી મળતો તો પીહુના પપ્પા આખરે છે ક્યાં ?

કેવી રીતે પીહુ ઘરમાં સાવ એકલી કેટલીય બધી ભીષણ પરિસ્થિતિમાં મુકાઇ જાય છે છતાં બીજુ કોઇ આવતું જ નથી ? સૌથી રસપ્રદ બાબત એ છે કે દોઢ કલાક લાંબી આ મૂવીમાં ઉપરના દરેક સવાલોના જવાબ ડિરેક્ટર અજબ કૂનેહથી આપી દે છે પણ હા એટલું ખરું કે સ્ક્રીન પર જો કોઇ એકમાત્ર મૂવીંગ કેરેક્ટર હોય તો તે છે બે વર્ષની માસુમ પીહુ ! નવાઇ પમાડે એવું છે ને ! પણ પીહુની સૌથી મજબૂત બાબત મને એ જ લાગી !  

વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પોખવામાં આવેલી આ મૂવીમાં ઓનસ્ક્રીન એક માત્ર બાળકી સિવાય બીજા કેટલાંક પાત્ર જરૂર છે પણ તે ક્યાંય પરદા પર આવતાં નથી. એ ફોન પર સંભળાય છે કે પછી દરવાજા કે બારી બહાર સંભળાય છે ! ડિરેક્ટરની સૂઝબુઝનો આ કમાલ છે જેમાં એ એકમાત્ર પાત્રને જ પરદે દેખાડવા માગે છે છતાં વાર્તાની જરૂરિયાત મુજબ
બીજા પાત્રોના અસ્તિત્વનો પણ અહેસાસ કરાવે છે. એક દ્રશ્ય એવું જ કાબિલેદાદ છે જેમાં માસુમ પીહુ બંધ દરવાજા બહાર વાતચીત કરતા બે પાત્રોને સાંભળે છે જેમાં દરવાજા પાસે ઝૂકીને તેની આંખોએ દેખાતાએ બે પડછાયા જ આપણે જોઇ શકીએ છીએ. ડિરેક્ટરે માત્ર વિવિધ પરિસ્થિતિઓમાં મુકીને માસુમની નૈસર્ગિક હરકતો જ કેમેરામાં કેદ કરી છે અને છતાં વાર્તા આગળ વધે છે એ સૌથી અદ્દભૂત છે. સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોર થોડા ઘણાં અંશે પ્લસ પોઇન્ટ છે.

ડિરેક્ટર વિનોદ કાપડીએ જ લખેલી વાર્તા અને સ્ક્રીન પ્લે સાથેની આ મૂવીની સૌથી નબળી કડી છે વાર્તાની લંબાઇ. બીજો નેગેટિવ પોઇન્ટ છે વાર્તાના કન્સેપ્ટનું બંધન. એક જ પાત્ર અને એ પણ માસુમ બાળકી હોવાને લીધે તેની નેચરલ ગતિવિધિ સિવાય ડિરેક્ટર અહી કોઇ વધારે મજબૂત દ્રશ્ય ફિલ્માવી શક્યાં નથી. 90 મિનિટની લંબાઇ છતાં વચ્ચે વચ્ચે કેટલાંક દ્રશ્યો સાવ નિરસ બની ગયાં છે. ગમે ત્યારે જીવ લઇ લે તેવી પરિસ્થિતિની વચ્ચે એક માસુમને મુકી દેવા છતાં સિચુએશન એટલી હોન્ટિંગ પણ નથી બની શકતી. વાર્તાની લંબાઇ હજુ દસથી પંદર મિનિટ ઓછી કરીને બેથી ત્રણ ટ્વીસ્ટ ઉમેરીને મૂવી વધુ મજબૂત બની શકતી હતી. પણ એમ થઇ શક્યું નથી. બે-ત્રણ સુપર્બ દ્રશ્યોને બાદ કરતાં કેટલાંક દ્રશ્યો રિપીટેટિવ પણ લાગે છે. થ્રીલ ક્યાંય કન્ટિન્યુટિ ધરાવતું નથી. 

આ મૂવી આ સાથે જ એક ખુબ જ જરૂરી મેસેજ પણ આપતી જાય છે. સંયુક્ત કુટુંબને બદલે એકલવાયા રહેવાની વધતી જીવનશૈલી સામે પણ આ મૂવી આંગળી ચિંધે છે. કોંક્રિટના જંગલમાં એક જ ફ્લેટમાં હજારો લોકો રહેતાં હોવા છતાં એકબીજાથી કેટલાં ડિસકનેક્ટ હોય છે તે મુદ્દો પણ અહી હાઇલાઇટ કરાયો છે. ટૂંકમાં સિનેમાના એક અત્યંત અનોખા આ પ્રયાસને તમે નજીકથી જાણવા ઇચ્છતા હોવ તો જ આ મૂવી તમારા માટે છે. બાકી ચાલી જશે !

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news