રાજ્યમાં વધતો સ્વાઈન ફ્લૂનો કહેરઃ શનિવારે 4નાં મોત, 120થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
શનિવારે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં સ્વાઈન ફ્લૂથી મોત થયું, સપ્ટેમ્બરમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં અસામાન્ય વધારો
Trending Photos
અમદાવાદઃ રાજ્યમાં ભાદરવાના તાપની સાથે-સાથે સ્વાઈન ફ્લૂનો કહેર પણ જોવા મળી રહે છે. શનિવારે રાજ્યમાં સ્વાઈન ફ્લૂનાં 4 દર્દીનાં મોત થયા હતા, જ્યારે અત્યારે 120થી વધુ દર્દીઓ રાજ્યમાં સ્વાઈન ફ્લૂ પોઝિટિવ છે અને સારવાર હેઠળ છે. શનિવારે અમદાવાદ અને ભાવનગરમાં 1-1, જ્યારે સુરતમાં 2 સ્વાઈન ફ્લૂનાં દર્દીનાં મોત થયા હતા.
અમદાવાદમાં શનિવાર સ્વાઇન ફલૂથી વાડીલાલ હોસ્પિટલમાં બહુરામપુરા વિસ્તારના 30 વર્ષીય પુરુષનું મોત થયું હતું. ચાલુ મહિનામાં અમદાવાદમાં સ્વાઇન ફલૂથી 11નાં મોત થયા છે અને 73થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલનાં છેલ્લા 9 માસનાં આંકડા પર નજર નાખીએ તો, જાન્યુઆરીમાં સ્વાઈનફ્લૂના 5 કેસ નોંધાયા હતા, ફેબ્રૂઆરીમાં 6 કેસ અને 1 વ્યક્તિનું મોત થયુ હતું, માર્ચ મહિનામાં 8 કેસ નોંધાયા હતા અને 3 દર્દીના મોત થયા હતા. એપ્રિલમાં 6 કેસ અને 2 મોત, મે મહિનામાં 1, ઓગસ્ટમાં 12 નવા કેસ અને 3 મોત થયા હતા. સપ્ટેમ્બર મહિનામાં આ આંકડો વધતાં અત્યાર સુધીમાં 15થી વધુ લોકો સ્વાઈનફ્લૂનો શિકાર બનીને મોતને ભેટ્યા છે.
સુરતમાં સ્વાઇન ફલૂના 21 પોઝિટીવ કેસ નોંધાયા છે, જેમાં અત્યાર સુધીમાં 2 વ્યક્તિનાં સ્વાઇન ફલૂથી મોત થયાં છે. શનિવારે યોગીચોકની 33 વર્ષીય મહિલાનું હોસ્પિટલમાં મોત થયું છે. સુરત આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે અને ટીમ દ્વારા ટેમી ફલૂ નામની દવાનું વિતરણ કરાઈ રહ્યું છે. સુરતના માંગરોળમાં પણ શનિવારે સ્વાઇન ફ્લૂથી એકનું મોત થયું છે.
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં પણ સ્વાઇન ફલૂના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના 8 કેસ નોંધાયા છે અને એકનું મોત થયું છે.
રાજકોટમાં શનિવારે સ્વાઇન ફ્લૂના વધુ 5 કેસ નોંધાયા છે, જેમાં 4 મહિલા અને એક પૂરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પાંચ કેસમાં રાજકોટ શહેરમાં 2, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં એક કેસ નોંધાયો છે. અત્યાર સુધી રાજકોટમાં કુલ 32 કેસ નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે