ધવલસિંહ ઝાલાની ભાજપમાં રિ-એન્ટ્રી : પાટીલે આવકારતા કહ્યું, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડીને રહેજો

Gujarat Politics : ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની બાયડના ધારાસભ્યને સાનમાં સૂચના..મતવિસ્તારના લોકોને હેરાન ન કરવાનું કહી, શાંતિથી પાર્ટી સાથે જોડાયેલા રહેવાની કરી ટકોર..
 

ધવલસિંહ ઝાલાની ભાજપમાં રિ-એન્ટ્રી : પાટીલે આવકારતા કહ્યું, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડીને રહેજો

Arvalli News સમીર બલોચ/અરવલ્લી : અરવલ્લીના કોંગ્રેસના મોટા નેતાઓ જોડાયા ભાજપમાં..સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા. દાયકાઓ જૂના કાર્યકર્તાઓએ લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસનો સાથ છોડ્યો. જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પણ ભાજપમાં ફરીથી એન્ટ્રી મળી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું. પરંતું ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની બાયડના ધારાસભ્યને સાનમાં સૂચના આપી છે. તેઓએ કહ્યું કે, મતવિસ્તારના લોકોને હેરાન ન કરવાનું કહી, શાંતિથી પાર્ટી સાથે જોડાયેલા રહેવાની ટકોર કરી. 

અરવલ્લીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને આવકારતા સી.આર.પાટીલનું ધવલસિંહ ઝાલા અંગે મોટું નિવેદન આપ્યું. તેમણે ધવલસિંહ ઝાલાને કહ્યું કે, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડીને રહેજો. બાયડના લોકોને હેરાન કરતાં નહીં. શાંતિથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલાં રહો. મહત્વનું છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ધવલસિંહ ઝાલા અપક્ષમાંથી ઉભા રહ્યા હતા અને બાયડની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જોકે ધવલસિંહ ત્યારબાદ અનેકવિધ કાર્યક્રમમાં ભાજપના ખેસ સાથે કાર્યક્રમમાં જોવા મળતા હતા. ધવલસિંહ ઝાલાનો અત્યાર સુધીનો રાજકીય કાર્યકાળ ભારે ઉતારચઢાવ વાળો રહ્યો છે. 

કાર્યક્રમની શરુઆતે જ ધવલસિંહ ઝાલાને ટકોર કરતા અધ્યક્ષ પાટીલે કહ્યુ હતુ કે, તમારાથી કાર્યકરો નારાજ છે. હવે ગુંદર ચોંટાડીને રહેજો. કાર્યકરોની નારાજગી દૂર કરવા માફી માંગવા માટે કહ્યું હતું. બાયડના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપથી નારાજ થઈને અપક્ષ ચૂંટાયા હતા. જેને લઈ હવે આ નારાજગી કાર્યકરોમાંથી દૂર કરવા માટે ટકોર કરી હતી. કાર્યક્રમ દરમિયા સીઆર પાટીલે કહ્યું કે, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડી રહેજો. બાયડના લોકોને વિતાડતાં નહીં. શાંતિથી પાર્ટી સાથે જોડાયેલા રહો. 

પાટીલે વધુમાં કહ્યુ હતું કે, અગાઉ સહકારી ક્ષેત્રમાં ઇલુ ઇલુ ચાલતું હતું. ૩૭૧ જેટલી મોટી સંસ્થાઓમાં ભાજપ હવે બહુમતમાં છે. સહકારમાંથી હવે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. સાથે જ સી આર પાટીલે કાર્યકરોને સૂચના આપતા કહ્યું કે, હોર્ડિંગ્સ લગાવવાનું બંધ કરો. કાર્યકર્તા બની રહી નેતા ન બની જઈએ. ગ્રુપ મિટિંગોના કરીએ, ભાજપનો કાર્યકર્તા કમિટેડ છે. 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અલ્પેશ ઠાકોરના પગલે અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયાં હતાં. ભાજપે આ ચૂંટણીમાં ટીકિટ કાપતાં જ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને ભાજપમાંથી રાજીનામુ આપ્યુ હતુ અને બાયડથી ચૂંટણી જીત્યા હતા. ચૂંટણીમાં જીત બાદ ધવલસિંહે ઝાલાએ ભાજપને સમર્થન આપ્યુ હતું. જોકે, પક્ષમાં આવવા તેઓએ અનેક ધમપછાડા કર્યા હતા, ત્યારે આજે તેમની મહેનત રંગ લાવી છે અને ભાજપે તેમને ખેસ પહેરાવી પોતાના કર્યા. પરંતુ તેઓ પાટીલના વેધક શાબ્દિક બાણથી ન બચી શક્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news