BMW હિટ એન્ડ રન : સત્યમ શર્મા અકસ્માત બાદથી ગાયબ, પિતાએ આપ્યું મોટું નિવેદન

Ahmedabad BMW Accident : BMW કારનો માલિક શ્રીક્રિશ્ના શર્મા હોવાનો ખુલાસો... શ્રીક્રિશ્ના શર્માનો પુત્ર સત્યમ શર્મા ઝડપી કાર ચલાવવાનો છે શોખીન... 200ની સ્પીડે કાર ચલાવતો હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં કર્યા છે પોસ્ટ... 
 

BMW હિટ એન્ડ રન : સત્યમ શર્મા અકસ્માત બાદથી ગાયબ, પિતાએ આપ્યું મોટું નિવેદન

Ahmedabad BMW Accident : અમદાવાદના રસ્તાઓ ફર ફરતી BMW કાર ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. નશામાં ચકચૂર માલેતુજાર પરિવારના દીકરાએ બુધવારે રાતે ચાર લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક દંપતી ગંભીર રીતે ઘાયલ થયું છે. ત્યારે BMW કારનો માલિક શ્રીક્રિશ્ના શર્મા હોવાનો ખુલાસો થયો છે. શ્રીક્રિશ્ના શર્માનો પુત્ર સત્યમ શર્મા ઝડપી કાર ચલાવવાનો શોખીન છે. જેની કારમાંથી ભાજપનો ખેસ ને દારૂની બોટલો મળી આવી હતી. સત્યમ શર્મા અકસ્માત બાદ કાર મૂકીને ફરાર થઈ ગયો છે. તો 200ની સ્પીડે કાર ચલાવતો હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. અમદાવાદમાં અકસ્માત સર્જનાર BMW કાર પણ સીસીટીવીમાં કેદ થઈ છે, જે બતાવે છે કે આ કારથી અકસ્માત સર્જાયો છે. દારૂના નશામાં અકસ્માત સર્જનાર નબીરો સત્યમ શર્મા ભૂગર્ભમાં ઉતરી ગયો છે, પંરતું પોલીસે સત્યમ શર્માના ઘરે પહોંચી હતી, જ્યાં તેના પિતા શ્રીક્રિષ્ના શર્માનું નિવેદન નોંધ્યુ છે.  

સત્યમના પિતાનું નિવેદન
ZEE 24 કલાક સાથેની વાતચીતમાં સત્યમ શર્માના પિતા શ્રીક્રિષ્ન લજ્જારામ શર્માએ જણાવ્યું કે, મારો દીકરો ગઈકાલથી ઘરે આવ્યો નથી. મારો દીકરો બીઈ સિવિલનો અભ્યાસ કરે છે. તે ઘરેથી કોર્ટ જવા નીકળ્યો હતો. કોર્ટમાં એક ગાડીનો કેસ ચાલે છે, તેની એક ગાડી પહેલેથી જ પોલીસ સ્ટેશનમા જમા છે, તે છોડાવવા ગયો હતો. મારી તેની સાથે કોઈ વાતચીત થઈ નથી. એણે જેને પણ માર્યા છે, તેઓને પહેલા જોવા જવા છે. મારા પરિવારનો કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે. પરંતુ 2015 થી મારી તબિયત ખરાબ છે. મારા દીકરા સાથે કોણ હતું તે પણ મને ખબર નથી. તેણે અમને કોઈ જાણ કરી જ નથી. છેલ્લો ફોન આવ્યો હતો કે પોલીસવાળા મને હેરાન કરે છે. તેના બાદથી કોઈ ફોન આવ્યો નથી.

— Zee 24 Kalak (@Zee24Kalak) March 2, 2023

અમદાવાદની N ડિવિઝન પોલીસે કાર ચાલક સત્યમ શર્માના ઘરે તપાસ કરી છે. BMW હિટ એન્ડ રન કેસમાં પોલીસ કાર ચાલકના ઘરે પહોંચી હતી. જેમાં કાર ચાલકનું નામ સત્યમ શર્માની ઉંમર માત્ર 24 વર્ષની હોવાનું ખૂલ્યું છે. સત્યમની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. 

ઝાડના હિસાબે દંપતી બચ્યું, BMW એ ચાર લોકોને અડફેટે લીધા 
બન્યું એમ હતું કે, બુધવારે રાતે 9.45 વાગ્યાના સુમારે બી.આર.પાર્ક પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં, સીમ્સ હોસ્પિટલ રોડ, સોલા વિસ્તારમાં યુવકે પોતાની કાર નંબર GJ-01-KV-1008 ની પુરઝડપે બેદરકારી તેમજ ગફલતભરી રીતે ચલાવી હતી. બી.આર.પાર્ક પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં ચાલીને પસાર થતા તેણે અમીતભાઈ દેવકીનંદન સિંઘલ (ઉ.વ.૪૪ ધંધો વેપાર રહેવાસી) અને તેમના પત્ની સાહેદ મેઘાબેન (ઉ.વ.૪૦) ને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે અમીતભાઈને જમણા પગે ઘુટીના ભાગે ફ્રેક્ચર થયું છે. તો સાહેદ મેઘાબેનને ડાબા પગે ઘુટણના ભાગે ફ્રેક્ચર થયું છે. તેમજ તેમના થાપાના ભાગે ઈજાઓ પહોચીં છે. 

બીએમડબલ્યુ કારની ટક્કરે આવેલુ દંપતી વૃક્ષને કારણે બચ્યુ હતું, નહિ તો તેમનો જીવ જઈ શક્યો હોત. કારે એકસાથે ચાર લોકોને અડફેટે લીધા હતા. એક પ્રત્યક્ષ દર્શીએ આ ઘટના વિશે કહ્યું કે, કારમાં  બે લોકો હતા, કારચાલક 25 વર્ષીય ઉંમરનો હતો. ગઈ કાલે રાત્રે 9.30 વાગે ઘટના બની. દંપતીની સાથે હું પોતે પણ ફંગોળાયો હતો. મારા પગમાં સામાન્ય ઇજા થઇ છે. આવા નબીરાઓને કારણે માર્ગો પર ચાલવું પણ હવે જીવલેણ બન્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news