ત્રણ-ત્રણ દીકરીઓની જવાબદારીથી ચિંતિત બાપ બન્યો ચોર! ઘરની મજબૂરીએ ધકેલાયો ગુનાની દુનિયામાં!
નવસારી પોલીસ અધિક્ષક કચેરીની સામેથી તેમજ LCB પોલીસ મથકની સામે એસટી ડેપો તથા તેની બાજુમાં આવેલ એપાર્ટમેન્ટની બહાર રોડ ઉપર પાર્ક કરેલી સ્પ્લેન્ડર બાઇકની ચોરી થતાં પોલીસ સતર્ક થઈ હતી.
Trending Photos
ઝી બ્યુરો/નવસારી: રીક્ષા ચલાવતા બાપના માથે ત્રણ દીકરીઓની જવાબદારી ચિંતા બનતા રીક્ષા ચલાવવા સાથે જ સરળતાથી રૂપિયા કમાવવા બાઈક ચોરીનો રસ્તો અપનાવ્યો હતો. પરંતુ ટેકનિકલ સર્વેલન્સમાં નવસારી LCB ના રડારમાં આવેલા બાઇક ચોરને પોલીસે ઝડપી પાડી ચોરી કરેલી 6 બાઇક કબજે કરી તપાસને વેગ આપ્યો છે.
નવસારી પોલીસ અધિક્ષક કચેરીની સામેથી તેમજ LCB પોલીસ મથકની સામે એસટી ડેપો તથા તેની બાજુમાં આવેલ એપાર્ટમેન્ટની બહાર રોડ ઉપર પાર્ક કરેલી સ્પ્લેન્ડર બાઇકની ચોરી થતાં પોલીસ સતર્ક થઈ હતી. નવસારી LCB પોલીસે શહેરમાં નેત્રમ હેઠળ લાગેલા CCTV કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી ચોરનું પગેરુ શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
LCB ની ટીમને બાતમી મળી હતી કે, નવસારીના ચાર-પુલ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચાલક 54 વર્ષીય ઈમદાદઅલી ઉર્ફે આરીફ સૈયદ પાસે ચોરીની બાઇક છે. જેને લઈને સિસોદ્રા તરફ ગયેલ છે. દરમિયાન નવસારીના તીધરા સ્થિત નવી વસાહત પાસે આરીફ આવવાનો હોવાની માહિતી મળતા જ પોલીસે ફિલ્ડિંગ ગોઠવી આરીફને દબોચી લીધો હતો. જેની કડકાઈથી પૂછપરછ કરતા આરીફ ભાંગી પડ્યો હતો.
ગત ડિસેમ્બરમાં સુરત અને નવસારીમાં ફેબ્રુઆરી મે સુધીમાં કુલ છ splendor બાઇક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી, તેના ઘર આસપાસ મુકેલી 4 નવસારીના સત્તાપીર નજીક એક ગેરેજ પાસેથી 2 મળીને કુલ 6 સ્પ્લેન્ડર બાઈક કબજે કરી હતી. જ્યારે વધુ તપાસ અર્થે આરીફને નવસારી ટાઉન પોલીસને સોંપ્યો છે.
આરોપી આરીફ સૈયદ રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પેટે ત્રણ દીકરી હોવાથી આરીફને ઘર ખર્ચ કાઢવામાં મુશ્કેલી પડતી હતી. જેથી આરીફને દેવું પણ થયું હતું. જેમતેમ મોટી દીકરીને પરણાવી, પણ થોડા મહિના પહેલાં અકસ્માતમાં જમાઈનું મૃત્યુ થતાં આરીફ ભાંગી પડ્યો હતો. જેથી આર્થિક મુશ્કેલીમાં પડેલો આરીફ બાઈક ચોરીના રવાડે ચડ્યો હતો. આરીફ પોતાની પાસે ડુપ્લીકેટ ચાવીનો ગુછ્છો રાખતો હતો અને જ્યાં વધુ પડતી બાઈક પાર્ક કરેલી હોય એવા સ્થળે પહોંચી, એક પછી એક બાઇકમાં ચાવી લગાવી ટ્રાય કરતો અને જે બાઈકમાં ચાવી લાગી જાય એને ચોરી કરીને ફરાર થઈ જતો હતો.
ખાસ કરીને આરીફે બજારમાં સ્પ્લેન્ડર બાઈકની ડિમાન્ડ હોવાથી તેની જ ચોરી કરી હતી. જ્યારે ચોરી કર્યા બાદ બાઈકના એન્જિન અને ચેસીસ નંબર કોઈને વંચાઈ નહીં એ રીતે ઘસી કાઢતો હતો. બાઈક ચોરી કર્યા બાદ થોડો સમય પછી બાઈક છૂટી કરીને તેના સ્પેરપાર્ટ વેચી કાઢતો હતો. પોલીસની પૂછપરછમાં આરીફે સુરતમાં ચૌટા બજાર અને બેગમવાડીમાંથી બે અને નવસારીમાં એસટી ડેપો આસપાસથી 4 બાઇક ચોરી કર્યાની કબુલાત કરી છે. પોલીસ ચોપડે આરીફનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ દેવા અને ઘર ખર્ચના બોજ તળે દબાયેલો આરીફ ચોરીના રવાડે ચડ્યો હોવાનું ખુલવા પામ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે