#Me Too અભિયાનને વાહિયાત જણાવી શિલ્પા શિંદેએ આપ્યું ચોંકાવનારું નિવેદન
બિગ બોસ-11ની વિજેતા શિલ્પા શિંદેએ હાલમાં દેશમાં ચાલી રહેલા #Me Too અભિયાનને વાહિયાત કહેતા જણાવ્યું કે, "આ ઈન્ડસ્ટ્રીમાં બળાત્કાર જેવું કશું હોતું જ નથી, બધું જ એક-બીજાની સહમતીથી થતું હોય છે.આ એક પરસ્પર સમજની વાત છે. જો તમે તૈયાર નથી તો ના પાડી દો."
Trending Photos
નવી દિલ્હીઃ હાલમાં દેશમાં #Me Too અભિયાન ચાલી રહ્યું છે અને તેના અંતર્ગત અનેક મહિલાઓ-યુવતીઓએ તેમની સાથે ભૂતકાળમાં થયેલા જાતીય શોષણના કિસ્સા વર્ણવ્યા છે અને દેશમાં અનેક સેલિબ્રિટી આ કેસમાં ફસાયેલી છે. તાજેતરનો છેલ્લો કિસ્સો કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ સંપાદક એમ.જે. અક્બરનો છે. જોકે, આ તમામ વિવાદો વચ્ચે બિગ બોસ-11ની વિજેતા શિલ્પા શિંદેએ કંઈક અલગ જ નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા છે. તેણે કહ્યું છે કે, ઈન્ડસ્ટ્રીમાં આ બધી એક કોમન બાબત છે. બળાત્કાર જેવું કશું જ હોતું નથી, બધું જ સહમતીથી થતુતં હોય છે.
શિલ્પા શિંદે કે જે પોતે ભૂતકાળમાં એક એક્સ પ્રોડ્યુસર સામે જાતીય અત્યાચારનો કેસ દાખલ કરી ચૂકી છે તેણે ટાઈમ્સ નાવ વેબ પોર્ટલને તદ્દન વિરોધાભાસી નિવેદન આપ્યું છે. શિલ્પા શિંદેએ #Me Too અભિયાનને વાહિયાત જણાવતા કહ્યું કે, "તમારી સાથે જ્યારે આવી કોઈ દુર્ઘટના ઘટે ત્યારે જ તમારે અવાજ ઉઠાવવો જોઈએ."
શિલ્પાએ વધુમાં જણાવ્યું કે, "મને ખુદને બોધપાઠ મળ્યો છે. જ્યારે પણ તમારું જાતીય શોષણ કરવામાં આવે ત્યારે જ તમારે બોલવું જોઈએ. પાછળથી બોલવાનો કોઈ ફાયદો નથી. તેનાથી માત્ર વિવાદ પેદા થશે, બીજું કંઈ નહીં. જે-તે સમયે જ તમારે તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ. જોકે, તેના માટે પણ હિંમતની જરૂર હોય છે."
ફિલ્મ ઈન્ડસ્ટ્રી અંગે શિલ્પાએ જણાવ્યું કે, "આ ઈન્ડસ્ટ્રી એટલી ખરાબ પણ નથી અને એટલી સારી પણ નથી. આવું તો દરેક ક્ષેત્રમાં થતું હોય છે. હું નથી જાણતી કેમ લોકો પોતે જ પોતાની ઈન્ડસ્ટ્રીનું નામ બદનામ કરી રહ્યા છે. જે લોકો કામ કરી રહ્યા છે અને તેમને કામ પણ મળી રહ્યું છે. શું બધા જ લોકો ખરાબ છે?"
વધુમાં શિલ્પા બોલી કે, "બધા લોકો ખરાબ હોતા નથી. બધું જ તમારા પર આધાર રાખે છે. તમે સામેની વ્યક્તિ સાથે કેવી રીતે પ્રતિક્રિયા આપો છો. તેને કેવી રીતે જવાબ આપો છો તેના પર આધાર રહેલો છે. આ સંપૂર્ણ રીતે કંઈક આપો અને કંઈક મેળવો (give and take policy) નીતિ છે."
શિલ્પા શિંદેએ જણાવ્યું કે, "મહિલાઓ આજે અવાજ ઉઠાવી રહી છે. જોકે, જે-તે સમયે પણ આ ઈન્ડસ્ટ્રીમાં બળાત્કાર જેવું કંઈ થતું જ નથી. ક્યારેય બળજબરી કરવામાં આવતી નથી. આ ઈન્ડસ્ટ્રીમાં જે કંઈ પણ થાય છે એ બધું જ એક-બીજાની સહમતીથી જ થતું હોય છે. આ એક પરસ્પર સમજની વાત છે. જો તમે તૈયાર નથી તો ના પાડી દો."
આજે જે લોકો #Me Too અભિયાનને સમર્થન આપી રહ્યા છે તે લોકો શિલ્પાના આ નિવેદનથી નારાજ થવાના છે. જોકે, શિલ્પાને પોતાના આ નિવેદન સામે કોઈ જ સંકોચ નથી. તે પોતાના અભિપ્રાયને વળગી રહેનારી વ્યક્તિ છે અને જે કંઈ કહેતી હોય છે તે દિલથી બોલતી હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે