અમદાવાદ પોલીસ બની હાઈટેક; આરોપીની ક્રાઈમ કુંડળીથી લઈને તમામ ડેટા પોલીસને મળશે આંગળીના ટેરવે
ટેકનોલોજીનો વ્યાપ વધતા હવે પોલીસ વિભાગ પણ હાઈટેક બની રહ્યું છે. પોલીસ દ્વારા એક તરકસ નામની એપ્લીકેશન બનાવવામાં આવી છે. જે તમામ પોલીસ કર્મચારી અને અધિકારીઓને આપવામાં આવી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: પોલીસને હવે કોઈ પણ ગુનાનું પગેરું મેળવવું સરળ બનશે…કેમ કે અમદાવાદ પોલીસ દ્વારા બનાવવામાં આવેલ એપ્લીકેશન તર્કસમાં ગુનેગારોના ગુના, નામ, સરનામા સહિતની વિગતો આંગળીના ટેરવે મળશે. ઉપરાંત હવે પોલીસ વાહન ચેકીંગ કરીને પણ વાહન ચાલકોની વિગતો સાથેનો ડેટા આ એપ્લિકેશનમાં અપલોડ કરી રહી છે. જે ભવિષ્યમાં પણ ઉપયોગી નીવડી શકે છે. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે પોલીસનું નવું ટેકનોલોજી વાળું હથિયાર તરકસ શું છે?
ટેકનોલોજીનો વ્યાપ વધતા હવે પોલીસ વિભાગ પણ હાઈટેક બની રહ્યું છે. પોલીસ દ્વારા એક તરકસ નામની એપ્લીકેશન બનાવવામાં આવી છે. જે તમામ પોલીસ કર્મચારી અને અધિકારીઓને આપવામાં આવી છે. શહેરમાં ગુનાખોરી ડામવા અને ફરાર આરોપીઓને પકડવા માટે આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. જો કે હવે પોલીસ જેટલા પણ વાહન ચેકીંગ કરશે તેની વિગતો પણ પોલીસ અધિકારીને પળવારમાં મળી જશે. કારણ કે પોલીસ જ્યારે પણ કોઈ વાહન ચેકીંગ કરશે ત્યારે વાહન નંબર, ચાલકનો મોબાઈલ નંબર, નામ અને ફોટો પણ તેમાં અપલોડ કરવાનો રહેશે. અને જો તે ચોરીનું વાહન હશે, તો તુરંત જ સ્થળ પર જ પોલીસને જાણ થઈ જશે. સાથે જ પોલીસને લગતી તમામ સમસ્યાઓની ફરિયાદ પણ આ એપ્લીકેશન થકી કરીને તેનો 7 દિવસમાં નિકાલ કરવામાં આવશે.
આ એપ્લીકેશનમાં તમામ પ્રકારના ગુનાની ટેવવાળા આરોપીઓની ક્રાઈમ કુંડળી અપલોડ કરવામાં આવી છે. જેથી જે તે પોલીસ કર્મચારી તેના વિસ્તારમાં આવા રીઢા ગુનેગારની વિગતો સરળતાથી મેળવી શકે. સાથોસાથ આ એપ્લિકેશનમાં પોલીસ માટેના ક્વાટરની પણ વિગતો જોઈ શકાશે. જેથી કોઈ પણ પોલીસકર્મીને અન્યાય ન થાય. સાથે જ પોલીસનાં બંદોબસ્ત અને બદલી સહિતની તમામ કામગીરીની માહિતી એપમાં જોવા મળશે. જોકે રીઢા આરોપીઓનાં ફોટો પોલીસ પાસે હોવાથી ફેસરેકોનાઇઝની મદદથી શહેરમાં લગાવેલ ચાર રસ્તાઓ પરનાં સીસીટીવી સાથે કનેક્ટ કરવામાં આવશે. જેથી કોઈ પણ ફરાર ગુનેગાર કેમેરામાં દેખાતા પોલીસને તરત જાણ થતા તેની ધરપકડ કરવામાં આવશે.
કોરોના કાળમાં પણ જે પોલીસ કર્મચારી પોઝિટિવ છે, તેના સ્વાસ્થ્યની વિગતો સહિત તમામ માહિતી એક જ સ્થળે એપ્લીકેશન મારફતે જોવા મળતા પોલીસની કામગીરી સરળની સાથે પોલીસને ગુનાઓનાં નિવારણમાં મદદરૂપ સાબિત થશે.સાથે જ શહેરીજનો ટુંક સમયમાં આ એપ્લીકેશનનો ઉપયોગ કરીને અનેક માહિતીઓ આંગળીનાં ટેરવે મેળવી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે