ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ મોકૂફ, અન્ય ધોરણોને માસ પ્રમોશનની જાહેરાત
Trending Photos
- આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.
ઓફલાઈન શિક્ષણ પણ બંધ
તો સાથે જ, સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ઘ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે, સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10 મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. ત્યારે સરકારના આ નિર્ણયથી ગુજરાતભરના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીનો મહોલ છવાયો છે. કોરોના મહામારી વચ્ચે પરીક્ષા કેવી રીતે લેવાશે તેનો ડર હવે તેમના મનમાંથી દૂર થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે