શ્રીવાસ્તવ પરિવારની લાડલી બનશે, ત્યજી દેવાયેલી દીકરીને અમેરિકન NRI દંપતીએ દત્તક લીધી

Adoption : રાજકોટના કાઠીયાવાડ બાલાશ્રમની તન્મયને અમેરિકાના દંપતીએ દત્તક લીધી... કાઠીયાવાડ બાલાશ્રમમાંથી અત્યાર સુધીમાં અમેરિકા, કેનેડા, જર્મની સહિતના દેશએ 350 થી વધુ બાળકોને દત્તક લીધા છે
 

શ્રીવાસ્તવ પરિવારની લાડલી બનશે, ત્યજી દેવાયેલી દીકરીને અમેરિકન NRI દંપતીએ દત્તક લીધી

Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : આપણે ત્યાં અનેક જગ્યાએ જાગૃતિનો અભાવ હોવાને લીધે દીકરીનો જન્મ થતાં જ તેને ત્યજી દેવામાં આવતી હોય છે. ત્યારે બેટી બચાવો બેટી પઢાવો સહિતના અભિયાન થકી વાલીઓને જાગૃત કરવામાં આવતા હોય છે ત્યારે વર્ષ 2018માં પાંચ વર્ષની એક દીકરીને તેના પરિવાર દ્વારા ત્યજી દેવામાં આવી હતી. ત્યારે રાજકોટના કાઠીયાવાડ બાલાશ્રમે આ દીકરીનો માતા પિતાની જેમ ઉછેર કર્યો અને તેની તમામ જીદ પૂર્ણ કરી અને તેનું નામ તન્મય રાખવામાં આવ્યું હતું. ત્યારે આ દીકરી તન્મયની હાલ ઉંમર 12 વર્ષની છે. તેને અમેરિકાના શ્રીવાસ્તવ દંપતીએ દતક લીધી છે અને આ દીકરીને અમેરિકા લઈ જવામાં આવશે ત્યારે તે વિદાય સમારંભમાં ખૂબ જ ભાવુક થઈ હતી અને જણાવ્યું હતું કે, "હું અહીંના મારા તમામ ફ્રેન્ડને ખૂબ જ યાદ કરીશ તેમજ અહીંનો જે સ્ટાફ છે તે લોકોએ મને દીકરીથી પણ વિશેષ રાખી છે. તે ક્યારેય નહિ ભૂલાય"

દીકરી તન્મય ભણવામાં અને ડાન્સમાં નંબર વન
વર્ષ 2018માં તન્મયની ઉંમર જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેના પરિવાર દ્વારા તેને ત્યજી દેવામાં આવી હતી. ત્યારે રાજકોટના કાઠીયાવાડ બાલાશ્રમે આ દીકરીનો ઉછેર કર્યો હતો અને તેની તમામ નાની મોટી જીદ પૂર્ણ કરી હતી દીકરી તન્મય ધોરણ ચાર સુધીના અભ્યાસકાળમાં તેના તમામ પરિણામમાં તે નંબર વન રહી છે. સાથે સાથે તેને ડાન્સનો પણ ખૂબ જ શોખ છે. અન્ય દેશના લોકો ભારતીય બાળકોને દત્તક લેવા માટે ભારત સરકારની કારા નામની વેબસાઈટ ઉપર નોંધણી કરાવે છે. જેમાં અમેરિકાના શ્રીવાસ્તવ દંપતી ઉમેશ અને શિવાની શ્રીવાસ્તવે તન્મયને દતક લેવા માટે અરજી કરી હતી. 

સૌ પ્રથમ તન્મયને મળ્યા ત્યારે જ તે પરિવારની મેમ્બર હોય તેઓ અનુભવ થયો
મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ અમેરિકામાં રહેતા શ્રીવાસ્તવ દંપતીએ ઝી ૨૪ કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા પરિવારમાં અમે પતિ પત્ની અને એક દીકરો એટલે કુલ ત્રણ સભ્ય છીએ. પરંતુ અમારા પરિવારમાં દીકરી ન હોવાથી ક્યાંક અમારો પરિવાર અમને અધૂરો હોય તેવું લાગી રહ્યું હતું. અને દીકરીને તો ઘરની લક્ષ્મી ગણવામાં આવે છે. ત્યારે અમારા પરિવાર દ્વારા દીકરીને દત્તક લેવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ભારત સરકારની કારા નામની જે વેબસાઈટમાં નોંધણી કરાવવામાં આવી હતી. જેમાં તન્મય નામની દિકરી સાથે અમારી તમામ વિગત મેચ આવી જતા અમારા પરિવારને તન્મય સાથે મળવાનું થયું. ત્યારે સૌપ્રથમ વખત જ તન્મય અમારા સાથે એટલી બધી મેચ આવી ગઈ હતી કે તે જાણે અમારા જ પરિવારની દીકરી હોય અને તે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર છે. જેથી અમારા પરિવાર દ્વારા તન્મયને દત્તક લેવા માટેનો નિર્ણય લીધો હતો. અમે સૌ પ્રથમ તો તેને પરિવારનો પ્રેમ આપીશું અને તેને સારું ભણતર આપીશું તેમજ તેની તમામ જીદ પૂરી કરીશું. 

સ્ટાફને યાદ કરીને તન્મય ભાવુક થઈ
તન્મયની ઉંમર જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે જ તેના ઘર દ્વારા તેને તરછોડી મૂકવામાં આવી હતી. ત્યારથી જ રાજકોટના બાલશ્રમમાં આ પાંચ વર્ષની દીકરી તન્મયનો ખુબ જ સારી રીતે ઉછેર કરવામાં આવ્યો હતો અને હાલ તેની ઉંમર 12 વર્ષની થતા તેને અમેરિકાના દંપતીએ દત્તક લીધી છે. ત્યારે વિદાય સમારંભમાં તન્મય ખૂબ જ ભાવુક થઈ હતી અને જણાવ્યું હતું કે હું અહીંના મારા તમામ ફ્રેન્ડ તેમજ સ્ટાફને કોઈ દિવસ નહીં ભૂલું, હંમેશા તેને મિસ કરીશ. આ ઉપરાંત ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં પણ જણાવ્યું હતું કે માવતર કરતા પણ મને વિશેષ અહીં રાખવામાં આવી છે. આ બાલાશ્રમ ક્યારેય નહી ભૂલાય અને મને જે પરિવાર દ્વારા દતક લેવામાં આવી છે. તેમના દ્વારા મારુ નામ તન્મયના બદલે આહના શ્રીવાસ્તવ રાખવામાં આવ્યું છે તેથી હું ખૂબ જ ખુશ છું. 

રાજકોટ બાલાશ્રમના પ્રમુખ હરેશભાઈ વોરાએ જણાવ્યું કે, રાજકોટનું કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ છેલ્લા ૧૧૪ વર્ષ વર્ષથી ચાલી રહ્યું છે. આ બાલાશ્રમમાંથી અત્યાર સુધીમાં કુલ 700 થી વધુ બાળકોને દતક આપવામાં આવ્યા છે. જેમાં અમેરિકા જર્મની ઇટલી સહિતના દેશમાં 350 થી વધુ બાળકોને દતક આપવામાં આવ્યા છે. જ્યારે તન્મય નામની 12વર્ષની દીકરીને મૂળ ભારતીય અને હાલ અમેરિકામાં રહેતા શ્રીવાસ્તવ દંપતીએ આ દીકરીને દતક લીધી છે. 

બાળકોને દતક કઈ રીતે લેવામાં આવે છે?
દેશભરમાં કોઈપણ બાળકોને તેના માતા પિતાએ જ્યારે તરછોડી દીધા હોય છે ત્યારે તેને નજીકના બાલશ્રમ દ્વારા તેનો ઉછેર કરવામાં આવતો હોય છે. તરછોડી દીધેલા બાળકની તમામ વિગત ભારત સરકારની જે કારા નામની વેબસાઈટ છે, તેમાં મૂકવામાં આવતી હોય છે. જેમાં કોઈપણ વાલીને બાળક દત્તક લેવું હોય તો તેમાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જ્યારે દેશભરમાંથી કોઈ પણ વાલીને બાળક લેવું હોય તો તે પોતાના જિલ્લામાં એજન્સી મારફત રજીસ્ટ્રેશન કરાવે છે. જેમાં પોલીસ સહિતના અનેક રિપોર્ટ સબમિટ કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. જ્યારે અન્ય દેશના વાલીને કોઈ પણ બાળક દત્તક લેવું હોય તો તેમણે ત્યાંની એજન્સી મારફત રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. બાળકને દત્તક લેવા માટે અનેક ઉંમરના ક્રાઇટ એરિયા મૂકવામાં આવતા હોય છે અને તેનું સંપૂર્ણ પણે વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ જ બાળકને દતક આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

દતક લેવા માટેનું વેઇટિંગ ચાર વર્ષનું છે
ભારત સરકારની જે કારા નામની વેબસાઈટ છે તેમાં કોઈપણ વાલીને બાળક દત્તક લેવું હોય તો તેના માટેનું વેઇટિંગ હાલમાં ચાર વર્ષનું ચાલી રહ્યું છે. સામાન્ય રીતે કોઈપણ બાળકને એક પણ પ્રકારની જન્મથી ખામી કે ગંભીર ઇજા ન હોય તો તેને ભારતના કોઈપણ શહેર કે ગામડામાં વાલીઓને તે બાળક દતક આપવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે કોઈ બાળકને જન્મથી ખામી કે ગંભીર ઇજા હોય અને તેને ખૂબ જ સારી મેડિકલ સુવિધા મળી રહે તે હેતુથી ભારત સરકાર આવા બાળકોને જે વિદેશથી વાલીઓ દત્તક લેવા માગતા હોય તેને સામાન્ય રીતે આવું બાળક દત્તક આપવામાં આવતું હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news